16 June, 2026 12:36 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ અશ્વગંધાનાં પાન કે એનો અર્ક વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રોડક્ટ્સ બનાવવા માટે હવે ફક્ત અશ્વગંધાનાં મૂળ અથવા એનો અર્ક જ ઉપયોગમાં લઈ શકાશે. FSSAIનું કહેવું છે અશ્વગંધાના મૂળ ઉપયોગ સુરક્ષિત હોવાનો લાંબો ઇતિહાસ છે, પણ તેનાં પાન આ મંજૂર કરેલી યાદીમાં નથી. એટલે મૅન્યુફૅક્ચરર્સને પ્રોડક્ટ બનાવવાની ફૉર્મ્યુલામાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયે પણ અગાઉ અશ્વગંધાનાં પાનના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સાયન્ટિફિક સ્ટડીઝ દર્શાવે છે કે અશ્વગંધાનાં પાનમાં વિથાફેરીન-એ જેવાં વિથનોઇડ્સ એટલે કે એક પ્રકારનાં સ્ટેરૉઇડ્સનું પ્રમાણ સારીએવી માત્રામાં હોય છે. આ તત્ત્વો લિવરને નુકસાન પહોંચાડી શકે છે અને પેટની ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. કેટલાંક રિસર્ચ એવું પણ કહે છે કે પાનના અર્કની મગજ અને ચેતાતંત્ર પર અસર થઈ શકે છે.
આયુર્વેદમાં ઔષધ તરીકે અશ્વગંધાનો ઉપયોગ અનેક રીતે થતો આવ્યો છે. જોકે આ વનસ્પતિના કયા અંગનો ઉપયોગ કરવો એ બાબતે તાજેતરમાં જે સ્પષ્ટતા આવી છે એ વિશે વાત કરતાં આયુર્વેદાચાર્ય ડૉ. નિયતિ ચિતલિયા કહે છે, ‘આયુર્વેદમાં ઉપયુક્ત અંગનો સીધો અર્થ થાય છે કોઈ પણ ઔષધીય વનસ્પતિનો ઉપયોગી ભાગ. એક જ છોડનાં મૂળ, છાલ, પાન, ફૂલ કે ફળ આ બધાંની મેડિસિનલ પ્રૉપર્ટીઝ તદ્દન અલગ-અલગ હોઈ શકે છે. આ જ કારણે વનસ્પતિના કયા ઉપયુક્ત અંગનો ઉપયોગ કરવાનો છે એની સાચી ઓળખ હોવી ખૂબ જરૂરી છે, જેથી બોડીને એનો મેક્સિમમ હેલ્થ બેનિફિટ મળી શકે. આયુર્વેદ અનુસાર અશ્વગંધાનું મૂળ જ એનું મુખ્ય ઉપયુક્ત અંગ છે. લોકો એવું માને છે કે ઐષધીય વનસ્પતિ છે તો એનો આખો છોડ ફાયદાકારક જ હશે. એની કોઈ આડઅસર નહીં થાય. જોકે, એવું જરાય નથી. દરેક છોડના અલગ-અલગ ભાગમાં રાસાયણિક તત્ત્વોનું પ્રમાણ અલગ-અલગ હોય છે. જો ખોટો ભાગ વાપરવામાં આવે તો તો એનો કોઈ ફાયદો થતો નથી અથવા તો એ શરીરને નુકસાન પહોંચાડે છે. બહુ ઓછી વનસ્પતિઓ એવી છે જેનાં બધાં જ અંગો ઉપયોગમાં લઈ શકાય છે, જેમ કે કડવો લીમડો. એનાં મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ બધું ઉપયોગી હોય. આયુર્વેદમાં આ વનસ્પતિ-છોડના સમૂહને પંચાંગ કહેવામાં આવે છે. આયુર્વેદિક ડૉક્ટર્સને વનસ્પતિના કયા ભાગો વાપરવા, એના ગુણધર્મો, એનાથી થતાં ફાયદા-નુકસાન વિશે દ્રવ્યગુણ વિજ્ઞાનમાં ભણાવવામાં આવે છે’
આયુર્વેદના ભાવપ્રકાશ નિઘંટુ ગ્રંથમાં ઔષધીય દ્રવ્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. આ ગ્રંથ પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાનનો ખજાનો છે અને આયુર્વેદના નિષ્ણાતો માટે ગીતા સમાન છે. ડૉ. નિયતિ ચિતલિયા કહે છે, ‘આજકાલ સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો સોશ્યલ મીડિયા પર કોઈ વીડિયો કે વેલનેસ પ્રોડક્ટની જાહેરાત જોઈને તરત જ એને ખરીદીને ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. માનસિક તનાવ, વજન ઘટાડવા કે સારી ઊંઘ માટે લોકો આજે હર્બલ મેડિસિન્સનો ખૂબ જ છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. લોકોના મનમાં એક બહુ મોટી ગેરમાન્યતા ઘર કરી ગઈ છે કે પ્રોડક્ટ હર્બલ કે નૅચરલ છે એટલે એની કોઈ સાઇડ ઇફેક્ટ નહીં જ હોય, પણ એવું બિલકુલ નથી. જેમ ખોટી ઍલોપથી દવા નુકસાન કરે છે, તેમ વનસ્પતિના ખોટા ભાગમાંથી બનેલી, ખોટી માત્રામાં કે તમારી પ્રકૃતિને સૂટ ન થતી હર્બલ દવા પણ તમારા લિવર, કિડની અને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એટલે કોઈ પણ હર્બલ કે આયુર્વેદિક દવાનું સેવન શરૂ કરતાં પહેલાં હંમેશાં એક ક્વૉલિફાઇડ આયુર્વેદિક ડૉક્ટરનું કન્સલ્ટેશન લેવું અનિવાર્ય છે.’
આયુર્વેદ વનસ્પતિના દરેક ભાગને એક ચોક્કસ ટાર્ગેટેડ મેડિસિનની જેમ ટ્રીટ કરે છે એમ જણાવતાં આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડૉ. જૈના પટવા કહે છે, ‘નૅચરલ છે એટલે ૧૦૦ ટકા સેફ જ હશે એ માર્કેટિંગના જમાનાની સૌથી મોટી ગેરમાન્યતા છે. અશ્વગંધાના કેસમાં પણ એવું જ છે. એનાં પાંદડાં માત્ર એક્સટર્નલ યુઝ માટે જ બનેલાં છે, એટલે કે તેને વાટીને સ્કિન પર કોઈ ઘા કે સોજો હોય ત્યાં લગાવી શકાય. જો તમે અશ્વગંધાનાં પાન સીધાં ખાવાનું શરૂ કરી દો, તો એ પેટમાં સખત બળતરા પેદા કરશે અને લિવર પર ઓવરલોડ વધારશે, કારણ કે પાનની અંદર બહુ જ તીક્ષ્ય અને કોષો પર સીધો અટૅક કરનારાં દ્રવ્યો હોય છે. વેલનેસનું અસલી મૅજિક અશ્વગંધાના મૂળમાં જ છે. અશ્વગંધાની ડ્રાય કૅપ્સ્યુલને ઠંડા પાણી સાથે ગટગટાવવાની ભૂલ ક્યારેય ન કરવી. એના બદલે મૂળના પાઉડરને નવશેકા દૂધમાં ઉકાળીને અથવા થોડા ઘી સાથે મિક્સ કરીને લો. દૂધ-ઘીમાં રહેલી હેલ્ધી ફૅટ્સ આ જડીબુટ્ટીનાં કમ્પાઉન્ડ્સને અનલૉક કરે છે, જેથી શરીર એને સરળતાથી શોષી શકે. આયુર્વેદને આ લેવલનું રિસ્પેક્ટ આપશો, તો તમારું ગટ (પેટ), લિવર અને કિડની હંમેશાં સુપર સેફ રહેશે.’
આના ફાયદાઓ વિશે વાત કરતાં ડૉ. જૈના પટવા કહે છે, ‘અશ્વગંધા શરીરમાં સ્ટ્રેસ હૉર્મોનનું સ્તર ઘટાડે છે. એ મગજને શાંત કરે છે, જેથી સતત ચાલતા વિચારો અટકે છે અને ગાઢ ઊંઘ આવે છે. સ્ટેમિના વધારવામાં, સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને કસરત પછી શરીરને ઝડપથી રિકવર થવામાં પણ અશ્વગંધા મદદ કરે છે. એ માનસિક થાક દૂર કરીને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે છે અને યાદશક્તિને તેજ બનાવે છે. અશ્વગંધાના સેવનથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને શરીરમાં એનર્જી ક્રેશ થતી નથી. એ શરીરમાં સોજો વધારતાં તત્ત્વોનું પ્રમાણ ઘટાડે છે, જેથી સાંધાના અને શરીરના અન્ય દુખાવામાં રાહત મળે છે. અશ્વગંધા ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન, સ્પર્મ કાઉન્ટ અને એકંદર પ્રજનનક્ષમતા વધારવામાં મદદરૂપ છે. સાથે જ એ થાઇરૉઈડના કાર્યને સપોર્ટ કરે છે અને મહિલાઓમાં થતા હૉર્મોનલ બદલાવોને સંતુલિત રાખે છે.’
અશ્વગંધાનાં પાન હાનિકારક હોવા છતાં મૅન્યુફૅક્ચરર્સ દ્વારા કૅપ્સ્યૂલ, જ્યૂસ, પાઉડરમાં એના ઉપયોગ પાછળ મલ્ટિપલ ફૅક્ટર્સ છે. અશ્વગંધાના છોડમાં મૂળ મેળવવા માટે ખેડૂતોએ આખો છોડ જમીનમાંથી ઉખેડવો પડે છે, મૂળને સાફ કરવાં પડે છે અને એને સૂકવવામાં ઘણો સમય અને ખર્ચ થાય છે. બીજી તરફ પાન મેળવવા માટે આખો છોડ જમીનમાંથી ઉખેડવો પડતો નથી, જ્યારે પાંદડાંને છોડનો નાશ કર્યા વિના વારંવાર તોડી શકાય છે. એટલે બજારમાં મૂળની સરખામણીમાં પાનનો ભાવ ખૂબ જ ઓછો હોય છે. પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા કંપનીઓ આ શૉર્ટકટ અપનાવતી હોય છે. જેમ આપણે દૂધ ખરીદતી વખતે જોઈએ છીએ કે જેમાં ફૅટ વધારે એ દૂધ સારું, અથવા મોબાઇલ ખરીદતી વખતે જેમાં કૅમેરાના મેગાપિક્સલ વધારે એ સારો. બરાબર એવી જ રીતે કંપનીઓએ ગ્રાહકોના મગજમાં એવું ઠસાવી દીધું છે કે, જે અશ્વગંધામાં વિથનોલાઇડ્સની ટકાવારી જેટલી વધારે એ અશ્વગંધા એટલી જ શક્તિશાળી અને પ્રીમિયમ છે. વિથનોલાઇડ્સની ટકાવારી વધારવા માટે કંપનીઓ અશ્વગંધાના મૂળને બદલે પાનનો વધુ ઉપયોગ કરે છે. જોકે, પાનમાં અને મૂળમાં જે વિથનોલાઇડ્સ હોય એ બંનેનું રસાયણિક બંધારણ અલગ હોય છે. એટલે પાન કરતાં મૂળનો ઉપયોગ વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
તમે અશ્વગંધા બેઝ્ડ પ્રોડક્ટ્સની ખરીદી કરો ત્યારે ખાસ ઇન્ગ્રિડિયન્ટ લિસ્ટમાં જઈને ચેક કરો. જો એમાં અશ્વગંધા રૂટ એક્સટ્રેક્ટ અથવા રૂટ પાઉડર લખેલું હોય તો જ એ પ્રોડક્ટ ખરીદો. જો તેમાં લીફ એક્સટ્રેક્ટ, હોલ પ્લાન્ટ (આખો છોડ) અથવા વધુ સ્પષ્ટતા કર્યા વગર માત્ર અશ્વગંધા લખ્યું હોય તો એ પ્રોડક્ટને લેવાનું ટાળો.