ઍડ્વાન્સ સ્ટેજના કોલોન કૅન્સરમાં ઇમ્યુનોથેરપીને કારણે વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકવા સમર્થ છે

09 September, 2026 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ વર્ષના યુવાનને અચાનક પેટમાં દુખાવો અને મળ ન થવાની ફરિયાદ બાદ સ્ટેજ ૪ કોલોન કૅન્સર હોવાનું નિદાન થયું. MSI-હાઈ ગાંઠ માટે ઇમ્યુનોથેરપી શરૂ કરાયા બાદ રોગમાં નોંધપાત્ર ઘટાડો થયો.

પ્રતીકાત્મક તસવીર

આજે હું ૩૦ વર્ષના એક એવા યુવાનનો કેસ શૅર કરવા માગું છું જેની મેં તાજેતરમાં સારવાર કરી છે. હૉસ્પિટલમાં આવ્યાના બે દિવસ પહેલાં તેને પેટમાં હળવો દુખાવો થવા લાગ્યો. ટૂંક સમયમાં તેણે નોંધ્યું કે તે મળત્યાગ કરી શકતો નહોતો કે ગૅસ પણ પાસ કરી શકતો નહોતો અને તેનું પેટ ફૂલવા લાગ્યું હતું. દુખાવો વધતો ગયો અને આખરે તેણે ઇમર્જન્સી રૂમમાં આવવું પડ્યું. તપાસમાં કંઈક અણધારી અને આઘાતજનક બાબત સામે આવી. તેના કોલોન એટલે કે મોટા આંતરડામાં એક મોટી ગાંઠ હતી જેણે મળનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. મારા સર્જિકલ ઑન્કોલૉજીના સાથીદારોએ ઇમર્જન્સી સર્જરી કરવી પડી અને તેમણે સ્ટોમા બનાવ્યો, જેથી તે શરીરની બહાર બાંધેલી બૅગ દ્વારા મળ પસાર કરી શકે. 
સર્જરી પછી આ કેસ મને સોંપવામાં આવ્યો. પોસિટ્રોન એમિશન ટોમોગ્રાફી એટલે કે PET સ્કૅનમાં સ્ટેજ 4 કોલોન કૅન્સર દેખાયું હતું, જે પેટની અંદરના ભાગમાં ફેલાઈ ચૂક્યું હતું. ૩૦ વર્ષના પુરુષ અને તેના પરિવારને તેના જીવનની શરૂઆતમાં જ એ કહેવું કે તેને ઍડ્વાન્સ સ્ટેજનું કૅન્સર છે એ એવી બાબત છે જે ક્યારેય સરળ નથી હોતી. તેની પત્ની અને એક વર્ષના બાળકની તેના પર જવાબદારી હતી. કમાવું જરૂરી હતું એ અમે સમજી શકતા હતા. 
અમે તેની ગાંઠને મૉલેક્યુલર ટેસ્ટિંગ માટે મોકલી, જે આજે આધુનિક કૅન્સરની સારવારનો એક આવશ્યક ભાગ છે અને પછી કંઈક અદ્ભુત બન્યું. તેની ગાંઠનો રિપોર્ટ માઇક્રોસૅટેલાઇટ ઇનસ્ટેબિલિટી એટલે કે MSI-હાઈ આવ્યો જે કોલોન કૅન્સરનો એક દુર્લભ પ્રકાર છે જેના પર ઇમ્યુનોથેરપી ખૂબ સારી રીતે કામ કરે છે. તેથી પરંપરાગત કીમોથેરપીને બદલે અમે તેને ઇમ્યુનોથેરપી આપવાનું શરૂ કર્યું જે એક એવી સારવાર છે જે કૅન્સરના કોષોને ઓળખવા અને એના પર હુમલો કરવા માટે શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે.
એની આડઅસરો સામાન્ય રીતે નહીંવત્ હોય છે. આ તેના માટે ખૂબ મહત્ત્વનું હતું કારણ કે તેણે હમણાં જ તેની નવી નોકરી શરૂ કરી હતી અને તે કામ બંધ કરી શકે એમ નહોતો. માત્ર ૪ થેરપી સાઇકલની અંદર તેના સ્કૅનમાં રોગ પર સારો કાબૂ દેખાયો.
ઇમ્યુનોથેરપી કીમોથેરપી કરતાં અલગ રીતે કામ કરે છે. એ રાતોરાત અસર નથી કરતી. એ કૅન્સરને ઓળખવા અને એનો નાશ કરવા માટે રોગપ્રતિકારક શક્તિને ધીમે-ધીમે પુનઃ સક્રિય કરે છે. આજે ૧૦ મહિના પછી તે લગભગ સામાન્ય જીવન જીવી રહ્યો છે. તે નોકરી પર જાય છે અને તેના પુત્ર સાથે રમે પણ છે. તેના તાજેતરના PET સ્કૅનમાં રોગમાં નોંધપાત્ર ઘટાડો દેખાય છે. આધુનિક કૅન્સર થેરપી દ્વારા ઍડ્વાન્સ કૅન્સર સાથે પણ આ ભાઈ એક સામાન્ય જીવન જીવી શકવા માટે આજે સમર્થ છે જે વિજ્ઞાનની ઘણી મોટી જીત છે.

-ડૉ. જેહાન ધાભર 

lifestyle news life and style healthy living health tips cancer