ઍન્જિયોપ્લાસ્ટી કરાવું કે પછી બાયપાસ?

24 May, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા લોકો કહે છે કે સર્જરી કરાવવા કરતાં ઍન્જિયોપ્લાસ્ટી સરળ છે. અત્યારે તો બ્લૉકેજ જ આવ્યાં છે, અટૅક આવ્યો નથી. શું બાયપાસ કરાવીશું તો અટૅક નહીં આવે?   

GMD Logo

મારા મોટા ભાઈની હાલમાં ઍન્જિયોગ્રાફી કરાવી જેમાં અલગ-અલગ ત્રણ બ્લૉકેજ આવ્યાં છે. આગળની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટરે બન્ને ઑપ્શન આપ્યા હતા કે ઍન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ સર્જરી. ડૉક્ટરે કહ્યું કે બન્ને કરી શકાય, પરંતુ ઍન્જિયોપ્લાસ્ટી મોંઘી છે અને બાયપાસ એના કરતાં સસ્તી છે. જોકે મારે એ જાણવું હતું કે બાયપાસ કે ઍન્જિયોપ્લાસ્ટીમાં બન્નેમાં સેફ શું છે? ઘણા લોકો કહે છે કે સર્જરી કરાવવા કરતાં ઍન્જિયોપ્લાસ્ટી સરળ છે. અત્યારે તો બ્લૉકેજ જ આવ્યાં છે, અટૅક આવ્યો નથી. શું બાયપાસ કરાવીશું તો અટૅક નહીં આવે?   
 
ઍન્જિયોપ્લાસ્ટી હોય કે બાયપાસ,  બન્ને હાર્ટને રક્ષણ આપવાનું કામ કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે હાર્ટ-અટૅક આવશે જ નહીં. માત્ર એ આવવાની શક્યતા ઘટે છે. જોકે બાયપાસમાં એ રિસ્ક ઘણું ઓછું રહે છે. જ્યારે એ ઑપ્શન આવે કે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી ત્યારે શું કરવું એ સમજવા માટે પહેલાં દરદીની કન્ડિશન જોવી પડે છે. મોટા ભાગે જો એક જ નળીમાં બ્લૉકેજ હોય તો અમે સૂચવતા હોઈએ છીએ કે સ્ટેન્ટ લગાવી શકાય અને એ હકીકત છે કે એક જ નળીમાં એક કે બે બ્લૉકેજ હોય તો સર્જરી સુધી જવાની કોઈ ખાસ જરૂર હોતી નથી. આ પરિસ્થિતિમાં ઍન્જિયોપ્લાસ્ટી જ બરાબર છે. 
જો બ્લૉકેજ એકથી વધુ નળીમાં ફેલાયેલાં હોય તો બાયપાસ કરાવવી વધુ યોગ્ય છે. આ સિવાય જો હૃદયની મુખ્ય ધમનીમાં જ બ્લૉક હોય તો પણ અમે મોટા ભાગે બાયપાસ કરવાનું જ સૂચવીએ છીએ, કારણ કે એ મેજર પ્રૉબ્લેમ ગણવામાં આવે છે. બીજું, જેના શરીરમાં બ્લૉકેજ છે એનો અર્થ એ કે એના શરીરની ટેન્ડન્સી એવી છે કે વધુ બ્લૉકેજ બની શકે છે. મોટા ભાગે અમારો અનુભવ એ કહે છે કે જે વ્યક્તિ સ્ટેન્ટ નખાવે છે તેને એક-દોઢ વરસની અંદર ફરીથી બીજા બ્લૉકેજને કારણે સ્ટેન્ટ નખાવવા પડે છે. જ્યારે એક વખત બાયપાસ સર્જરી કરી તો એ વ્યક્તિ બીજાં ૧૦-૧૫ વર્ષ માટે ફ્રી થઈ જાય છે. વળી બાયપાસ સર્જરીનો સક્સેસ-રેટ લગભગ ૯૯ ટકા કહી શકાય. આમ રિસ્ક-ફૅક્ટર ઘણું જ ઓછું ગણી શકાય. તમે તમારા સર્જ્યન સાથે આ બધી બાબતો ડિસ્કસ કરો અને પછી વિચારીને નિર્ણય લો કે તમારે શું કરાવવું છે. 

health tips columnists