સવારના નાસ્તામાં તમે તો આ ભૂલો નથી કરતાને?

19 June, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારું મૉર્નિંગ રૂટીન તમારા પેટની હેલ્થ કેવી રહેશે એ નક્કી કરે છે. ખાલી પેટે જે હાથમાં આવે એ ખાવા કરતાં કયાં પીણાં અને નાસ્તો બેસ્ટ છે અને કઈ વસ્તુઓ હાનિકારક છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

હેક્ટિક લાઇફસ્ટાઇલના યુગમાં હેલ્થ પ્રત્યે સભાનતા તો આવી છે, પણ ઘણી વાર અધૂરી માહિતીને કારણે ભૂલો થઈ જાય છે. સવારે રાજા જેવો નાસ્તો કરવો જોઈએ એ વાત તો સાચી છે, પણ આંખ ખૂલતાંની સાથે શરીર સાત-આઠ કલાકના ફાસ્ટિંગ મોડમાંથી બહાર આવે ત્યારે પેટ એકદમ ખાલી અને સંવેદનશીલ હોય છે. સવારે પેટમાં જે પણ પહેલી ચીજ નાખો છો એને આપણું મેટાબોલિઝમ સ્પન્જની જેમ ફટાફટ શોષી લે છે. એટલે જ સવારનો પહેલો ઘૂંટડો કે કોળિયો અમૃત સમાન હોવો જોઈએ, ઝેર સમાન નહીં.

કરો હેલ્ધી શરૂઆત

સવારનાં પીણાં અને નાસ્તો એવાં હોવાં જોઈએ જે શરીરને પૂરતી ઊર્જા આપે, પાચનતંત્રને ઍક્ટિવ કરે અને પેટમાં ઍસિડનું લેવલ સંતુલિત રાખે. સવારે ઊઠીને સૌથી પહેલાં એકથી બે ગ્લાસ નવશેકું પાણી પીવું એ શરીરનાં ટૉક્સિન્સ બહાર કાઢવાનો સૌથી સસ્તો અને ઉત્તમ ઇલાજ છે. રાત્રે પલાળેલા જીરુંનું કે વરિયાળીનું પાણી સવારે ઉકાળીને પીવાથી ગૅસ અને બ્લોટિંગની સમસ્યા કાયમ માટે ગાયબ થઈ જાય છે. તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે તમારી લાઇફસ્ટાઇલ મુજબ આમાંથી કોઈ પણ બેસ્ટ મૉર્નિંગ ડ્રિન્ક પસંદ કરી શકો છો.

ભૂલથી પણ ન કરો આ ભૂલ

ઘણી વાર આપણે જેને સ્વાદિષ્ટ કે એનર્જી આપનારું સમજીએ છીએ એ વાસ્તવમાં ખાલી પેટે ખાવાથી શરીરને ભારે નુકસાન પહોંચાડી શકે છે. મોટા ભાગના લોકોની સવાર ચા કે કૉફી વિના નથી પડતી, પરંતુ ખાલી પેટે કૅફીન લેવાથી એ ઍસિડિટી, છાતીમાં બળતરા અને અલ્સરનું કારણ બની શકે છે. ઘણા લોકો સવારે રેડીમેડ ફ્રૂટ-જૂસ પીવાનો આગ્રહ રાખતા હોય છે, પણ એમાં માત્ર સાકર અને પ્રિઝર્વેટિવ્સ જ હોય છે. એ ખાલી પેટે લેવાથી બ્લડ-શુગરનું લેવલ અચાનક સ્પાઇક થાય છે. સવારે કોલ્ડ-ડ્રિન્ક્સ તો બિલકુલ લેવાં જોઈએ નહીં. એ પેટના સ્વાસ્થ્યના સૌથી મોટાં દુશ્મન છે.

આ નાસ્તા છે ડેન્જરસ

સવારે ગરમાગરમ ગાંઠિયા, જલેબી, સમોસા કે પરાઠા ખાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે; પણ ખાલી પેટે આટલું હેવી તેલ અને મસાલા લિવર પર લોડ વધારે છે અને આખો દિવસ શરીરમાં આળસ લાવે છે. સવારે ખાલી પેટે સંતરા, મોસંબી, લીંબુ કે દ્રાક્ષ જેવાં ખાટાં ફળો પણ ન ખાવાં જોઈએ કારણ કે એમાં રહેલું ઍસિડ પેટમાં બળતરા પેદા કરી શકે છે. બિસ્કિટ, ટોસ્ટ કે બ્રેડમાં મેંદો હોય છે જે ખાલી પેટે પેટમાં ગૅસ ભરી દે છે અને પાચનક્રિયાને ધીમી પાડે છે.

સવારનો નિયમ એકદમ સિમ્પલ છે. પહેલાં શરીરને હાઇડ્રેટ કરો, પછી ડ્રાયફ્રૂટ્સથી પ્રૉપર ન્યુટ્રિશન આપો અને છેલ્લે પ્રોટીન-ફાઇબરયુક્ત હેલ્ધી નાસ્તો કરો. જો ચા-કૉફી પીવી જ હોય તો નાસ્તો કર્યાના અડધા કલાક પછી જ એનો આગ્રહ રાખો.

સુપરહિટ નાસ્તો

ખાલી પેટે પાંચથી ૬ પલાળેલી બદામ અને અખરોટ ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. આ ઉપરાંત તમે પૌંઆ, ઉપમા અથવા ઇડલી જેવો લાઇટ નાસ્તો કરી શકો છો, જે સવાર માટે બેસ્ટ ઑપ્શન છે. એ પચવામાં હળવો હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જો તમે વજન ઉતારવા માટે કોઈ ચોક્કસ ડાયટ ફૉલો કરતા હો તો ફાઇબરથી ભરપૂર ઓટ્સ કે દલિયા ખાઈ શકો છો. આનાથી કૉલેસ્ટરોલ અને વજન બન્ને કન્ટ્રોલમાં રહેશે.

healthy living health tips life and style lifestyle news columnists