11 September, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વસ્થ શરીરના ૧૦ અજીબ સંકેતો
મોટા ભાગના લોકો એવું માને છે કે સ્વસ્થ હોવાનો અર્થ એ છે કે શરીરમાં ક્યારેય કોઈ ફેરફાર કે અસહજતા ન થાય. સામાન્ય રીતે ઠંડીમાં નાકમાંથી પાણી પડવું કે પેટમાં ગુડગુડ અવાજ થવાને લોકો અસ્વસ્થતા માની લે છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શરીરનાં કેટલાંક એવાં અજીબ લક્ષણો છે જે સામાન્ય રીતે ચિંતાજનક લાગે છે, પણ વાસ્તવમાં એ દર્શાવે છે કે તમારું શરીર એકદમ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. આને લઈને સોશ્યલ મીડિયા પર ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. સૌરભ સેઠીએ નીરોગી હોવાના આવા ૧૦ રસપ્રદ સંકેતો આપ્યા છે જે નીચે મુજબ છે:
ઠંડી હવા અને તાપમાનમાં અચાનક થતા ફેરફારને કારણે ઘણી વાર નાકમાંથી પાણી આવવા લાગે છે. આ કોઈ બીમારી નથી પરંતુ તમારાં ફેફસાંને ઠંડી અને સૂકી હવાથી બચાવવા માટે શરીર દ્વારા કરવામાં આવતી એક કુદરતી પ્રતિક્રિયા છે.
કાનમાં જમા થતો મેલ વાસ્તવમાં કચરો કે ગંદકી નથી. આ કુદરતી મીણ કાનની અંદરની નળીને સૂકી રાખવામાં અને બૅક્ટેરિયા કે ઇન્ફેક્શનથી બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત
થાય છે.
પરસેવો એ શરીરનું કુદરતી કૂલિંગ મેકૅનિઝમ છે. તમે જ્યારે વર્કઆઉટ કરો છો અથવા ગરમી લાગે છે ત્યારે પરસેવા દ્વારા શરીર પોતાનું તાપમાન નિયંત્રિત રાખે છે.
સોડા કે ગૅસવાળાં પીણાં પીવાથી પાચનતંત્રમાં વધારાનો ગૅસ જાય છે. શરીર માટે આ વધારાના ગૅસને બહાર કાઢવાનો ઓડકાર એ સૌથી સામાન્ય અને કુદરતી રસ્તો છે.
સ્વસ્થ પેઢાંમાંથી સામાન્ય રીતે લોહી નીકળતું નથી. જો બ્રશ કરતી વખતે પેઢાંમાંથી લોહી ન નીકળતું હોય તો એનો અર્થ એ છે કે તમારા દાંત અને પેઢાં સંપૂર્ણ સ્વસ્થ છે.
પેટમાંથી આવતા અવાજો હંમેશાં ચિંતાનો વિષય નથી હોતા. જ્યારે તમારું આંતરડું ખોરાક, પ્રવાહી અને ગૅસને પાચનમાર્ગમાંથી આગળ ધકેલે છે ત્યારે આવા સામાન્ય અવાજો ઉત્પન્ન થાય છે.
દરેક વ્યક્તિની આંતરડાંની પ્રવૃત્તિ અલગ હોઈ શકે છે. દિવસમાં ૩ વખતથી લઈને અઠવાડિયામાં ૩ વખત સરળતાથી અને કોઈ તકલીફ વગર પેટ સાફ થવું એ સામાન્ય અને સ્વસ્થ પાચનતંત્રની નિશાની છે.
જો ત્વચાને હળવેથી ખેંચીને છોડતાં એ તરત જ પાછી મૂળ સ્થિતિમાં આવી જાય તો એ ત્વચાની સારી ઇલૅસ્ટિસિટી દર્શાવે છે. આ શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય હોવાનો પણ એક સંકેત છે.
આછા પીળા રંગનો પેશાબ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી છે. ઘેરો પીળો રંગ શરીરમાં પાણીની કમી દર્શાવે છે.
સાંભળવામાં કદાચ અજીબ લાગે પણ પેટમાંથી ગૅસ છૂટવો એ સારા પાચન-સ્વાસ્થ્યનો પુરાવો છે. પેટમાં રહેલા ગુડ બૅક્ટેરિયા જ્યારે ખોરાકને પચાવે છે ત્યારે કુદરતી રીતે ગૅસ બને છે અને એ બહાર નીકળવો પાચનક્રિયાનો એક સામાન્ય ભાગ છે.