યોગ અને મેડિટેશનથી બેસ્ટ બીજું કશું નથી

14 September, 2021 07:06 PM IST  |  Mumbai | Rashmin Shah

‘દિલ યે ઝિદ્દી હૈ’ અને ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવી ટીવી-સિરિયલ કર્યા પછી ‘ફોડી લઈશું યાર’, ‘અરમાન’, ‘ટીચર ઑફ ધ યર’ જેવી ફિલ્મો કરનારી અલિશા પ્રજાપતિ માને છે કે યોગ અને પ્રાણાયામથી આપમેળે સાત્ત્વિક ફૂડની હેબિટ ઘડાય છે

અલિશા પ્રજાપતિ

સારા દેખાવા માટે નહીં, પણ કૉન્ફિડન્ટ પુરવાર થવું એનું નામ ફિટનેસ. હું ઑલમોસ્ટ પાંચેક વર્ષથી હું યોગ અને મેડિટેશન કરું છું અને એ એક પણ દિવસ પાળ્યા વિના. મેં સાવ અમસ્તા જ યોગની શરૂઆત કરી અને એ પછી એવું બન્યું કે એક પણ દિવસ હું યોગ વિના રહી નથી. પર્સનલ લેવલ પર કહું તો યોગ મને અનેક રીતે બેસ્ટ લાગે છે. યોગ માટે ક્યારેય કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર નથી પડતી, યોગ-મૅટ મળે તો ઠીક અને ન મળે તો પણ એના વિના તમારું કામ અટકે નહીં. વર્કઆઉટ માટે તમને અઢળક ઇક્વિપમેન્ટ્સ જોઈએ પણ યોગમાં માત્ર તમારી સ્વસ્થતા જ જરૂરી છે. યોગનો બીજો પ્લસ પૉઇન્ટ કહું. તમને ૬ ગજ જમીનની જગ્યા મળી જાય એટલે તમારું કામ પૂરું. મેડિટેશન અને પ્રાણાયામ માટે તો એટલી જગ્યાની પણ જરૂર નથી પડતી. પ્રાણાયામ દેખીતી રીતે તમને એવું લાગે કે એ બ્રીધિંગ એક્સરસાઇઝ છે એટલે એનાથી લન્ગ્સને જ ફાયદો થતો હશે પણ એવું નથી, આપણા આખા શરીરને ઑક્સિજનની જરૂર છે અને પ્રાણાયામમાં એવી-એવી એક્સરસાઇઝ છે જે તમારી બૉડીના નાનામાં નાના ઑર્ગન સુધી ફ્રેશ ઑક્સિજન પહોંચાડે છે. વાત રહી મેડિટેશનની, તો હું કહીશ કે મેડિટેશનને આપણે બહુ ડિસ્કાઉન્ટ કર્યું છે. ધ્યાનથી ઉત્તમ બીજું કંઈ નથી જે તમને સર્વગુણ સંપન્ન બનાવવાનું કામ કરી શકે.

સ્ટાર્ટ કરો અનુલોમ-વિલોમથી

યોગ અને પ્રાણાયામ આજથી જ શરૂ કરો. કપાલભાતી કે પછી અનુલોમ-વિલોમથી તમે શરૂઆત કરશો તો બે જ દિવસમાં તમને એના ફાયદા દેખાશે. હું તો કહીશ કે પર્સનલી કોઈ યોગ આવીને શીખવે તો એ બેસ્ટ છે.

હું દિવસમાં ૪૫ મિનિટ યોગ કરું છું, ૧૫ મિનિટ મેડિટેશન અને એટલો જ ટાઇમ પ્રાણાયામ. યોગ દરમ્યાન હું બધાં આસન એક જ દિવસે કરવાનો આગ્રહ નથી રાખતી. મને જેની જરૂરિયાત લાગતી હોય એ આસનને પ્રાધાન્ય આપું. યોગનાં અમુક આસન જોઈને તમને એવું લાગશે કે આ તો સાવ ઈઝી છે, પણ એ કરવાની કોશિશ કરશો તો તમને ખબર પડશે કે દેખાવમાં સહેલાં લાગતાં આસન કેવાં અઘરાં છે. હું કહીશ કે યોગમાં પણ જોરજબરદસ્તીથી આસન ન કરતા. જો એક વખત પગ કે હાથ મચકોડાશે કે પછી બૉડીમાં કોઈ જગ્યાએ મસલ્સ ખેંચાશે તો હેરાનગતિ થશે. બહેતર છે કે આરામથી કરો અને ધીમે-ધીમે બૉડીને આદત પાડો, બૉડીની સ્ટફનેસ દૂર કરો અને આગળ વધતા જાઓ.

ધીમે-ધીમે કરો અને બેસ્ટ રીતે કરો. કહ્યું એમ, અનુલોમ-વિલોમથી ચાલુ કરો અને આગળ વધતા જાઓ. કોઈ ઉતાવળ નથી. આટલો સમય આમ પણ આપણે કાઢી જ નાખ્યો છે તો હવે બે-ચાર વીક વધારે પણ ઑથેન્ટિક રીતે કરો અને બેસ્ટ પર્ફોર્મ કરો.

મેટાબોલિઝમ છે બધાનું માસ્ટર

હા, જો તમારું મેટાબોલિઝમ બેસ્ટ હશે તો તમને ઓછામાં ઓછી ચિંતા આવશે. આખું શરીર મેટાબોલિઝમ પર આધારિત છે અને મેટાબોલિઝમનો આધાર તમારા ફૂડ પર છે. યોગ અને પ્રાણાયામ તમારી લાઇફ-સ્ટાઇલમાં ઉમેરાશે એટલે આપોઆપ તમે શુદ્ધ અને સાત્ત્વિકતા તરફ આગળ વધશો. મારી વાત કરું તો બહું ક્યારેય તીખું કે તળેલું ખાતી નથી. મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ, પંજાબી જેવાં ફૂડ છોડી દીધાને પણ વર્ષો થઈ ગયાં. જો હું આઉટડોર શૂટ પર હોઉં તો દિવસમાં બે વાર સાદી ખીચડી મગાવીને ખાઈ લઉં. ક્યાંય બહાર ગઈ હોઉં તો મારો પ્રયાસ એવો હોય કે મારી સાથે ઘરનું ફૂડ કે પછી નાસ્તો હોય જ. બીજું કંઈ જ ન મળે તો હું ફ્રૂટ્સ ખાવાનું પ્રીફર કરું.

columnists Rashmin Shah