14 October, 2026 05:10 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
મોટી ઉંમરે પણ તમે ગરબા રમી શકતા હો એ તમારા શરીર અને મગજ બન્ને માટે અકસીર થેરપી સમાન છે. જોકે મહત્ત્વનું એ છે કે તમે તમારી ક્ષમતા સમજો. જેટલું થઈ શકે એનાથી શરૂ કરો. ધીમે-ધીમે ક્ષમતા વધશે. ઇન્જરીથી બચવાનું છે, પણ એના માટે ગરબા નહીં કરવાનો નિર્ણય ખોટો છે.
ગરબા માત્ર એક પરંપરાગત નૃત્ય નથી; શારીરિક, માનસિક અને ન્યુરોલૉજિકલ દૃષ્ટિએ અદ્ભુત સાયન્સ છે. આપણા પૂર્વજોએ આ જે પ્રથા શરૂ કરી છે એની પાછળ કેટલું બધું ઊંડાણ છે એ સમજીએ તો દંગ રહી જવાય. ગુજરાતીઓ માટે કહેવાય છે કે ગરબા તેમના જીન્સમાં હોય છે. જેમને ડાન્સ કરતાં નથી આવડતું એવા ગુજરાતીઓને પણ ગરબા કરતાં આવડતું હોય છે. સામાન્ય બે તાળી તો બધા જ રમી શકે છે એનું કારણ આપણા જીન્સ છે. ગુજરાતી વ્યક્તિ જાડી હોય છે, પણ એની અંદર ફ્લેક્સિબિલિટી ભરપૂર છે એનું કારણ પણ એ જ છે કે આપણા પૂર્વજો ગરબા રમતા હતા. ગુજરાતી બાળક ગરબાનો ઢોલ વાગે અને થિરકવા લાગે છે એની પાછળ પણ આ જીન્સ જ જવાબદાર છે એ સમજી શકાય છે. આજે આ ગરબા પાછળના સાયન્સને ડીકોડ કરવાની કોશિશ કરીએ.
પરાપૂર્વથી થતા પ્રાચીન ગરબાનું મુખ્ય કેન્દ્રબિંદુ ભક્તિ, શ્રદ્ધા અને માતાજીની આરાધના છે જે સામાન્ય રીતે ગામના ચોક કે શેરીઓમાં માતાજીની માંડવીની આસપાસ રમાય છે. એમાં ઢોલ, શરણાઈ અને મંજીરા જેવાં પરંપરાગત વાદ્યોના ધીમા તાલ પર બે તાળી, ૩ તાળી કે હીંચ જેવાં સરળ સ્ટેપ્સ લેવાય છે. સાદો અને પરંપરાગત પહેરવેશ આ ગરબાની ઓળખ છે. લય ધીમો હોવાથી આ ગરબા લાંબો સમય રમી શકાય છે અને એ મગજને શાંતિ આપીને એક મેડિટેશન જેવો અનુભવ કરાવે છે. આજના અર્વાચીન ગરબા, જે મોટા કમર્શિયલ પાર્ટી-પ્લૉટ કે ક્લબ્સમાં યોજાય છે એમાં પરંપરાગત સ્ટેપ્સની સાથે વેસ્ટર્ન, સાલ્સા અને બૉલીવુડ ડાન્સનું ફ્યુઝન જોવા મળે છે. આજના ગરબામાં મ્યુઝિક ખૂબ ફાસ્ટ હોવાથી એ હાઈ-ઇન્ટેન્સિટી કાર્ડિયો વર્કઆઉટ જેવું કામ કરે છે, જેનાથી કૅલરી ઝડપથી બર્ન થાય છે પરંતુ શરીર વહેલું થાકી જાય છે. આજનાં આધુનિક સ્ટેપ્સ પણ ઘણાં જ ઉપયોગી છે, પણ એની પોતાની મર્યાદા છે. બધા જ એ રમી નથી શકતા અને રમે તો પણ લાંબા સમય સુધી એ રમી નથી શકાતું. આ મર્યાદાઓ પ્રાચીન ગરબામાં નથી. પ્રાચીન ગરબા અને એનાં વિવિધ પરંપરાગત સ્ટેપ્સ જેમ કે બે તાળી, ૩ તાળી, હીંચ અને ગોળ ફરવાની પ્રક્રિયા આપણા શારીરિક, માનસિક અને સ્નાયુકીય સ્વાસ્થ્ય પર અત્યંત સકારાત્મક અને ગહન પ્રભાવ પાડે છે. એ કઈ રીતે શક્ય બને છે એ સમજવાની આજે કોશિશ કરીએ.
મોટી ઉંમરે પણ તમે ગરબા રમી શકતા હો એ તમારા શરીર અને મગજ બન્ને માટે અકસીર થેરપી સમાન છે. જોકે મહત્ત્વનું એ છે કે તમે તમારી ક્ષમતા સમજો. જેટલું થઈ શકે એનાથી શરૂ કરો. ધીમે-ધીમે ક્ષમતા વધશે. ઇન્જરીથી બચવાનું છે, પણ એના માટે ગરબા નહીં કરવાનો નિર્ણય ખોટો છે.
આપણે જ્યારે પ્રાચીન ગરબા રમીએ છીએ ત્યારે એ એક ઉત્તમ કાર્ડિયોવૅસ્ક્યુલર વ્યાયામ બની જાય છે. સતત લયબદ્ધ ગતિવિધિઓને કારણે હૃદયના ધબકારા વધે છે, જે ફેફસાં અને કાર્ડિયોવૅસ્ક્યુલર તંત્રને વધુ સક્રિય કરે છે. આ પ્રક્રિયાથી શરીરના દરેક કોષ સુધી ઑક્સિજન અને પોષક તત્ત્વોનો પ્રવાહ ઝડપી બને છે, જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને
બ્લડ-પ્રેશર તથા કૉલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પ્રાચીન ગરબાથી સ્નાયુ અને હાડકાં કઈ રીતે મજબૂત થાય છે એ સમજાવતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. ભાવિકા પારેખ કહે છે, ‘સ્નાયુઓની મસ્ક્યુલર હેલ્થ અને હાડકાંની મજબૂતીની દૃષ્ટિએ ગરબાનાં સ્ટેપ્સ ખૂબ જ ફાયદાકારક છે. બે તાળી વગાડતી વખતે શરીરનું વજન સંતુલિત રાખવું પડે છે, હીંચ લેતી વખતે ઘૂંટણ અને પગના ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને કફ મસલ્સ પર સક્રિય ભાર આવે છે અને ગોળ ફરતી વખતે શરીરના કોર મસલ્સ મજબૂત બને છે. આ પ્રકારની વજન વહન કરતી પ્રવૃત્તિઓ હાડકાંની ઘનતા વધારે છે, જેનાથી ભવિષ્યમાં ઑસ્ટિયોપોરોસિસ કે હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.’
પ્રાચીન ગરબાનાં જુદાં-જુદાં સ્ટેપ્સ મગજ અને સ્નાયુઓ વચ્ચેનું ન્યુરોમસ્ક્યુલર કો-ઑર્ડિનેશન વધારવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડૉ. ભાવિકા પારેખના કહેવા અનુસાર મગજ અને સ્નાયુઓના તાલમેલ માટે પ્રાચીન ગરબા કઈ રીતે કામ કરે છે એ સમજીએ.
ગરબામાં મલ્ટિ-ટાસ્કિંગ કરવાથી ફોકસ વધે છે. ગરબામાં એકસાથે પગનાં સ્ટેપ્સ લેવાનાં હોય છે, હાથથી તાળી પાડવાની હોય છે અને શરીરને ચોક્કસ દિશામાં વાળવાનું હોય છે. જેમ કે બે તાળી, ૩ તાળી. આ ક્રિયાઓ એકસાથે કરવા માટે મગજના મોટર કોર્ટેક્સ ભાગને ખૂબ ઝડપથી કામ કરવું પડે છે, જેથી ફોકસ અને એકાગ્રતા વધે છે.
ગરબા રમતી વખતે શરીરની આજુબાજુ જગ્યા કેટલી છે એનું ભાન રાખવું પડે છે જેને સ્પેશ્યલ અવેરનેસ કહેવાય છે. આ પ્રકારની જાગૃતિ સંતુલન માટે જરૂરી બને છે. ગરબા હંમેશાં ગોળાકારમાં રમાય છે, જેમાં સતત ફરતા રહેવાનું અને અચાનક ચક્કર લેવાનું હોય છે. આ ચક્કર માટે કેટલી જગ્યા જોઈશે અને કેટલી તમારી પાસે છે એનું ધ્યાન રાખીને વ્યક્તિ ચક્કર લે છે જે મગજને સંતુલન માટે તૈયાર કરે છે. આનાથી મગજમાં આવેલી વેસ્ટિબ્યુલર સિસ્ટમ એટલે કે કાનની અંદરની સંતુલન-પ્રણાલી અને સ્નાયુઓ વચ્ચે જોડાણ મજબૂત થાય છે. પરિણામે વ્યક્તિનું શારીરિક સંતુલન સુધરે છે.
ગરબાને કારણે મસલ મેમરી એટલે કે સ્નાયુઓની યાદશક્તિ વધે છે. ગરબામાં સતત સ્ટેપ્સનું પુનરાવર્તન થાય છે. પ્રાચીન ગરબાનાં ચોક્કસ સ્ટેપ્સ વારંવાર રિપીટ થાય છે, જેની મગજ પર અસર થાય છે. જ્યારે તમે કોઈ સ્ટેપ વારંવાર કરો છો ત્યારે મગજ એ પૅટર્નને સેવ કરી લે છે જેને મસલ મેમરી કહે છે. આનાથી મગજને દર વખતે નવું વિચારવું નથી પડતું અને સ્નાયુઓ આપોઆપ તાલ સાથે જોડાઈ જાય છે.
ગરબાને કારણે રિફ્લેક્સ એટલે કે કોઈ પણ વસ્તુમાં અપાતી પ્રતિક્રિયા ઝડપી બનતી હોય છે. એને કારણે ઝડપી નિર્ણયશક્તિ ડેવલપ કરી શકાય છે. ગરબા દરમ્યાન સંગીતનો લય શરૂઆતમાં ધીમો હોય છે અને પછી એ ધીમે-ધીમે એ વધતો જાય છે. છેલ્લે એકદમ જ ઝડપી બને છે. સંગીતના આ બદલાતા તાલ સાથે સ્નાયુઓને તરત જ ઍડ્જસ્ટ કરવા માટે મગજ સેકન્ડના સોમા ભાગમાં સિગ્નલ મોકલે છે. આનાથી તમારા રિફ્લેક્સિસ એટલે કે ઝડપી પ્રતિભાવ આપવાની ક્ષમતા ખૂબ તીવ્ર બને છે.
ગરબામાં ક્રૉસ-બૉડી મૂવમેન્ટ્સ થાય છે, કારણ કે ગરબામાં ડાબાં-જમણાં અંગોનો સમન્વય મહત્ત્વનો છે. ગરબાનાં ઘણાં સ્ટેપ્સમાં જમણો હાથ ડાબા પગ તરફ અથવા ડાબો હાથ જમણા પગ તરફ લઈ જવાનો હોય છે - જેમ કે પોપટિયું કે દોઢિયું સ્ટેપ. શરીરનાં અંગો જ્યારે મિડલાઇન ક્રૉસ કરે છે ત્યારે મગજનું ડાબું અને જમણું બન્ને હેમસ્ફિયર્સ એકસાથે સક્રિય થાય છે, જે નર્વસ સિસ્ટમને વધુ હેલ્ધી બનાવે છે. ટૂંકમાં, પ્રાચીન ગરબા મગજ માટે એક સુંદર પઝલ જેવું છે, જેને ઉકેલવા માટે સ્નાયુઓએ સંગીતના તાલે દોડવું પડે છે. આ પ્રક્રિયાથી ઉંમર વધવાની સાથે થતી ભૂલી જવાની બીમારીઓ જેમ કે ડિમેન્શિયાનું જોખમ પણ ઘટે છે.
ગરબામાં તાળી પાડવાનું મહત્ત્વ ઘણું વધારે છે. ખાસ કરીને પ્રાચીન ગરબાઓ તાળી વગર રમાતા નથી. અર્વાચીન ગરબામાંથી તાળી નીકળતી જઈ રહી છે. તાળીનું ઍક્યુપ્રેશરની દૃષ્ટિએ મહત્ત્વ સમજાવતાં ઍક્યુપ્રેશર-નિષ્ણાત ડૉ. મયંક શાહ કહે છે, ‘આપણા હાથની હથેળીઓમાં શરીરનાં વિવિધ અંગો સાથે જોડાયેલા મહત્ત્વના ઍક્યુપ્રેશર પૉઇન્ટ્સ આવેલા હોય છે. આપણે જ્યારે ગરબા દરમ્યાન તાળી પાડીએ છીએ ત્યારે આ તમામ પૉઇન્ટ્સ દબાય છે. હથેળી પર દબાણ પડવાથી હૃદય અને ફેફસાંની કાર્યક્ષમતા સુધરે છે. એ પાચનક્રિયાને સંતુલિત રાખવામાં અને ગૅસ કે કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તાળીને કારણે રક્તસંચાર સુધરે છે. જોરથી તાળી પાડવાથી હથેળી અને આંગળીઓમાં રક્તપ્રવાહ ઝડપી બને છે. આ સુધરેલો રક્તસંચાર શરીરનાં અન્ય અંગો સુધી ઑક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડવામાં મદદ કરે છે, જેનાથી આખો દેહ ઊર્જાવાન બને છે. આ ઉપરાંત હથેળીમાં રહેલા નર્વ એન્ડિંગ્સ ઉત્તેજિત થવાથી મગજ અને રોગપ્રતિકારક તંત્ર વચ્ચેનો તાલમેલ સારો થાય છે.’