તમે જે સેન્ટેડ કૅન્ડલ્સ વાપરો છે એ સેફ તો છેને?

10 November, 2025 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં થોડાં વર્ષોમાં સેલ્ફકૅર રૂટીન અને હોમ ડેકોરમાં સેન્ટેડ કૅન્ડલ્સનો ઉપયોગ વધ્યો છે, પણ સુંદર સુગંધ આપતી અને આકર્ષક દેખાતી આ કૅન્ડલ્સ તમારા સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ નાખે છે એ જાણવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

દિવસભરના થાક પછી સ્ટ્રેસ-ફ્રી થવા અને રિલૅક્સ ફીલ કરવા માટે, ઊંઘ સારી આવે એટલા માટે રાત્રે સૂતાં પહેલાં મેડિટેશન અને યોગ વખતે મનને શાંત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા, ઘરમાં દુર્ગંધને દૂર કરવા અને ફ્રેશનેસ વધારવા, ગિફ્ટમાં આપવા તેમ જ ડિનર ટેબલ પર કે બેડરૂમમાં માહોલ બનાવવા જેવાં વિવિધ કારણોસર છેલ્લાં થોડાં વર્ષોમાં સેન્ટેડ કૅન્ડલ્સનો ઉપયોગ વધ્યો છે. જોકે જાણતાં-અજાણતાં જ ઘણા લોકો સેન્ટેડ કૅન્ડલ્સની પસંદગી કરવામાં ભૂલ કરતા હોય છે. એને પ​રિણામે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે.

જે કૅન્ડલ પૅરૅફિન વૅક્સ (પેટ્રોલિયમબેઝ્ડ)થી બની હોય અને એમાં આર્ટિફિશ્યલ ફ્રૅગ્રન્સ અને કેમિકલ ડાયનો ઉપયોગ થયો હોય એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ કૅન્ડલ્સ હવામાં ઝેરી તત્ત્વો અને ધુમાડો છોડે છે. લાંબા સમય સુધી એ શ્વાસ મારફત શરીરમાં જાય તો સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય છે. આ પ્રકારની સેન્ટેડ કૅન્ડલ્સ સસ્તી હોય છે એટલે લોકો એને ખરીદવા માટે લલચાઈ જાય છે.

આપણે જ્યારે પૅરૅફિન વૅક્સથી બનેલી સેન્ટેડ કૅન્ડલ્સ પેટાવીએ છીએ ત્યારે એ ધીરે-ધીરે હવામાં એવાં રાસાયણિક તત્ત્વો છોડે છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ એ જ રસાયણ છે જે ઔદ્યોગિક અને વાહનોના ધુમાડામાં પણ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ એવી રૂમમાં બેઠી હોય જ્યાં આ કૅન્ડલ્સ બળતી હોય તો અજાણતાં જ આ ઝેરી કણો શ્વાસ મારફત શરીરની અંદર જાય છે. એને કારણે ફેફસાંમાં બળતરા થવી, ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી અને લાંબા ગાળે અસ્થમા અથવા ઍલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.

એ સિવાય કેટલાક લોકોને એના ધુમાડાથી માથામાં દુખાવો કે થાકની ફરિયાદ હોય છે. એમાં રહેલાં આર્ટિફિશ્યલ ફ્રૅગ્રન્સ આ બધી સમસ્યાને વધુ ખરાબ બનાવે છે. એમાં એવાં કેમિકલ્સ હોય છે જે હૉર્મોનના બૅલૅન્સને પ્રભાવિત કરી શકે છે.

કેવી કૅન્ડલ્સ ખરીદવી?

જે કૅન્ડલમાં નૅચરલ વૅક્સ જેમ કે સોય વૅક્સ, બીસવૅક્સ, કોકોનટ વૅક્સનો તેમ જ પ્યૉર એસેન્શિયલ ઑઇલ્સનો ઉપયોગ થયો હોય એ વાપરવા માટે સુર​િક્ષત અને આરોગ્યપ્રદ હોય છે. 

health tips healthy living life and style lifestyle news columnists