હેલ્ધી જ ખાવાનું હોય, એમાં પૂછવાનું કે વિચારવાનું ન હોય!

05 October, 2021 01:21 PM IST  |  Mumbai | Rashmin Shah

‘અયોધ્યા’, ‘થલાઇવા’, ‘સિદ્ધાર્થ’, ‘કૃપા સ્વામીચી’, ‘દેહરાદૂન ડાયરી’ જેવી તામિલ, તેલુગુ, હિન્દી અને મરાઠી ફિલ્મો ઉપરાંત ‘મિસિસ કૌશિક કી પાંચ બહૂએં’ જેવી સિરિયલથી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રાગિની નંદવાની હેલ્થની બાબતમાં મિલિટરી ડિસિપ્લિન પાળે છે

રાગીની નંદવાની

‘અયોધ્યા’, ‘થલાઇવા’, ‘સિદ્ધાર્થ’, ‘કૃપા સ્વામીચી’, ‘દેહરાદૂન ડાયરી’ જેવી તામિલ, તેલુગુ, હિન્દી અને મરાઠી ફિલ્મો ઉપરાંત ‘મિસિસ કૌશિક કી પાંચ બહૂએં’ જેવી સિરિયલથી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રાગિની નંદવાની હેલ્થની બાબતમાં મિલિટરી ડિસિપ્લિન પાળે છે અને એની પાછળનાં તર્કબદ્ધ કારણો પણ શૅર કરે છે

દેહરાદૂનમાં આજે પણ તમે જશો તો ત્યાં ફિટનેસની વાત આવે ત્યારે બહુ-બહુ તો લોકો મૉર્નિંગ-વૉક પર જાય. ધેટ્સ ઇટ. મૉર્નિંગ-વૉકમાં અમારું હેલ્થ રૂટીન પૂરું થઈ જાય છે અને ખાવાપીવાની બાબતમાં નો-ડિસિપ્લિન એ મોટા ભાગના પંજાબીઓની ઓળખ છે જ. આ બન્ને બાબત મારી સાથે બાળપણથી જોડાયેલી હતી. દેહરાદૂનમાં પંજાબી ફૅમિલીમાં જન્મી છું અને છતાં અંગત જીવનમાં હું હેલ્થને લઈને બહુ વધારે સતર્ક રહું છું.

દિલ્હીમાં જર્નલિઝમમાં ભણતી ત્યારે જ ફિટનેસ અને હેલ્થને ટેકન ફૉર ગ્રાન્ટેડ નહીં લેવાની એટલી સમજ આવી ગઈ હતી. એ સમયે લુક્સ મહત્ત્વપૂર્ણ નહોતું. ઍક્ટર બન્યા પછી એ મહત્ત્વપૂર્ણ પણ બન્યું અને અનિવાર્ય પણ, એમ છતાં હું કહીશ કે ફિટનેસ અને હેલ્થથી આગળ કશું હોય જ નહીં. આપણે બીમાર પડીએ છીએ એની પાછળ બીજાં કોઈ કારણ જવાબદાર નથી, આપણી બીમારી આપણાં જ કરતૂતોને કારણે આવે છે. ચાહે એ આપણી લાઇફસ્ટાઇલ હોય કે આપણા વિચારોને બેલગામ દોડવા દેવાની આપણી તૈયારી. આપણી હેલ્થ આપણા સિવાય બીજુ કોઈ બગાડી ન શકે, અનલેસ એ કોઈ ઍક્સિડેન્ટલ ઘટનાને કારણે બગડી હોય.

ખાવાપીવાની બાબતમાં મારા જેવું કદાચ કોઈ સિલેક્ટિવ નહીં હોય. મારું બૉડી-ટાઇપ પણ એ પ્રમાણેનું છે કે શરીર પર તરત જ અનકન્ટ્રોલ્ડ ખાવાનું રિફ્લેક્ટ થવા માંડે છે એટલે ચીટ-ડે જેવો કન્સેપ્ટ મને મારી ફિઝિકની દૃષ્ટિએ પણ પોસાય એમ નથી.

અત્યારે હું બેકરી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ નથી ખાતી. ઘઉં પણ બંધ કરી દીધા છે. ગ્લુટેન ફ્રી ડાયટ

ફૉલો કરું છું અને એનું પરિણામ પણ મને મારા શરીરમાં, મારી ફ્રેશનેસમાં, મારા એનર્જી-લેવલ પર દેખાય છે. એક સારું છે કે બાળપણથી જ હું કંઈ ફૂડી-ટાઇપ હતી નહીં. સામાન્ય દેશી ખોરાક પણ મને ચાલે. ખાવાની બાબતમાં મારા કોઈ પ્રેફરન્સિસ રહ્યા નથી. હું જીવવા માટે ખાઉં છું અને એ જ પ્રકારની કૅટેગરીમાં આવતા લોકોમાં મારો સમાવેશ થાય એ સારું. બીજું, નિયમિત છું. જે મારી ફીલ્ડમાં કામ કરનારા લોકો માટે અઘરું છે હેક્ટિક શિફ્ટના ટાઇમિંગ્સને કારણે. જોકે હું મૅનેજ કરી લઉં છું. બધાને એ જ કહેવા માગું છું કે જો તમે ધારો તો મૅનેજ કરી શકો છો.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ કરું છું, એટલે કે સાંજે ૭ વાગ્યા સુધી

જમી લઉં એ પછી નેક્સ્ટ મીલ સીધું સવારે ૧૧ વાગ્યા પછી હોય.

વચ્ચેના આ સમયમાં માત્ર પાણી પીવાની છૂટ. મને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ફળ્યું પણ છે. એનર્જીથી લઈને ફ્રેશનેસની બાબતમાં હું એના ઘણા ફાયદા જોઉં છું.

૧૦૮ સૂર્યનમસ્કાર

હું બહુ જિમ-ટાઇપ પર્સનાલિટી નથી, પરંતુ શરૂઆતમાં બૉડી મેઇન્ટેન કરવા માટે જિમ કર્યું છે. અત્યારે મારું મૂળ ફોકસ યોગ અને ઝુમ્બા છે. એક મારા માટે એરોબિક્સનું, કાર્ડિયોનું કામ કરે છે તો બીજું મારી બૉડીને ફ્લેક્સિબલ રાખે છે, મારા મસલ્સને સ્ટ્રેંગ્થ આપે છે. મારા લંગ્સને હેલ્ધી રાખે છે અને મારા મેન્ટલ સ્ટેટને પણ બૅલૅન્સ્ડ રાખે છે. ૧૦૮ સૂર્યનમસ્કાર મેં ઘણી વાર કર્યા છે. ૫૪ સૂર્યનમસ્કાર તો હું ઍની ગિવન ટાઇમ કરી શકું છું અને મને એમાં સાચે જ ખૂબ મજા પણ આવે છે.

એક નિયમ મેં બનાવી રાખ્યો છે કે રોજનો મિનિમમ એક કલાક તો ફિઝિકલ ઍક્ટિવિટી માટે કાઢવો જ કાઢવો, ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પણ. શૂટિંગ હોય અને બહુ જ કામવાળો દિવસ પસાર થયો હોય તો પણ સવારનો એક કલાક અથવા ક્યારેક આખા દિવસમાં ટુકડે-ટુકડે પણ એક કલાકનો સમય કાઢીને હું વર્કઆઉટ કરી લઉં છું. બીજું સ્મોકિંગ, ડ્રિન્કિંગને આજ સુધી હાથ પણ નથી અડાડ્યો. મારી ફિટનેસ, મારી સ્કિન અને હેરકૅરમાં આ બહુ મહત્ત્વની બાબત છે. હું જે ક્ષેત્રમાં છું ત્યાં આ સામાન્ય બાબત ગણાય છે. જોકે તમારો જો સેલ્ફ કન્ટ્રોલ હોય અને મક્કમતા હોય તો પાર્ટીની વચ્ચે રહીને પણ તમે આ બધાથી અલિપ્ત રહી શકો.

પેટ કચરાપેટી નથી

મને હંમેશાં એમ લાગે છે કે તમે જે પેટમાં નાખો છો એ તમારા ગટને અફેક્ટ કરે છે. તમારી ગટ હેલ્થ તમારા ઓવરઑલ વ્યક્તિત્વ સાથે જોડાયેલું છે. ગમે તેવું જન્ક ફૂડ સતત જો ખાધા કરશો તો એક સમય એવો આવશે જ્યારે તમારું શરીર એને પોતાની રીતે ડિટોક્સ નહીં કરી શકે.

આડેધડ ઑઇલી ફૂડ ખાશો તો એક ઉંમર પછી નબળા મેટાબોલિઝમ વચ્ચે એ શરીર પર દેખાશે અને ધીમે-ધીમે શરીરની અંદર પણ કૉલેસ્ટરોલના રૂપમાં દેખાશે. દૂરનું વિચારો. આજે સ્વાદેન્દ્રિયને રાજી કરવાના ચક્કરમાં તમે તમારી કાલ તો નથી બગાડી રહ્યાને એ સવાલ જાતને પૂછો. બધું જ ખાવાનું બંધ કરીને બાફેલું જમવાનું શરૂ કરી દો એવું કહેવાનો જરાય આશય નથી, પરંતુ જે પણ ખાઓ એની મર્યાદા નક્કી કરો. આજે મજા કરવી છે અને પછી હેરાન થવું છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. ધીમે-ધીમે કન્ટ્રોલ કરો. ફિટનેસ માટે હાર્ડવર્ક કરવું જ પડે છે

columnists Rashmin Shah health tips