બેસીને ઊભા થવા જતાં હું ફસડાઈ પડું છું, શું કરું?

18 May, 2022 12:07 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

આખો દિવસ ઘરમાં એસીની ઠંડકમાં રહું છું, પરંતુ કાલે સાંજે પાર્કમાં ગયો હતો અને બેન્ચ પર બેઠા પછી ઘરે જવા ઊઠ્યો ત્યારે લગભગ ફસડાઈ જ પડ્યો. મને ખબર જ ન પડી કે શું થયું.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૨ વર્ષ છે અને મને હાલમાં જ હાઈ બ્લડ-પ્રેશરનું નિદાન થયું છે. બીટા બ્લૉકર મેડિસિન લેવાનું મેં બે અઠવાડિયાંથી શરૂ કર્યું છે. ત્રણ દિવસ પહેલાં હું જમીને ઊભો થવા ગયો ત્યારે મને એકદમ ચક્કર અવી ગયાં. મને થયું કે હમણાં ગરમી છે એટલે કદાચ એવું થયું હશે. એ પછી પાણી વ્યવસ્થિત પીવા લાગ્યો અને ગરમીમાં તો બહાર પણ નીકળતો નથી. આખો દિવસ ઘરમાં એસીની ઠંડકમાં રહું છું, પરંતુ કાલે સાંજે પાર્કમાં ગયો હતો અને બેન્ચ પર બેઠા પછી ઘરે જવા ઊઠ્યો ત્યારે લગભગ ફસડાઈ જ પડ્યો. મને ખબર જ ન પડી કે શું થયું.

તમે બેઠા હો અને ઊભા થવા જાઓ તો ક્યારેક ચક્કર આવી જાય એ એકાદ વાર થાય તો એને સામાન્ય ઘટના ગણી શકાય, પરંતુ ફરી-ફરીને થાય તો એ ચિંતાનું કારણ છે. તમારાં લક્ષણો જોતાં કહી શકાય કે તમને કદાચ પોશ્ચરલ હાઇપોટેન્શન હોઈ શકે છે, જેમાં વ્યક્તિ બેસીને ઊઠવા જાય ત્યારે તેને ચક્કર આવે અથવા તે પડી જાય એવું બનતું હોય છે. તમને જે હાલમાં હાયપરટેન્શનનું નિદાન થયું છે અને તમે જે દવા-બીટા બ્લૉકર લઈ રહ્યા છો એ કદાચ એનું કારણ હોઈ શકે છે. આ દવા હાઇપરટેન્શનની અત્યંત સામાન્ય દવા છે અને અસરકારક પણ છે, પરંતુ ઘણા લોકોને આ દવાથી પોશ્ચરલ હાઇપોટેન્શન થઈ શકે છે. 
હાઇપોટેન્શન એટલે બ્લડ-પ્રેશરનું ઘટવું. સામાન્ય રીતે મોટી ઉંમરે બેઠા હો અને અચાનક ઊભા થાઓ ત્યારે આ સમસ્યા થઈ શકે છે. આ એક એવું લક્ષણ છે જેની પાછળ આમ તો ઘણી જુદી-જુદી તકલીફ હોઈ શકે છે. તમારે તરત તમારા ડૉક્ટરને મળીને ચેક-અપ કરાવવું જરૂરી છે, જેમાં ડૉક્ટર સૂતાં-સૂતાં, બેઠાં-બેઠાં અને ઊભાં-ઊભાં એમ ત્રણેય પોઝિશનમાં તમારું બ્લડ-પ્રેશર ચેક કરશે, જેના દ્વારા તેમને સમજાશે કે શું તકલીફ છે. જો તમારું ઉપરનું પ્રેશર ૨૦ આંક અને નીચેનું પ્રેશર ૧૦ આંક જેટલું પણ ૩ મિનિટની અંદર ઘટી જાય તો તમને હાઇપોટેન્શન છે એટલે કે બ્લડ-પ્રેશર એકદમ નીચે જવાની સમસ્યા છે. આ સમસ્યા તમારી દવાને લીધે છે કે નહીં એ દવા બદલીને જાણી શકાય છે. તમે જાતે પણ આ ટેસ્ટ કરી શકો છો, પરંતુ જાતે કરવાની જરૂર નથી. એના કરતાં ડૉક્ટરને જ બતાવો, કારણ કે જો દવા બદલવી પડી તો તે તમને તપાસીને બદલી આપશે.

health tips columnists