14 July, 2026 03:47 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દુનિયા ફરીથી એ સમયમાં જઈ રહી છે જ્યાં ઍન્ટિ-બાયોટિક્સ હતી જ નહીં અને એક સામાન્ય ઇન્ફેક્શન કે નાનકડી ઇન્જરીથી પણ લોકો મરી જતા હતા. ઍન્ટિ-બાયોટિક એવી દવાઓ છે જેના દ્વારા લોકો લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકવા સક્ષમ બન્યા હતા. જોકે ફરીથી દુનિયા એ દિશામાં જઈ રહી છે જ્યાં આ દવાઓ કામ નહીં કરે અને એનાથી જે વિનાશ સર્જાશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
ઍન્ટિ-બાયોટિક્સ દવાઓમાં સમયાંતરે બદલાવ આવ્યા જ કરે છે, કારણ કે વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બૅક્ટેરિયાની જાત સામે આવતી રહે છે અને એમની સામે લડવા માટે આપણને સ્ટ્રૉન્ગ દવાઓની સતત જરૂર પડતી જ રહે છે. જોકે એક સમય એવો આવશે કે દવાઓની લિમિટેશન આવી જશે અને બૅક્ટેરિયા પર કોઈ પણ પ્રકારની દવાઓ કામ નહીં કરે, કારણ કે દવાઓ લિમિટેડ છે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. માનવજાતના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો થઈ શકે એટલી ગંભીર આ પરિસ્થિતિ છે જેને ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે.
આપણી અમુક આદતો આ પ્રક્રિયાને બળ આપે છે. આપણે આપણી જ ભૂલોના ભોગ બનવાના છીએ. સૌપ્રથમ એ ભૂલોને સમજવા ખુદને આ પ્રશ્નો પૂછો. સામાન્ય શરદી થઈ કે જરાક તાવ આવ્યો કે નૉર્મલ ગળું દુખે છે તો તમે જૂનું પ્રિસ્ક્રિપ્શન શોધો છો? એ સમયે ઍન્ટિ-બાયોટિક લીધેલી તો આ વખતે પણ ઍન્ટિ-બાયોટિક લેવી જ પડશે એમ ધારીને તમે ડૉક્ટરને પૂછ્યા વગર દવા જાતે શરૂ કરી દો છો? કોઈ પણ તકલીફ થાય તો ડૉક્ટર પાસે ગયા વગર, મેડિકલ સ્ટોરવાળા જે દવા આપે એ તમે લઈ લો છો? તમને પાંચ દિવસની દવા ડૉક્ટરે આપી હોય પણ ત્રીજા દિવસે સારું લાગે એટલે પછીની બચેલી બે દિવસની દવા તમે લેતા નથી? ડૉક્ટર, કંઈ પણ કરીને બે દિવસમાં મારે ઠીક થવું જરૂરી છે, તમે મને હાઈ-પવારની દવા આપી દો એવી આજીજી ડૉક્ટરને કરો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો એનો અર્થ એ કે આ વિકટ પરિસ્થિતિ જે સર્જાયેલી છે એમાં તમારી ભાગીદારી છે. જ્યારે આ પ્રકારની લાપરવાહી થાય છે ત્યારે વ્યક્તિ પોતાને જ નહીં, સમગ્ર કમ્યુનિટીને મુશ્કેલીમાં મૂકે છે. ખુદ માટે નહીં તો માનવજાત માટે વિચારો. આ ભૂલો ન કરો, કારણ કે આ દરેક કારણ ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સ તરફ આપણને ધકેલી રહ્યું છે. એટલે જ્યાં સુધી ડૉક્ટર ન કહે કે આ દવાઓ લેવી જરૂરી છે ત્યાં સુધી ઍન્ટિ-બાયોટિક દવાઓ ન જ લો. અતિ જરૂરી હોય ત્યારે જ એ દવાઓ લેવી અને ઍન્ટિ-બાયોટિક દવાઓનો પાંચ કે ૭ દિવસનો કોર્સ અધૂરો ન છોડો.