ચા-કૉફીની ચુસકી સાથે ટ્રાય કરો હટકે બન્સ

30 June, 2022 01:58 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ઑફિસનો સ્નૅક્સ ટાઇમ હોય કે પછી ઘેરબેઠાં મસ્ત વરસાદની સાથે કુકીઝ, બન્સ, સ્મૉલ પીત્ઝા, વૉફલ્સ જેવી ડિશીઝની હેલ્ધી ટ‍્વિસ્ટ આપેલી અવનવી વાનગીઓ ચાખવી હોય તો કાંદિવલીનાં સીમા મકવાણાએ શરૂ કરેલું બન્સ ઍન્ડ ડેલુચાસ ક્લાઉડ કિચન તમારા માટે છે.

મુંબઈ ચા વડા

અહીં બેક્ડ અને ફિંગર ફૂડની એટલી વરાઇટીઝ મળે છે કે શું ખાવું ને શું નહીં એ વિચારતા રહી જશો

વડાપાંઉ, બર્ગર, પીત્ઝાનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જાય. આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક હોવા છતાં જન્ક ફૂડ ખાવાના શોખીન મુંબઈગરાઓને હાલતાં-ચાલતાં, બર્થ-ડે પાર્ટી કે ઑફિસ બ્રેકમાં ગમે ત્યારે ચાલે એવી આ ડિશિસ હોવાથી કન્ટ્રોલ રહેતો નથી. હેલ્થ કૉન્શિયસ લોકો મન મારીને ખાવાનું ટાળતા હશે તોય અંદરખાને ઇચ્છા થતી હોય તો એક વાર સીમા મકવાણાના ક્લાઉડ કિચન બન્સ ઍન્ડ ડેલુચાસમાંથી ફૂડ મગાવી જોજો. ખાધા પછી તમે ચોક્કસ કહેશો કે ટેસ્ટી ભી હેલ્ધી ભી. સીમાબહેને નવા-નવા પ્રયોગો કરી મુંબઈગરાઓની ઑલટાઇમ ફેવરિટ ડિશિસને હેલ્ધી ફૉર્મમાં રજૂ કરી છે.  

ખાસિયત શું છે?
ઇન્ટરનેટ પર અવેલેબલ કોઈ પણ ફાસ્ટ ફૂડ આઉટલેટના મેનુ કાર્ડની સરખામણી બન્સ ઍન્ડ ડેલુચાસ સાથે કરી જુઓ, જવાબ મળી જશે એવી વાત સાથે શરૂઆત કરતાં તેઓ કહે છે, ‘શરીર માટે હાનિકારક મેંદો અમારા લિસ્ટમાં નથી એ મુખ્ય ખાસિયત છે. બન્સ અને કુલચા માટે ઘઉંનો લોટ વાપરીએ છીએ. હોમમેડ સૉસ, ચીઝ અને હાઈ ન્યુટ્રિશનલ વૅલ્યુ ધરાવતાં વેજિસનું સ્ટફિંગ બીજી વિશિષ્ટતા છે. સામાન્ય રીતે પીત્ઝાના બેઝની ઉપર તમામ સામગ્રી ગોઠવીને બેક કરવામાં આવે છે. બર્ગરમાં પાંઉની વચ્ચે આલૂ ટિક્કી અને સૅલડ મૂકીને સર્વ કરવામાં આવે છે. અમે આ ડિશિસને સ્ટફ કરીને યુનિક બનાવી છે. વૉફલ્સ અને કુકીઝમાં પણ ટ્વિસ્ટ કર્યું છે. બર્ગરી બની, જસ લાઇક પીત્ઝા, મુંબઈ ચા વડા, સ્પિનચીઝ ડેલુચાસ, પીઝબર્ગ, ચીઝી ટોમ, તીખા પનીર, બનાના વેજિસ, હની ઍન્ડ ઓટ્સ કુકીઝ, ટુટીફ્રૂટી સ્ટફલ્સ હરકોઈને પસંદ પડે એવી ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે.’

​આઇડિયા કઈ રીતે આવ્યો?
હાઉસવાઇફમાંથી હોમ શેફ અને બિઝનેસ વુમન બનવા સુધીની સીમાની સફર સંઘર્ષમય રહી છે. પોતાના પગ પર ઊભા રહેવાનું ડ્રીમ તેમણે યંગ એજથી જોયું હતું, પરંતુ એજ્યુકેશન ઓછું હોવાથી જૉબમાં તક ન દેખાઈ. દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરનારાં સીમા કહે છે, ‘ભણતર ન ચડ્યું પણ ટૅલન્ટની વાત આવે ત્યારે મારો સ્કોર વધી જાય. ફર્સ્ટ ચાઇલ્ડ મેન્ટલી રિટાર્ડેડ હોવાથી ઘરની બહાર નીકળીને કામકાજ કરવું મુશ્કેલ હતું. પરિવાર અને સંતાનોની જવાબદારી સાથે મારી જાતને બિઝનેસ વુમન તરીકે એસ્ટાબ્લિશ કરવાના પ્રયાસો કરી જોયા. જુદા-જુદા બિઝનેસમાં હાથ અજમાવ્યો. ક્યારેક સફળતા તો ક્યાંક નિષ્ફળતા મળી. એવામાં ભારતમાં કોરોનાએ દસ્તક દીધી. પૅન્ડેમિકમાં અનેક લોકોના જીવનમાં વળાંક આવ્યો એવી જ રીતે આ સમય મારી લાઇફમાં પણ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો.’

કુકિંગમાં હંમેશાંથી વિશેષ ઇન્ટરેસ્ટ રહ્યો છે એવું ઉત્સાહ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘અમારા ઘરમાં બધા ગજબના ફૂડી છે તેથી કિચનમાં એક્સપરિમેન્ટ્સ કર્યા કરતી. હસબન્ડ કામકાજ માટે બહારગામ જાય ત્યારે ફાસ્ડ ફૂડ પર વધુ ફોકસ રહેતું. બન્ને સંતાનો ટીનેજ એટલે તેમને પણ બન્સ સાથે ખવાતી આઇટમમાં વધુ ઇન્ટરેસ્ટ પડે. ૨૦૨૦ના ​​પડકારજનક સમય દરમિયાન આઉટસાઇડ ફૂડ પર બ્રેક લાગી. જીભનો ચટાકો સંતોષવા ઘરમાં પાંઉ અને બ્રેડ ટ્રાય કર્યા. પ્રયોગો કરતાં-કરતાં વિચાર આવ્યો કે આ સમય છે જ્યારે હું ફૅમિલીને હેલ્ધી ફૂડ તરફ ડાઇવર્ટ કરી શકું છું. અહીંથી નવી જર્ની સ્ટાર્ટ થઈ. ઇન્ડિયન કરી અને ગ્રેવીઝ સાથે સ્ટફ્ડ બન, ટોકાસિયા, મૅગી મસાલા બન એમ બન્સમાં વેરિએશન લાવી. બન્સની આઇટમ ખાવામાં કમ્ફર્ટ અને પૌષ્ટિક હોવી જોઈએ એવું ફીલ થતાં એને સ્ટફ કરીને બનાવ્યા. દાખલા તરીકે તમે બર્ગર ખાઓ તો ઘણી વાર સૅલડ નીચે પડે છે. બધું ફિલિંગ અંદર હોય તો ખાતી વખતે ઢોળાય નહીં. નાનાં બાળકો અને વડીલો પણ એને સૉફિસ્ટિકેટેડ રીતે સાથે ખાઈ શકે છે. ઇન્ડિયન કુલચાને ડેલુચાસ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યા. દરેક આઇટમમાં ​ઇન્ડિયન ટેસ્ટ આપ્યો. ત્યાર બાદ મેનુ કાર્ડને સોસાયટીના ગ્રુપમાં ફૉર્વર્ડ કર્યું. ટેસ્ટી અને હેલ્ધી બેક્ડ ફાસ્ટ ફૂડ અને ફિંગર ફૂડ આઇટમ્સને રિવ્યુ સારો મળ્યો. ૨૦૨૧માં હોમમેડ ફાસ્ટ ફૂડ બ્રૅન્ડ બન્સ અને ડેલુચાસ લૉન્ચ કરી.’

કોરોના બાદ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ આઇટમની વધતી જતી માગને લક્ષમાં લઈ બન્સ ઍન્ડ ડેલુચાસ એફએસએસએઆઇ અપ્રૂવ્ડ, રજિસ્ટર્ડ અને લાઇસન્સ્ડ કિચન છે. દિલ્હી, પુણે, અમદાવાદ, નાશિક જેવાં શહેરો તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સ, ઑસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમમાં પણ તેમની ડિશો પહોંચી ગઈ છે. કોઈ પણ પ્રકારનાં પ્રિઝર્વેટિવ્સ વિના માત્ર વૅક્યુમ કરીને કુરિયર કરવામાં આવે છે. હસબન્ડ જેનિસ મકવાણાના સપોર્ટથી સીમા આ ફીલ્ડમાં નવી ઊંચાઈઓ સર કરવા માગે છે.

મેનુ જોઈ લો

બન્સ અને ડેલુચાસમાં મળતાં સ્ટફ્ડ બન્સને ફ્લફી અને ક્રીમીયર બનાવવામાં આવ્યા છે. એક્ઝૉટિક વેજિસ સ્ટફ્ડ ગોરમે બન્સ બે મિની સાઇઝના પીત્ઝા જેવી આઇટમ છે. હોમમેડ પીત્ઝા સૉસ અને ચીઝી ડિપ સાથે મજેદાર લાગે છે. વેસ્ટર્ન બન્સ સાથે ઇન્ડિયન કરીના કૉમ્બિનેશનનો ટેસ્ટ મિસ કરવા જેવો નથી. ડેલુચાસ ઇન્ડિયન કુલચા નાન છે. ગોરમે વેજિસ અને ટેસ્ટી પૅટીની ઉપર હોમમેડ ડિપ સ્પ્રેડ કરી, ખાસ પ્રકારનો મસાલો ભભરાવી ડેલુચાસમાં રૅપ કરીને સર્વ કરે છે. ડ‌િપ્સમાં પાંચ વરાઇટી લૉન્ચ કરી છે. તમારા ટેસ્ટ પ્રમાણે ઑર્ડર કરી શકો છો. જલસો પડી જાય એવી યુનિક ડિશ છે સ્ટફેલ્સ. ક્રિસ્પી વૉફલ્સની અંદર વેજિસ સ્ટફ કરવામાં આવ્યાં હોવાથી એને સ્ટફલ્સ જેવું મજાનું નામ આપ્યું છે. એમાં સૉલ્ટી અને સ્વીટ બન્ને વરાઇટી છે. મોટા ભાગની આઇટમો કૉમ્બો પૅકમાં ઉપલબ્ધ છે. બધી જ આઇટમ પ્યૉર વેજ છે. પ્રાઇસ રેન્જ ૨૫ રૂપિયાથી ૧૭૦ રૂપિયા છે.

ક્યાંથી મળે?
ઝોમૅટો, સ્વિગી અને શેફપીન દ્વારા હોમ ડિલિવરી થઈ શકે છે.
વધુ માહિતી માટેઃ www.bunsanddeluchas.com

life and style mumbai food Varsha Chitaliya