30 March, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફિટ રહેવા માટે જિમમાં પરસેવો પાડવો જરૂરી છે પણ ત્યાં જઈને તમે કેવું પ્રદર્શન કરશો એનો આધાર તમે જિમમાં જતાં પહેલાં શું ખાધું છે એના પર છે. અભિનેત્રી તમન્ના ભાટિયાના ટ્રેઇનર સિદ્ધાર્થ સિંહના મતે કેટલીક વસ્તુઓ જે સ્વાસ્થ્યપ્રદ લાગે છે એ કસરત પહેલાં ખાવી જોખમી છે. ખોટો ખોરાક તમને સુસ્ત બનાવી શકે છે અથવા પેટમાં ગરબડ કરી શકે છે.
પ્રતિબંધિત ખોરાકમાં પહેલા નંબરે છે તળેલું ભોજન. તળેલા ખોરાકમાં ફૅટનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનપ્રક્રિયાને અત્યંત ધીમી પાડે છે. આનાથી લોહીનો પ્રવાહ સ્નાયુઓ તરફ જવાને બદલે પાચનતંત્રમાં રોકાઈ જાય છે જેથી તમે જિમમાં થાક અનુભવો છો.
બીજા નંબરે આવે છે સૅલડ અથવા હાઈ ફાઇબર આહાર. ફાઇબર સ્વાસ્થ્ય માટે સારું છે પણ એ પેટમાં ગૅસ અને બ્લોટિંગ કરી શકે છે જે કસરત દરમિયાન અસ્વસ્થતા પેદા કરે છે. ત્રીજા નંબરે આવે છે ખાંડવાળો ખોરાક. એ તમને શરૂઆતમાં એકાએક ઊર્જા તો આપશે પણ થોડી જ વારમાં એનર્જી-લેવલ ક્રૅશ થઈ જશે.
પ્રી-વર્કઆઉટ મીલ હંમેશાં હળવું અને એનર્જી વધારનારું હોવું જોઈએ. આદર્શ રીતે એમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ અને મધ્યમ પ્રોટીન હોવું જોઈએ જેમ કે એક કેળું અથવા ઓટ્સ. આ ખોરાક જલદી પચી જાય છે અને વર્કઆઉટ દરમિયાન સતત ઊર્જા પૂરી પાડે છે. જો તમે તમારા આહાર અને કસરતનો સમય યોગ્ય રીતે જાળવો તો તમને વધુ સારાં પરિણામો અને ઝડપી રિકવરી મળશે.