09 April, 2026 07:11 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મોટા ભાગનાં ઘરોમાં વૃદ્ધ થઈ રહેલાં માતા-પિતાને કમ્ફર્ટ આપવાની પેરવીમાં તેમની આઝાદી ઝૂંટવી લેવામાં આવે છે. જ્યાં સુધી વડીલો આત્મનિર્ભર છે ત્યાં સુધી તેઓ સ્વસ્થ જીવન જીવી શકશે. જેવું તમે તેમને પોતાના પર નિર્ભર બનાવતા જશો એવો તેમનો આત્મવિશ્વાસ ડગતો જશે. સંતાનોને એવું થાય છે કે ઉંમર સાથે તેમને એક ટેકાની જરૂર છે એટલે તેઓ માતા-પિતાની લાઇફ સરળ કરવાનો પ્રયાસ કરે છે જેને લીધે એક પછી એક તકલીફો શરૂ થાય છે. આ તકલીફને નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ...
૭૨ વર્ષના જયેશભાઈને ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ હતો. તેમણે જીવનભર જુદી-જુદી ગાડીઓથી પોતાના શોખ પૂરા કર્યા હતા. ૫૦ વર્ષની ઉંમર સુધી તો બાઇક્સ પણ ધૂમ ચલાવી. ફરવા જાય તો કશે ટ્રેનથી જાય જ નહીં. ૬-૮ કલાક સતત વગર રોકાયે પણ તેમણે ડ્રાઇવિંગ કર્યું છે. જોકે છેલ્લાં એક-બે વર્ષથી તેમના બન્ને દીકરાઓ તેમની પાછળ પડી ગયા હતા કે પપ્પા, તમારે ગાડી ચલાવવાની જરૂર નથી, હવે ઉંમર થઈ, આટલો પૈસો છે તો એક ડ્રાઇવર રાખી લઈએને, તમારે શું કામ આટલી તકલીફ લેવી. પરાણે ડ્રાઇવર ઘરમાં આવી ગયો. ડ્રાઇવરને આવ્યે ૧૫ દિવસ થઈ ગયા હતા. જયેશભાઈને ડ્રાઇવર માટે રાહ જોયા કરવાનો કંટાળો આવ્યા કરતો હતો. એક દિવસ તે આવે એ પહેલાં જયેશભાઈ કાર લઈને નીકળી ગયા અને એક જગ્યાએ સહેજ ગાડી ઠોકી દીધી. કારને નુકસાન થયું, પણ જયેશભાઈને ખાસ કશું થયું નહીં. દીકરાઓ ઔર વધુ ગુસ્સે થયા. પપ્પા, તમને ના પાડી છે ડ્રાઇવિંગની તો શું કામ ચલાવવી છે તમને ગાડી? બાળકોને ચિંતા હતી કે અકસ્માત જીવલેણ થયો હોત તો? હવે જયેશભાઈને સખત મનાઈ ફરમાવવામાં આવી છે કે કાર ત્યારે જ બહાર નીકળશે જ્યારે ડ્રાઇવર હશે, બાકી ગાડી ચલાવવાની નથી જ.
૭૫ વર્ષનાં પારુલબહેને વર્ષોથી ઘર સંભાળ્યું હતું. ઘરનાં કામોમાં તેમનું પર્ફેક્શન ઊડીને આંખે વળગે એવું. છેલ્લા થોડા સમયથી થોડું-થોડું ભૂલવાનું શરૂ થઈ ગયું હતું. એકસાથે પચાસ કામ લઈને ફરતાં પારુલબહેન હવે એકસાથે બે કામ પણ આવી જાય તો તત-ફફ થઈ જતાં હતાં. એક દિવસ રસોઈ બનાવી. દાળ વઘારી અને દાળનું તપેલું નીચે ઉતારીને ગૅસ ચાલુ જ રહેવા દીધો. એ તો તેમની કામવાળી આવી ત્યારે તેણે જોયું કે ગૅસ તો ચાલુ રહી ગયો છે. એના બીજા ૪ દિવસમાં પારુલબહેને પોતાના માટે ચા મૂકી અને ભૂલી ગયાં. આખું તપેલું બળી ગયું. ઘરમાં વાસ આવી ત્યારે ખબર પડી. આવા અનુભવોને કારણે બાળકોએ તેમને રસોડામાંથી નિવૃત્તિ લેવાનું કહી દીધું છે. તેમને ન ગમે છતાં પરાણે રસોઇયણ રાખી દેવામાં આવી છે. ન કરે નારાયણ ને કંઈ થઈ જાય તો શું?
આ બન્ને બનાવો જેવા અઢળક બનાવો દરેક ઘરમાં બનતા જ હશે. વ્યક્તિ ઘરડી થાય એટલે સહજ રીતે અમુક શક્તિઓ ક્ષીણ થતી જાય જેને જોઈને સંતાનો થોડાં હેબતાઈ જાય. તેમને માતા-પિતાની ચિંતા થાય. તેમને લાગે કે આખી જિંદગી માતા-પિતાએ કર્યું જ છે તો હવે તેમને આરામ આપીએ, તેમને મદદની જરૂર છે એટલે તેમને નિવૃત્તિ આપીએ, જવાબદારીનો ભાર ઓછો કરીએ. બાળકો તેમની મદદ માટે સ્ટાફ રાખી લે છે જે તેમને મદદરૂપ થાય. વડીલોએ કામ ન કરવું પડે અને એ લોકો આ વડીલોની દેખરેખ કરી શકે. ભારતીય સભ્યતામાં સંતાનોને માતા-પિતાની વૃદ્ધત્વની લાઠી કહેવામાં આવી છે. વડીલોને ટેકાની જરૂર પડે એ વાત સાચી, પણ તેમને કેટલા અને કેવા ટેકાની જરૂર છે અને એ આપવાથી આપણે તેમનું ભલું કરીએ છીએ કે નુકસાન આ બધું સમજવાનો આજે પ્રયાસ કરીએ.
આ દરેક ઘરમાં બનતા બનાવો છે. ઉંમર સાથે અમુક વસ્તુઓ બદલાય છે, પણ જે ન બદલાવું જોઈએ એ છે તેમના જીવન પર તેમનો ખુદનો હક. આ વસ્તુ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘૬૦-૬૫ વર્ષની ઉંમરે વ્યક્તિ ખુદ સમજે છે કે તેનાથી અમુક વસ્તુ નથી થઈ રહી. અમુક વ્યક્તિઓ સ્વીકારે છે, અમુક નથી સ્વીકારતી. સંતાનો વડીલોને આરામ આપવા, તેમને સેફ રાખવા માટે તેમની મદદ કરવા ઇચ્છતાં હોય છે; પરંતુ મદદનો સ્વભાવ છે વ્યક્તિને પાંગળી બનાવવી. જ્યારે વ્યક્તિને મદદ મળવા લાગે ત્યારે કામ હાથમાંથી છૂટતું જાય છે. એટલું જ નહીં, હું નહીં કરી શકું એ વાત તેમના મનમાં દૃઢ બનતી જાય છે. એક વાર ભૂલ થાય તો વધુ સતર્ક રહેવું એ સંદેશ જવો જોઈએ. સતર્કતા ત્યારે જ આવે જ્યારે વ્યક્તિ કામ કરે, ખુદનું કામ કરે. માતા-પિતાએ જીવનભર બધાનું કર્યું છે, હવે બાળકો મોટાં છે એટલે તેમનું કશું કરવાની જરૂર નથી; પરંતુ ખુદનું પણ ન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી ન કરો. એટલે નહીં કે બાળકે તેમની સેવા નથી કરવી, પણ એટલે કેમ કે તેમને અત્યારથી પાંગળાં બનાવવાની જરૂર નથી. જો તેઓ થોડું-થોડું કર્યા કરશે તો તેમનો આત્મવિશ્વાસ અકબંધ રહેશે જે મોટી ઉંમરે ખૂબ જ જરૂરી છે.’
નિર્ણય તેમનો હોવો જરૂરી છે
જ્યારે કોઈ કામ વડીલ માટે કે ઘર માટે સેફ ન લાગે ત્યારે સંતાનો આવા નિર્ણયો લેતાં હોય છે કે તમારે ગાડી ચલાવવાની જ નથી કે રસોડામાં કામ કરવાનું નથી. આ પરિસ્થિતિમાં ઘણા વડીલો હોય છે જેઓ આ બાબતે ખૂબ જ ખુશ હોય છે. તેમને લાગે છે કે બાળકો અમારું ધ્યાન રાખે છે એટલે અમને કામ નથી કરવા દેતાં, પરંતુ મોટા ભાગના વડીલો આ બાબતે ગુસ્સે હોય છે કારણ કે તેમના હાથમાંથી તેમના ખુદ માટે લેવાની નિર્ણયશક્તિ જતી રહી છે એવું તેમને લાગે છે. આવી પરિસ્થિતિમાં કરવું શું એ વિશે વાત કરતાં કિંજલ પંડ્યા કહે છે, ‘વડીલોને સૌથી મોટી તકલીફ એ જ હોય છે સંતાનો પાસેથી કે હવે તેઓ વૃદ્ધ થયા છે એટલે તેમના જીવનના નિર્ણયો સંતાનો લેતાં થઈ ગયાં છે. એ તેમને પસંદ નથી હોતું. આવી પરિસ્થિતિમાં બૉન્ડિંગ અનિવાર્ય છે. સંતાન તરીકે તમે માતા-પિતાને પરિસ્થિતિ સમજાવો, એની ગંભીરતા પણ સમજાવો. જેમ કે જયેશભાઈને તેમના દીકરાઓએ પૂછવું જોઈતું હતું કે પપ્પા, શું તમને ડ્રાઇવિંગ રિસ્કી લાગે છે આજકાલ, જજમેન્ટ લેવામાં કંઈ ગરબડ થાય છે ખરી? જો તેઓ કહે કે હા, આવું થાય છે તો પૂછી શકાય કે તમારા માટે એક ડ્રાઇવર રાખી લઈએ, તમને શું લાગે છે, આટલું રિસ્ક લેવું જોઈએ? એમ તેમને નિર્ણય લેવા દો. જો તેમનો નિર્ણય એ ન હોય જે તમે ઇચ્છો છો તો પણ તેમની પાસેથી એ હક છીનવીને કોઈ જબરદસ્તી ન કરો. એટલી મોકળાશ જરૂરી છે.’
આ સમજણ છે જરૂરી ઉંમરના હિસાબે જે બદલાવ આવે છે એ માટે કામ છોડવાની જરૂર નથી એ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘શરીર અને મગજનો હિસાબ એવો છે કે એને જેટલું ચલાવશો એટલું એ ચાલશે. આપણે ત્યાં લોકો ફટ દઈને માની લે છે કે હવે ઉંમર થઈ એટલે નથી થતું. આવું માની લેવાથી એક ગેરલાભ એ થાય છે કે ધીમે-ધીમે તમે ખુદને ‘કંઈ પણ ન કરી શકવાની’ પરિસ્થિતિ તરફ લઈ જાઓ છો. એક હેલ્ધી અને ઍક્ટિવ ઘડપણ એ જ લોકો જીવે છે જેઓ માને છે કે અમે કરી લઈશું. જે તકલીફ છે એનો સ્વીકાર કરવાનો જ છે. જેમ કે આજકાલ ભુલાઈ જાય છે એ તકલીફ છે. એ સ્વીકારી; પણ એને કારણે કામ છોડવાનું નથી, વધુ સતર્ક બનીને કરવાનું છે. ‘હવે નથી થતું’, ‘અમે બહુ કર્યું’ આવું વિચારવાનું વડીલોએ છોડવું પડશે. સંતાનોએ પણ તેમને એવું ન કહેવું કે ‘તમે રહેવા દો’ કે ‘શું કામ કરવું છે તમારે’. ઊલટું તેમને મોટિવેટ કરો કે તેઓ ખુશી-ખુશી કામ કરી શકે. જો કંઈ ગરબડ થાય તો ધીરજ રાખો. તેમને પણ સમજાવો કે ગરબડ થાય, એમાં કંઈ વાંધો નથી.’
ઉંમર સાથે આવતા બદલાવ
ઉંમર તમારા જીવનમાં કેવા પ્રકારના બદલાવ લાવે છે એ સમજાવતાં મગજ અને સ્પાઇનના સ્પેશ્યલિસ્ટ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘ઉંમરને કારણે શરીરનું પૉશ્ચર બદલાય છે. થોડી ખૂંધ નીકળે. મગજની વાત કરીએ તો યાદશક્તિ પર અસર પડે, થોડું બૅલૅન્સ ન રહે એવું થાય, ધૂંધળું દેખાય, બોલવામાં થોડી તકલીફ થાય, જજમેન્ટ લેવામાં પ્રૉબ્લેમ આવે. જોકે આ બધાં ચિહનો ઘણાને ૬૦ વર્ષે જ દેખાવા લાગે તો ઘણાને ૮૦ વર્ષે પણ દેખાતાં નથી. એટલે ઉંમર સંબંધિત બદલાવો તમારી ઓવરઑલ ફિટનેસ પર નિર્ભર કરે છે, પણ એ વાત સાચી છે કે બદલાવ તો આવે જ છે.’
ઉપાય
આવા બદલાવો આવે ત્યારે શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપતાં કૃતિ મહેતા કહે છે, ‘જો તમને દેખાય કે તમારાં માતા-પિતામાં આવા પ્રકારના બદલાવો આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તેમને વધુ નિર્ભર બનાવવાને બદલે જે અસરગ્રસ્ત થયું છે એને સુધારવાની કોશિશ કરો. ઘણી એક્સરસાઇઝ છે જેમને લીધે બૅલૅન્સ પાછું લાવી શકાય છે. જેમ કે કોઈ વડીલનું બૅલૅન્સ ખોરવાતું હોય તો તેમની મૂવમેન્ટ ઓછી કરવાને બદલે તમે તેમને બૅલૅન્સ સંબંધિત એક્સરસાઇઝ કરાવડાવો. એનાથી ઘણો ફરક પડશે. જો તેમને ભુલાઈ જતું હોય તો બ્રેઇન ગેમ્સ કે મેમરી ગેમ્સ રમાડો. એ જરૂરી છે. મગજ બુઠ્ઠું થઈ ગયું કારણ કે ઉંમર થઈ છે એમ અપનાવી લેવું જ ખોટું છે. એને સતર્ક કરી શકાય છે. એ માટે પ્રયત્નો જરૂરી છે. એ વડીલ જીવશે ત્યાં સુધી કામ લાગશે.’
આ લક્ષણો હોય તો વડીલોને જવાબદારી આપો
કઈ રીતે ખબર પડે કે વડીલોના મગજની ક્ષમતા ઓછી થઈ રહી છે. એનાં શરૂઆતી લક્ષણો આવાં કંઈક હોય છે:
મેમરી પ્રૉબ્લેમ : આજે મેં જમવામાં શું ખાધું હતું એ યાદ ન હોય.
નિર્ણયશક્તિ : લીલા રંગની સાડી પહેરું કે લાલ, ખબર નથી પડતી.
આત્મવિશ્વાસનો અભાવ : મને નથી લાગતું કે મારાથી થશે.
સેન્સ ઑફ પર્પઝનો અભાવ : એટલે કે જીવનમાં કશું કરવું નથી. આવી વ્યક્તિઓ સવારે ઊઠીને એકદમ શૂન્યમનસ્ક લાગે કે ખબર નહીં હું શું કરું.
આવાં ચિહ્નો દેખાય ત્યારે તેમની પાસેથી કામ લઈ લેવાને બદલે તેમને જવાબદારી આપવી. તેમને શારીરિક અને માનસિક રીતે ઍક્ટિવ કરવા જરૂરી છે. એટલું જ નહીં, તેમને લોકોની વચ્ચે રાખવા જરૂરી છે. કોઈ પણ સિનિયર સિટિઝન ક્લબમાં તેમને જોડો. તેમના જીવનનો હેતુ હોવો જરૂરી છે. જો એક સંતાન તરીકે તમને લાગે કે એ છે નહીં તો તમે એ હેતુ ઊભો કરો. જેમને જીવનમાં કંઈ કરવું છે એ લોકો જ લાંબું અને સ્વસ્થ જીવે છે. જેમની પાસે હેતુ નથી તે વ્યક્તિ લાંબું જીવી નથી શકતી.