૯૫ ટકા લોકો તો મને લૉકડાઉન પછી ઓળખી જ નહોતા શકતા બોલો

01 March, 2022 02:50 PM IST  |  Mumbai | Ruchita Shah

કોઈ પણ જાતની સ્ટ્રિક્ટ ડાયટ વિના પણ ૯૬માંથી ૭૦ કિલો પર પહોંચેલાં બીના પારેખના વેઇટલૉસની જર્ની ભલભલા માટે તાજ્જુબ જેવી છે

બીના પારેખ પહેલાં, અત્યારે

કોઈ પણ જાતની સ્ટ્રિક્ટ ડાયટ વિના પણ ૯૬માંથી ૭૦ કિલો પર પહોંચેલાં બીના પારેખના વેઇટલૉસની જર્ની ભલભલા માટે તાજ્જુબ જેવી છે. બાળપણથી હેવી બૉડી ધરાવતાં બીનાબહેનનું આ પહેલાં ૨૫૦ ગ્રામ પણ વજન ઓછું નહોતું થયું અને લૉકડાઉનમાં એવું શું કર્યું કે ૨૫ કિલો વજન ઘટી ગયું એની ઇન્ટરેસ્ટિંગ જર્ની જાણીએ

વિલે પાર્લેમાં રહેતાં બીના પારેખના જીવનમાં જે ક્યારેય નહોતું થયું એ લૉકડાઉનમાં બન્યું. ૩૯ વર્ષનાં બીનાબહેન માટે વધુ વેઇટનાં હોવું એ કૉમન બાબત હતી. વેઇટ વધુ હોય તો એ પ્રૉબ્લેમ ગણાય એવું તેમને ક્યારેય લાગ્યું જ નહોતું. જોકે લૉકડાઉનમાં જ્યારે થોડીક નવરાશ મળી ત્યારે લાગ્યું કે ઘણીબધી વસ્તુઓ એવી છે જે વધુ વજનને કારણે તેઓ નથી કરી શકતાં. થોડીક ડિસિપ્લિન્ડ લાઇફસ્ટાઇલથી જો કંઈક થાય તો ટ્રાય કરીએ એમ વિચારીને તેમણે વેઇટલૉસ માટેના પ્રયાસો શરૂ કર્યા અને મૅજિકલ પરિણામ આવ્યું. ૯૬માંથી સીધું ૭૦ કિલો. ડૉક્ટરો પણ તાજ્જુબમાં હતા. તેમને કહેવામાં આવ્યું, બહેન, થોડુંક વજન વધારો એટલે ફરી તેમણે પાંચેક કિલો વેઇટ ગેઇન કરવું પડ્યું વધુ ખાઈને. જોકે આજેય લગભગ ૭૫ કિલોની આસપાસ તેમનું વેઇટ સ્ટેબલ છે. એમાં પાછું તેમનું કામકાજ છે ફૂડ ઍનલિસ્ટનું એટલે રોજેરોજ જાતજાતની અને ભાતભાતની આઇટમો તેણે ચાખવી પડતી હોય છે. મોટા ભાગે ચાખવા-ચાખવામાં જ પેટ ભરાઈ જતુ હોય ત્યાં ડાયટિંગના આકરા નિયમો તો શક્ય જ નથી. તેમ છતાં તેમનું વજન જાણે કે તેમના કહેવામાં હોય એમ વધતું જ નથી.ખાતાપીતા ઘરનાં ‘મારા ઘરમાં મારા પેરન્ટ્સ, ભાઈ, ભાભી, તેમનાં સંતાનો બધાં જ થોડાક હેવી બૉડીનાં’ એમ જણાવીને બીનાબહેન આગળ કહે છે, ‘બધાં જ એકસરખાં એટલે વેઇટ અમારા માટે ક્યારેય ઇશ્યુ હતો જ નહીં. ૩૯ વર્ષમાં મેં ક્યારેય વજન ઉતારવાનું વિચાર્યું નહોતું. હા, લૉકડાઉનમાં હેલ્ધી થવાનું વિચારેલું, જેની બાય પ્રોડક્ટરૂપે વજન પણ ઘટી ગયું. તમે માનશો નહીં કે એવી એકેય વસ્તુ નહોતી જે મેં સંપૂર્ણ બંધ કરી હોય. હું વર્કિંગ છું અને મોટા ભાગનો સમય ઘર અને ઑફિસની જવાબદારીઓ નિભાવવાની દોડાદોડમાં જ નીકળી જતો. જાત માટે સમય જ નહોતો. જાત માટે સમય આપવો પડે એવી સમજણ પણ નહોતી. લૉકડાઉનમાં થોડીક નવરાશ મળી ત્યારે વિચાર આવ્યો કે યાર, પાતળા હોઈએ કે ન હોઈએ પણ હેલ્ધી તો હોવું જોઈએ. બસ, એ જ વિચારથી ખાવા પર કન્ટ્રોલ અને થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી આટલું શરૂ કર્યું હતું. દોઢ વર્ષનું લૉકડાઉન મારા માટે તો જાણે આશીર્વાદ બની ગયું.’

કોઈ ચીકણાવેડા નહીં
બીનાબહેને બધું જ ખાઈને વજન ઉતાર્યું છે એવું તેઓ પ્રાઉડ સાથે કહે છે અને ઉમેરે છે, ‘કોઈ પણ જાતના વધારાના ચીકણાવેડા મેં કર્યા નથી. આ ખાવાનું અને આ 
નહીં ખાવાનું જેવું કંઈ જ નહીં. જે ભાવે એ બધું જ ખાવાનું. એના વિના તો આમેય મારે ચાલે એમ નહોતું. હું એક કેટરિંગ કંપનીમાં ફૂડ ઍનલિસ્ટ તરીકે કામ કરું છું જેમાં મારે કોઈ પણ પાર્ટી કે વેડિંગ મેનુને અપ્રૂવ કરવું પડતું હોય છે. પછી જ એ બીજા ગેસ્ટને પીરસાય. મારે એ ભોજનનો સ્વાદ બરાબર છે કે નહીં એ ચેક કરવાનું. હવે તમને તો ખબર જ છે કે આજકાલના લગ્નો અને પાર્ટીમાં કેટલી આઇટમો હોય છે. સો-સો આઇટમ હોય ત્યારે એક-એક ચમચી અને અડધો-અડધો પીસ પણ જુદી-જુદી વાનગી ચાખો એટલે તમારું પેટ ભરાઈ જાય. એમાં ક્યાં કૅલરી-કાઉન્ટ રાખવા જાઓ. મારા માટે એ રીતે ડાયટિંગ કરવાનું ક્યારેય શક્ય જ નહોતું. પરંતુ હા, એટલું જરૂર કર્યું કે જ્યારે ઘરે હોઉં ત્યારે તળેલા નાસ્તાને બદલે હેલ્ધી નાસ્તો કરું, સવારે એક કેળું ખાઉં, ડ્રાયફ્રૂટ્સ ખાઉં, પાછું બે કલાકે નારિયેળ પાણી પીઉં. ભૂખ લાગે ત્યારે ખાઉં ખરી પણ શક્ય હોય તો હેલ્ધી અને ક્યારેક જન્ક ખાઉં તો પણ એની ક્વૉન્ટિટી ઓછી રાખું.’

બેસ્ટ ઉપાય શોધ્યો
હેલ્ધી રહેવા માટે હેલ્ધી આહાર અને પૂરતી ઍક્ટિવિટી બે મહત્ત્વની બાબત છે. એને જ ધ્યાનમાં રાખીને પોતાનું રૂટીન ડિઝાઇન કરનારા બીનાબહેન કહે છે, ‘મેં નક્કી કરી લીધું કે શક્ય હોય ત્યાં સુધી ખાવાની માત્રા ઘટાડીશ અને જ્યારે-જ્યારે એ શક્ય નહીં બને ત્યારે-ત્યારે ઍક્ટિવિટીની માત્રા વધારીશ. જ્યારે કોઈક ઇવેન્ટમાં હોઉં ત્યારે એક ટાઇમ જો બધું ખાવું પડ્યું હો તો બીજો ટાઇમ હું બહુ જ ઓછું ખાઉં અને સાથે સારુંએવું વર્કઆઉટ કરું. હું રોજનો કલાક તો વૉક અથવા રનિંગ કરું છું. સાથે ઍરોબિક એક્સરસાઇઝ, ડાન્સ મારાં ફેવરિટ છે. લૉકડાઉનના હું પોતે ઍરોબિક્સ શીખવતી હતી જેમાં મારી એક્સરસાઇઝ એટલી જબરી થઈ ગઈ કે મારું વજન એની મેળે ઘટતું ગયું. વજન ઘટે કે નહીં એની મને હકીકતમાં પરવા પણ નહોતી. મારું એનર્જી લેવલ વધ્યું હતું જેની મને ખુશી હતી. ચાર-પાંચ વર્ષ પહેલાં ઘરમાં વડીલોની ચાકરીમાં ઉજાગરા કરવા પડતા હતા જેમાં લાંબા ઉજાગરાઓને કારણે મને બ્લડ-પ્રેશર આવી ગયું. ત્યારથી મનોમન હેલ્થને લઈને હું વિચારતી થઈ હતી પણ અગેઇન ટાઇમ જ નહોતો મળતો, જે લૉકડાઉનમાં મળ્યો અને મેં એને વધાવી લીધો.’ 
બીનાબહેનની હાઈ બ્લડ-પ્રેશરની દવા હજી પણ ચાલે છે પરંતુ હવે એનો ડોઝ ઘણો ઓછો થઈ ગયો છે. તેમણે સમયનો અભાવ હોય ત્યારે રૂટીન ઍક્ટિવિટીમાં પણ કસરતને ઉમેરી દીધી છે. લોટ બાંધતાં પગની કસરત કરી લેવી, રોટલી વણતાં કોઈ એક્સરસાઇઝ કરવી જેવા રસ્તા તેમણે શોધી કાઢ્યા છે.

ઘણું બદલાયું

લોકોને માત્ર મારા દેખાવમાં બદલાવ દેખાયો, પણ વ્યક્તિગત રીતે મને જ ખબર છે કે મારામાં કેટલું બદલાયું એમ જણાવીને બીના પારેખ કહે છે, ‘મારું એનર્જી લેવલ મેં ધાર્યું નહોતું એ સ્તર પર પહોંચી ગયું છે છેલ્લાં થોડાક મહિનાઓમાં. હું પહેલાં ચાર દાદરા ચડું અને મારે બાજુનો થાંભલો પકડીને ઊભાં રહેવું પડે એવી હાંફ ચડતી હતી. આજે હું રેલવેનો પુલ એક પણ વાર અટક્યા વિના સડસડાટ ચડી જાઉં છું. મારી હેવી બૉડીને કારણે અમુક કપડાં હું ક્યારેય પહેરી નહોતી શકતી જે ખચકાટ હવે સંપૂર્ણ દૂર થઈ ગયો છે. ફિઝિકલી હું વધુ હેલ્ધી થઈ તો સાઇકોલૉજિકલી પણ મારો કૉન્ફિડન્સ ખૂબ વધ્યો છે. મને કોઈ પણ કામ કરવામાં હવે કોઈએ મોટિવેટ કરવી પડતી નથી. હું આત્મવિશ્વાસ સાથે મારા નિર્ણયો લેતાં શીખી ગઈ. મારાં લગ્ન પહેલાં હું વાશી રહેતી. મારી ઑફિસ ઐરોલી એટલે રોજનું બે કલાકનું ટ્રાવેલિંગ. રખડતા-રખડતા જવાનું. ચાર ટ્રેનો બદલવાની, એટલા જ બ્રિજ ચડવાના. તમે માનશો નહીં, એ રીતે લગભગ અઢીથી ત્રણ વર્ષ કામ કર્યું પણ મારું અઢીસો ગ્રામ વજન ઘટ્યું નહોતું. આજે આટલા મોટા બદલાવથી હું પોતે પણ આશ્ચર્યચકિત છું. સામે મેં આ ખાઈશ અને પેલું નહીં ખાઉં વગેરે નથી કર્યું જે મારા ફ્રેન્ડસર્કલના ઘણા મિત્રો કરી પણ રહ્યા છે. જોકે નિયંત્રણ સાથેનો આહાર. ભાવતું હોય તો એ ખાવાનું જ પણ ક્વૉન્ટિટી ઓછી. બીજું, ખાધું હોય એટલી કૅલરી બર્ન થઈ જાય એવી ઍક્ટિવિટી કરવાની જ એટલે કરવાની. આ બે જ બાબતોએ મારા પર કામ કર્યું હોય એવું મને લાગે છે.’

columnists health tips ruchita shah