21 January, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ડાયાબિટીઝના દરદીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઇન્સ્યુલિન લેવા માટે વારંવાર સોયના પ્રિક (ઇન્જેક્શન) લેવાના ડરને કારણે ઘણા દરદીઓ સારવાર ટાળતા હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે હવે ભારતમાં શ્વાસ દ્વારા લઈ શકાય એવું ઇન્સ્યુલિન એફ્રેઝા લૉન્ચ કરવામાં આવ્યું છે. એફ્રેઝા પાઉડર સ્વરૂપમાં આવતું રૅપિડ ઍક્ટિંગ ઇન્સ્યુલિન છે. દરદીએ એને એક નાના ઇન્હેલર દ્વારા શ્વાસમાં લેવાનું હોય છે. ફેફસાં દ્વારા આ ઇન્સ્યુલિન સીધું લોહીમાં ભળે છે. આ પદ્ધતિ કુદરતી ઇન્સ્યુલિનની જેમ જ ઝડપથી કામ શરૂ કરે છે જે ખાસ કરીને જમ્યા પછી વધતી શુગરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય એવું મનાય છે.
પાઉડર સ્વરૂપે આવતું આ ઇન્સ્યુલિન ટાઇપ-1 અને ટાઇપ-2 બન્ને પ્રકારના ડાયાબિટીઝના દરદીઓ માટે ઉપયોગી છે. ખાસ કરીને એવા લોકો જેમને નીડલ ફોબિયા હોય અથવા જેઓ ઑફિસ કે બહારની જગ્યાએ ઇન્જેક્શન લેવામાં સંકોચ અનુભવે છે, તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ એફ્રેઝા શ્વાસમાં લીધાની માત્ર ૧૨થી ૧૫ મિનિટમાં એની અસર બતાવવાનું શરૂ કરે છે. જોકે એનો ઉપયોગ કરતાં પહેલાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેમ કે જે દરદીઓને અસ્થમા અથવા COPD જેવી ફેફસાંની બીમારી હોય તેમણે આ ઇન્સ્યુલિનનો ઉપયોગ ન કરવો. એનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં ડૉક્ટરો ફેફસાંની ક્ષમતાની તપાસ કરવાની સલાહ આપે છે. ધૂમ્રપાન કરનારા દરદીઓમાં આ ઇન્સ્યુલિનની અસર ઓછી થઈ શકે છે અથવા એનાથી નુકસાન થઈ શકે છે, તેથી તેમણે આ અવૉઇડ કરવું. કેટલાક દરદીઓમાં શરૂઆતના ગાળામાં હળવી ઉધરસ કે ગળામાં બળતરા જેવી ફરિયાદો જોવા મળી શકે છે.