કોઈને દેખાડવા કે બીજા જેવા દેખાવા વર્કઆઉટ કરવું નહીં

11 January, 2022 02:30 PM IST  |  Mumbai | Rashmin Shah

ઈશિતા ગાંગુલી  હાલ ‘ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજ કી’માં જોવા મળે છે. ફૅન્સ જ્યારે તેના જેવા બનવાની ઇચ્છા રાખે છે ત્યારે ઈશિતા સહુને ઉપરની વાત કહે છે

ઈશિતા ગાંગુલી

‘શાસ્ત્રી સિસ્ટર્સ’થી કરીઅરની શરૂઆત કરીને ‘જગત જનની મા વૈષ્ણોદેવી’ અને ‘શ્રીમદ ભાગવત પુરાણ’ એમ બબ્બે સિરિયલમાં મા પાર્વતી, ‘રાધાકૃષ્ણ’માં દ્રૌપદી, ‘વિઘ્નહર્તા ગણેશ’માં મા મનસા, ‘વિક્રમ બૈતાલ’માં જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલી ઈશિતા ગાંગુલી  હાલ ‘ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજ કી’માં જોવા મળે છે. ફૅન્સ જ્યારે તેના જેવા બનવાની ઇચ્છા રાખે છે ત્યારે ઈશિતા સહુને ઉપરની વાત કહે છે

તમને તમારી જાત મિરરમાં જોવી ગમે એ તો ફિટનેસ છે જ છે પણ સાથોસાથ તમને તમારી આજુબાજુમાં રહેલા સૌ ગમે એનું નામ ફિટનેસ. જો તમે ફિટ હો તો તમે હૅપી હો. આ સીધો થમ્બ રૂલ છે અને આ રૂલ એ સૌ સમજે છે જે પોતાની બૉડીને ટાઇમ આપે છે. હું મારા વર્કઆઉટ અને મારા ડાયટ રૂટીન વિશે કહું એ પહેલાં મારે એક વાત ખાસ કહેવી છે.
બી યુ. બી યૉરસેલ્ફ. તમે જેવા છો એવા જ રહો. યાદ રાખજો, તમે બધા કરતાં સાવ અલગ છો અને જુદા છો. તમે કોઈના જેવા છો જ નહીં અને એવા બનવાનું પણ નથી અને સાચું તો એ પણ છે કે તમે બની પણ નહીં શકો. ભગવાને આપણને બધાને એક યુનિક આઇડેન્ટિટી આપી છે તો આપણે એને ભૂલીને બીજા બનવા નીકળી પડીએ એ ખોટું છે. મોટા ભાગના યંગસ્ટર્સ પાસેથી સાંભળવા મળે કે મારે તમારા જેવા થવું છે. ત્યારે જો મારી પાસે ટાઇમ હોય તો હું તેને આ જ ઍડ્વાઇઝ આપું. બી યુ, બી યૉરસેલ્ફ. આપણે કોઈના જેવું કે પછી કોઈને દેખાડી દેવા કે બીજાને ખુશ કરવા કશું નથી કરવાનું. જો તમે તમારા માટે કશું કરશો તો જ એ કામમાં તમારો સોલ હશે, બાકી તો તમે ટાઇમ પસાર કરીને માત્ર જાતને છેતરવાનું જ કામ કરશો. સો બહેતર છે કે એવું 
કશું ન કરો અને તમે જે છો એ જ રહો અને તમારું બેસ્ટ વર્ઝન બનવાની કોશિશ કરો.
વાત વર્કઆઉટની...
હું છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત વર્કઆઉટ અને સાથે યોગ કરું. પાંચ વર્ષમાં એક પણ દિવસ એવો નથી રહ્યો કે જેમાં મેં આ બે રૂલ તોડ્યા હોય. હું ગમે ત્યાં હોઉં, બિઝી હોઉં તો પણ હું આ બન્ને રૂટીન ફૉલો કરું જ કરું. મારો દિવસ સવારના છ વાગ્યે શરૂ થઈ જાય. હું સવારે યોગ કરું. યોગ પછી શૂટ અને એ પછી સાંજે ઘરે આવીને વર્કઆઉટ, જેના માટે મોસ્ટ્લી હું જિમ પ્રિફર કરું અને જો જિમ બંધ હોય તો વર્કઆઉટ ઘરે કરવાનું. આટલો સમય તો વર્કઆઉટ કરવાનું જ કરવાનું એવો કોઈ નિયમ નહીં. પંદર મિનિટ તો પંદર મિનિટ પણ વર્કઆઉટ અને યોગ કરવાના. હું માનું છું કે મૅક્સિમમ લોકોનું વર્કઆઉટ આ ડ્યુરેશન પકડી રાખવાની જીદમાં જ છૂટી જાય છે. કામના ઇમ્પોર્ટન્સ મુજબ એમાં ફેરફાર થાય તો એ ફેરફાર કરી લેવાના. હા, મિનિમમ ટાઇમ લિમિટ બાંધી રાખવાની. ફિક્સ ટાઇમ લિમિટ નહીં બાંધવાનો બીજો પણ એક ફાયદો છે. બૉડી ઓવર-સ્ટ્રેસ્ડ નથી થતી અને શરૂઆતના સમયમાં તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
બૉડીને જે જોઈએ એ આપવું આપણી ફરજ છે. ઊંઘ હોય, પૂરતો ખોરાક હોય અને સારામાં સારી લાઇફસ્ટાઇલ હોય. વર્કઆઉટની નવી-નવી શરૂઆત કરી હોય એ લોકો આ બાબત પર જ વધારે આક્રમક બને છે અને એને લીધે પણ એ વહેલી તકે બંધ થઈ જાય એવું પણ બને છે. બસ, એક વાતનું ધ્યાન રાખવાનું કે બૉડીની જરૂરિયાત પૂરી કરવાની છે, એને બગાડવાની નથી. છ કલાક બૉડીની નીડ છે તો સાત કલાક મૅક્સિમમ, પણ એ પછી એને ઊંઘ નહીં આપવાની. એવું જ ફૂડમાં છે.
હું વધારાનો ખોરાક ખાતી નથી, વધારાનો એટલે એ ફૂડ જેની જરૂર બૉડીને નથી. દિવસ દરમિયાન જેટલી કૅલેરીની જરૂર હોય એ મુજબનો ડાયટ ચાર્ટ કરી લો અને એ પછી એને વળગી રહો. એ સિવાયની તમે જે વધારાની કૅલેરી લેશો એ કૅલેરી ફૅટ બનશે અને પછી તમારે એની પ્રોસીજર કરવી પડશે. બહેતર છે કે આવતી કાલનું કામ આજે જ ચીવટ સાથે ટાળી દો અને વર્કઆઉટમાં જૂની ફૅટ જ ઓગાળો. 
વાત ખાણીપીણીની
દિવસ દરમિયાન ફ્રૂટ લેવાનું હું વધુ રાખું છું. પાણી પીવાનું દર અડધા કલાકે અને નાળિયેર પાણી કે ફ્રેશ જૂસ દર એક કલાકે. બૉડીને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. દિવસ દરમ્યાન આપણી સ્કિન અને હેર ડૅમેજ ન થવા દેવાં હોય તો જરૂરી છે કે પાણી વધારે પીવું. 
કોઈ પણ જાતનું વધારાનું ફૂડ બૉડીને આપવાનું ટાળવું. બૉડીનું કામ છે કે તમે એને જે આપો એ એ મુજબનું આઉટપુટ આપે. વધારાનું ફૂડ તમારી બૉડીને ત્યાંને ત્યાં બિઝી રાખશે. હું ઓછું ખાવાનું નથી કહેતી પણ જરૂર કરતાં વધારે ખોરાક ન લેવો જોઈએ. હું ખુદ બિગ ટાઇમ ફૂડી છું અને છતાં નવી આઇટમ ટ્રાય કરવાના મોહમાં મેં હેલ્ધી લાઇફસ્ટાઇલ છોડી નથી. 
ફૂડી હોવાને લીધે મને નવું-નવું ટ્રાય કરવાનું બહુ મન થાય ત્યારે હું એક નવો જ આઇડિયા લડાવું છું. હું ફ્રેન્ડ્સને કે યુનિટના મેમ્બરને એ જગ્યાએ લઈ જાઉં જ્યાં જવાનું મને બહુ મન થતું હોય. ત્યાં જઈને બધા ઑર્ડર કરે પણ હું ન કરું. એમનો જે ઑર્ડર આવે એમાંથી મારે ટેસ્ટ કરવાનું. એટલે આમ જોઈએ તો મને નવી જગ્યાનો ટેસ્ટ પણ મળી જાય, એકસાથે ઘણી નવી વરાઇટી ટ્રાય પણ થઈ જાય અને કારણ વિના મેં મારી બૉડીને વધારાનું ફૂડ પણ આપ્યું નહીં. મને પાણીપૂરી બહુ ભાવે પણ તમે માનશો નહીં, પાણીપૂરી મારા જન્ક ફૂડના લિસ્ટમાં છે એટલે હું એ પણ ખાતી નથી.

ગોલ્ડન વર્ડ્ઝ
વર્કઆઉટથી હૅપી હૉર્મોન્સ પણ બૉડીમાં પેદા થતાં હોય છે, જે તમને ખુશ રાખવાનું કામ કરે છે.

columnists Rashmin Shah