21 January, 2026 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઠંડા વાતાવરણ અને શુષ્ક હવાને કારણે ઍલર્જી અને સામાન્ય શરદી થવાનું જોખમ વધી જાય છે. જોકે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કોઈ જાદુઈ ગોળીની જરૂર નથી. કેટલીક વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલી મેથડ જાણી લો
રોગપ્રતિકારક શક્તિ માટે ઊંઘ સર્વોપરી છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીના સ્લીપ-એક્સપર્ટ માને છે કે ઊંઘીએ ત્યારે આપણું શરીર એક ખાસ પ્રકારનું પ્રોટીન બનાવે છે જે શરીરની અંદરના સોજા ઘટાડીને વાઇરસ સામે લડવા માટે જરૂરી છે. પુખ્ત વયના લોકો માટે દરરોજ ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે.
શરીરની લગભગ ૭૦થી ૮૦ ટકા રોગપ્રતિકારક શક્તિ આંતરડાં સાથે સંકળાયેલી છે. અમેરિકાની જૉન હૉપકિન્સ સેન્ટર ફૉર ઇન્ફ્લૅમેટરી બૉવેલ ડિસીઝના સંશોધકો માને છે કે આંતરડાંમાં રહેલા સ્વસ્થ બૅક્ટેરિયા શરીરના રોગપ્રતિકારક કોષો સાથે સીધો સંવાદ કરે છે. આ બૅક્ટેરિયાને ટેકો આપવા માટે દહીં, છાશ અને આથાવાળા ખોરાક તથા આખું ધાન, શાકભાજીનું સેવન વધારીને પ્રોસેસ્ડ ફૂડ ટાળવું જોઈએ.
એકધારું સ્ટ્રેસ તમારી ઇમ્યુનિટીને સૌથી વધુ પ્રભાવિત કરે છે. સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ દર્શાવ્યું છે કે લાંબા ગાળાનો તનાવ કૉર્ટિસૉલ નામના સ્ટ્રેસ-હૉર્મોનનું સ્તર વધારે, જે આપણા શરીરની ડિફેન્સ-સિસ્ટમ ગણાતા સફેદ બ્લડસેલ્સના ઉત્પાદન અને કાર્યક્ષમતાને દબાવી દે છે. નિયમિતપણે ધ્યાન, ડીપ બ્રીધિંગ અને યોગ થકી સ્ટ્રેસ-મૅનેજમેન્ટ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. સાયન્સ પણ એને પુષ્ટિ આપે છે.
શિયાળામાં સૂર્યપ્રકાશનો ઓછો સંપર્ક વિટામિન Dની ઊણપ તરફ દોરી શકે છે. વિટામિન D વાઇટ બ્લડસેલ્સને નિયંત્રિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ફળો અને શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું વિટામિન C શ્વેત રક્તકણોના કાર્યને ટેકો આપે છે જે ઇન્ફેક્શન સામે લડવા માટે જરૂરી છે.
નિયમિત કસરત વાઇટ બ્લડસેલ્સને શરીરમાં ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. અમેરિકન કાઉન્સિલ ઑન એક્સરસાઇઝના નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે સાધારણ કસરત જેમ કે દરરોજ ૩૦ મિનિટ ઝડપી ચાલવું એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પૂરતું છે. વધુપડતી કસરત સ્ટ્રેસ વધારીને રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે, તેથી સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ છે.
શિયાળામાં ઘણી વાર તરસ ઓછી લાગે છે, પરંતુ ડીહાઇડ્રેશન રોગપ્રતિકારક શક્તિ માટે હાનિકારક છે. પૂરતું પાણી પીવાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે જે સફેદ રક્તકણોને શરીરના દરેક હિસ્સા સુધી પહોંચાડીને સક્રિય રાખવા માટે જરૂરી છે.