વર્કઆઉટમાં યોગ અને ડાયટમાં નેચરોપથી બેસ્ટ

26 October, 2021 06:47 PM IST  |  Mumbai | Rashmin Shah

જો નેગેટિવિટીથી તમે દૂર રહો તો એનું તેજ તમારા ચહેરા પર દેખાયા વિના ન રહે અને નિયમિત વર્કઆઉટ કરનારાઓ હંમેશાં નેગેટિવિટીથી દૂર રહેતા હોય છે

ડેનિશા ઘુમરા

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’થી શરૂઆત કરનારી ડેનિશા ઘુમરાએ હિન્દી ફિલ્મ ‘૩૭૬ D’ અને ‘બાદલ જલ બરસ રહત’ પણ કરી અને ‘રક્તબીજ’ નામની વેબસિરીઝ પણ કરી છે. ડેનિશાનું કહેવું છે કે જે આપણું છે એ જ આપણા શરીર માટે ઉપયોગી છે યોગ અને નેચરોપથીના સિદ્ધાંતોને ફૉલો કરવાનું શરૂ કરવું જોઈએ

જે બીમારી અને નેગેટિવિટીથી દૂર રાખે એનું નામ ફિટનેસ. જો નેગેટિવિટીથી તમે દૂર રહો તો એનું તેજ તમારા ચહેરા પર દેખાયા વિના ન રહે અને નિયમિત વર્કઆઉટ કરનારાઓ હંમેશાં નેગેટિવિટીથી દૂર રહેતા હોય છે. સવારના વર્કઆઉટ કરનારાઓનો મૂડ પણ તમે જોજો. તેમનામાં રીતસર પૉઝિટિવિટી દેખાશે. હવે સમય છે કે આપણે ફિટનેસને સ્કૂલના એક સબ્જેક્ટ તરીકે જોડી દેવો જોઈએ. પહેલાંના સમયમાં ફિઝિકલ ટ્રેઇનિંગનો સબ્જેક્ટ હતો જ, પણ આપણે ત્યાં બધાને એવું લાગ્યું કે એની આવશ્યકતા નથી. એટલે એ સબ્જેક્ટ નીકળી ગયો. એવું કરીને આપણે બાળકોની લાઇફમાંથી ફિટનેસનું ઇમ્પોર્ટન્સ ઘટાડી નાખ્યું છે.

મારું વર્કઆઉટ રૂટીન | હું દરરોજ એક કલાક યોગ અને મેડિટેશન કરું છું. મારા યોગના શેડ્યુલમાં અલગ-અલગ આસનો હોય અને છેલ્લે મિનિમમ દસ સૂર્યનમસ્કાર હોય. સૂર્યનમસ્કારની સંખ્યા મારા યોગનાં આસનો પરથી નક્કી થાય. જો મેં હાર્ડ આસનો કર્યાં હોય તો દસથી વધારે સૂર્યનમસ્કાર ન કરું, પણ જો નૉર્મલ આસનો હોય તો વધીને પચ્ચીસ સૂર્યનમસ્કાર કરું. હું જિમમાં જતી નથી કે પછી ક્યાંય સ્પેશ્યલ કોચિંગ ક્લાસ મેં રાખ્યા નથી. હા, હું યોગ રિલેટેડ અનેક ઑનલાઇન ઍપની મેમ્બર છું એટલે વર્કઆઉટમાં હું એ વિડિયોને સામેલ કરું છું. હું દરેકને યોગ કરવાનું કહીશ, કારણ કે યોગ માઇન્ડને પણ વર્કઆઉટ આપે છે અને એને લીધે માનસિક શાંતિ પણ મળે છે. આ શાંતિ તમને જિમમાં નહીં મળે એવું તો નહીં કહું, કારણ કે વર્કઆઉટ સાથે માઇન્ડ-પીસ ઑટોમેટિક રીતે જોડાયેલી જ છે, પણ યોગ એ કામ બહેતર રીતે કરે છે એ હકીકત છે. યાદ રાખજો, બૉડી એવું મશીન છે જે ક્યારેય રેસ્ટ લેતું નથી અને જો બૉડી જાતે જ પોતાનું વર્કઆઉટ કરતું હોય તો આપણે તો એને બૂસ્ટર ડોઝ જ આપવાનો છે જે બૉડીને હેલ્પફુલ બને. વધારે કશું ન થાય તો કંઈ નહીં, દિવસમાં બેથી ત્રણ કિલોમીટર વૉક અને ત્રીસ મિનિટ યોગાસન કરો.

પેટ છે, ગાર્બેજ બૅગ નહીં  |  વીસમાંથી અઢાર લોકો આ જ સમજતા હોય છે અને જે મળે એ પેટમાં ઓરતા હોય છે. ખાવાની બાબતમાં હું નેચરોપથીના નિયમોને ફૉલો કરવાની ઍડ્વાઇઝ આપીશ.

આંખ ખૂલે અને દિવસની શરૂઆત થાય એટલે સૌથી પહેલાં લીંબુ, મધ અને સિયા સીડ્સ નાખેલું ગરમ પાણી પીવાનું. એ પછી હું સૅલડ લઉં, પણ રાંધેલો કોઈ ખોરાક બપોર સુધી ખાતી નથી. બપોરે એક વાગ્યે મારું પહેલું મીલ લેવાનું અને એમાં વેજિટેબલ્સ સાથે ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ હોય. આ બધામાં પણ મસાલા કે પછી કોઈ પ્રકારનો ચાટ મસાલા હું વાપરતી નથી. એનું કારણ પણ છે. હું શરીર માટે ખાઉં છું, જીભ માટે નહીં. આપણે સ્વાદ માટે જમીએ છીએ, બૉડીને એનર્જી મળે એ માટે કે પછી આપણે હેલ્ધી રહીએ એ માટે જમતા નથી. નેચરોપથીમાં કહ્યું છે કે જેટલું બને એટલું રૉ ફૂડ શરીરને આપો. આપણે ફાઇનલ પ્રોડક્ટ પ્લેટમાં આવે ત્યાં સુધીમાં એના પર મિનિમમ ત્રણથી પાંચ-છ પ્રોસેસ કરી નાખીએ છીએ, જે એમાં રહેલાં બધાં ન્યુટ્રિશન્સને ખતમ કરી નાખે છે. જ્યાં સુધી એ ફૂડ રૉ છે ત્યાં સુધી એ હેલ્થી અને ઉપયોગી છે એટલે હવે શક્ય હોય તો પ્રોસેસ કરવાનું બંધ કરજો.

ગોલ્ડન વર્ડ્સ : વર્કઆઉટ ન કરતા હોય તેમણે ઘરની પ્રોસેસથી બનતું ફૂડ બંધ કરીને રૉ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ મૅક્સિમમ ખાવાં જોઈએ.

health tips Rashmin Shah