હવાનું પ્રદૂષણ ફેફસાંનું જ નહીં, મગજનું પણ દુશ્મન છે

26 January, 2026 09:26 AM IST  |  Mumbai | Kajal Rampariya

ઍર-પૉલ્યુશન ફક્ત ઉધરસ, અસ્થમા કે ફેફસાંની બીમારીઓ પૂરતું જ સીમિત રહ્યું નથી; એ વ્યક્તિની મેન્ટલ હેલ્થને પણ પ્રભાવિત કરી રહ્યું છે ત્યારે આ વાત કેટલી હદે સાચી છે એનું વિશ્લેષણ કરીએ

પ્રતીકાત્મક તસવીર

હવે હવાનું પ્રદૂષણ રેસ્પિરેટરી સિસ્ટમને જ નહીં, મેન્ટલ હેલ્થને પણ પ્રભાવિત કરે છે એ‍વો ખુલાસો ફોર્ટિસ હૉસ્પિટલના ફૉરેન્સિક સાઇકિયાટ્રિસ્ટે કર્યો હતો. આ ઝેર હવે તમારી માનસિક શાંતિ અને મગજની ક્ષમતાને પણ ખાઈ રહ્યું હોવાથી એ સ્ટ્રેસ-લેવલને વધારવાની સાથે અટેન્શન, ફોકસ અને મેમરી પ્રોસેસ કરવાની સ્પીડ પર પણ અસર કરે છે. શું ખરેખર વાયુપ્રદૂષણ માનસિક સ્વાસ્થ્યને બગાડે છે? ન્યુરોલૉજિકલ વેલનેસ માટે ચોખ્ખી હવા શા માટે જરૂરી છે એ નિષ્ણાત પાસેથી જાણીએ.

ટોચની હૉસ્પિટલોમાં ન્યુરોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. આશિષ ગોસર કહે છે, ‘૨૦૧૮ના વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ અનુસાર વાયુપ્રદૂષણને લીધે દર વર્ષે ૪૨ લાખ લોકોનાં અકાળ મૃત્યુ થાય છે. સામાન્યપણે વાયુનું પ્રદૂષણ શ્વસનતંત્ર અને હૃદયના ગંભીર રોગ થવાનું કારણ બનતું હોય છે, પણ હવે એવા પુરાવાઓ પણ વધી રહ્યા છે જે મગજના સ્વાસ્થ્ય પર અસર કરે છે એવું દર્શાવે છે. પ્રદૂષણની અસર ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળી રહી છે. આ બન્ને એજ-ગ્રુપમાં ઇમ્યુનિટી વીક હોય અને એ સમયે જ બૅક્ટેરિયા અને પ્રદૂષણ શરીર પર હુમલો કરે છે. લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી ડિમેન્શિયા જેવી ન્યુરોલૉજિકલ બીમારી થવાનું જોખમ વધે છે. ટૂંકા ગાળાના સંપર્કથી દૈનિક કાર્યક્ષમતા ઘટે છે અને ખાસ કરીને બાળકોમાં એકાગ્રતા ઘટવાની શરૂઆત થાય છે. ઍર-પૉલ્યુશનના વધુપડતા સંપર્કમાં રહેલા લોકોના MRI રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધોના મગજની સંરચનામાં ફેરફાર પણ થાય છે, જેને કારણે મગજ સંકોચાય છે. આવી સ્થિતિને બ્રેઇન-એટ્રોફી કહેવાય છે. હવામાં રહેલા અતિસૂક્ષ્મ કણ લોહીમાં ભળતા નથી, પણ એ મગજની સુરક્ષા કરતા બ્લડ બ્રેઇન બૅરિયરને ક્રૉસ કરીને મગજ સુધી પહોંચે છે અને એની કામગીરીને ખોરવી નાખે છે. મગજની નસોમાં સોજા આવવાથી ન્યુરોલ ઇન્ફ્લમેશન અને સ્ટ્રેસ વધે છે. આ સાથે ઍન્ગ્ઝાયટી એટલે કે ચિંતા અને હતાશા પણ વધે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમે સતત પ્રદૂષણના સંપર્કમાં રહો, પણ થોડા સમય સુધી પણ તમે ઍર-પૉલ્યુશનના સંપર્કમાં આવો તો પણ એની મગજ પર સાઇડ-ઇફેક્ટ્સ દેખાય જ છે. આવા લોકોને વારંવાર માથામાં દુખાવો, કોઈ પણ કામમાં ફોકસ ન થવું જેવી સમસ્યા આવે છે. મગજનાં કેમિકલ્સ પ્રભાવિત થવાને કારણે સ્વભાવ ચીડિયો થાય છે અને ઊંઘ પણ પ્રભાવિત થાય છે. ઘણી વાર માનસિક થાક લાગે, કારણ વગર ઉદાસ થઈ જવું એવાં લક્ષણો પણ દેખાય છે. મગજમાં ઇન્ફ્લમેશન થવાને કારણે બ્રેઇન-ફૉગની સમસ્યા પણ ઉદ્ભવે છે. આ એવી માનસિક અવસ્થા છે જેમાં મગજે જે ગતિથી કામ કરવું જોઈએ એ કરી શકતું નથી. મગજમાં ઑક્સિજનનું સ્તર ઘટે એટલે આવી સમસ્યા થાય. નાની-નાની વાતો ભૂલી જવી, કંઈ પણ વિચારવામાં કે સમજવામાં મહેનત કરવી પડે. મુંબઈમાં વાયુપ્રદૂષણની ઇફેક્ટ્સ દિલ્હીની સરખામણીમાં ઓછી જોવા મળે છે, પણ એમ છતાંય સાવચેતી રાખવી જરૂરી છે.’

મેન્ટલ હેલ્થ માટે ચોખ્ખી હવાનો શું રોલ?

મેટ્રો​ સિટીમાં ટ્રાફિક અને કન્સ્ટ્રક્શન સાઇટને કારણે વધી રહેલા હવાના પ્રદૂષણ વચ્ચે ચોખ્ખી હવા કેવી રીતે મેળવવી અને મેન્ટલ હેલ્થ માટે શુદ્ધ હવાનો રોલ શું છે એ વિશે સમજાવતાં ડૉ. આશિષ ગોસર કહે છે, ‘મગજનું વજન શરીરના કુલ વજન કરતાં બે ટકા જેટલું હોય છે અને એ શરીરનો કુલ ૨૦ ટકા જેટલો ઑક્સિજન વાપરે છે. શુદ્ધ હવા મગજના કોષોને સક્રિય રાખે છે, મૂડ સારો રાખે છે અને ઍન્ગ્ઝાયટી ઘટાડે છે; જેનાથી ન્યુરૉન્સ એટલે કે મગજની નસોનું આયુષ્ય સુધરે છે અને ઑલ્ઝાઇમર્સ જેવી બીમારીઓ દૂર રહે છે. મગજને સારા પ્રમાણમાં ઑક્સિજન પહોંચે ત્યારે એ ડીપ સ્લીપ માટે બહુ મદદ કરે છે. જ્યારે વ્યક્તિ ડીપ સ્લીપમાં હોય ત્યારે મગજ ન જોઈતી ચીજોનું ક્લીનિંગ અને શરીરના કોષોનું રિપેરિંગ કરે છે. શુદ્ધ હવા મેળવવા માટે ઘરમાં સ્નેક પ્લાન્ટ, એરેકા પામ જેવા છોડ ઘરમાં રાખી શકાય જે કુદરતી રીતે હવા શુદ્ધ કરવામાં મદદ કરે છે. બહાર નીકળતી વખતે N95 માસ્કનો જ ઉપયોગ કરો. ટ્રાફિકના સમયે અથવા વહેલી સવારે જ્યારે સ્મૉગ વધુ હોય ત્યારે કસરત કરવા બહાર ન જવું. સાંજે અથવા સૂર્યપ્રકાશ હોય ત્યારે જવું વધુ સારું છે. લીલી શાકભાજી, હળદર, અખરોટ, બેરીઝ જેવા વિટામિન C, વિટામિન E અને ઓમેગા-થ્રી હોય એવા બ્રેઇન-ફ્રેન્ડ્લી આહારનું સેવન કરો જેથી મગજમાં પ્રદૂષણને કારણે થતું ઇન્ફ્લમેશન ઘટે છે. શિયાળામાં પણ પુષ્કળ પાણી પીને હાઇડ્રેશન લેવલને મેઇન્ટેન રાખો જેથી લોહીમાં ભળેલાં ઝેરી તત્ત્વો યુરિન વાટે શરીરની બહાર નીકળી શકે. માઇન્ડને રીસેટ કરવા માટે બગીચામાં થોડો સમય વિતાવો જેથી શરીરને શુદ્ધ હવા મળે. ત્યાં તમે ડીપ બ્રીધિંગની પ્રૅક્ટિસ કરી શકો જે ફેફસાં અને મગજનાં ફંક્શન્સને સુધારે છે.’ 

air pollution mental health health tips healthy living life and style lifestyle news columnists