26 November, 2025 01:09 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર
કેટકેટલા બનાવો આપણા જીવનમાં આવે છે જ્યારે આપણે પેઇન એટલે કે દર્દનો સામનો કરવો પડે છે. જીવન જ એવું થઈ ગયું છે કે શરીર પાસેથી આપણે જરૂર કરતાં વધુ કામ લેતા થઈ ગયા છીએ અને એને જેટલો આરામ મળવો જોઈએ એટલો આપતા નથી એટલે શરીરમાં સાંધા હોય કે સ્નાયુઓ કે પછી હાડકાં હોય એમાં દુખાવો સતત રહ્યા જ કરે છે. વળી આ સમય એવો છે જ્યારે સહનશીલતા ઘણી ઘટી ગઈ છે. થોડીક નાનકડી તકલીફ પણ લોકો સહન કરવા તૈયાર નથી હોતા. માનસિકતામાં એટલો બદલાવ આવ્યો છે કે સહન કરવું લોકોને કારણ વગરનું લાગે છે. શા માટે કોઈ પણ જાતનું પેઇન સહન કરવું જ જોઈએ એ માનસિકતા લોકોમાં ઘર કરી ગઈ છે જેને કારણે સામાન્ય જનતામાં પેઇનકિલર્સનો ઉપયોગ વધ્યો છે.
આમ સમજીએ તો એકાદ ગોળી ૨-૩ મહિને એક વાર ખાઈ લીધી તો એમાં ખાસ નુકસાન થતું નથી, પરંતુ સમજવાની વાત એ છે કે જ્યારે વ્યક્તિ નાની-નાની વસ્તુઓમાં ગોળીઓ લેવા માંડે છે એને લાગે છે કે ગોળી લેવામાં કોઈ જ વાંધો નથી અને પછી ધીમે-ધીમે એ વધુ પ્રમાણમાં ગોળીઓ લેવા લાગે છે. પેઇનકિલર્સ કિડની પર ઘણી અસર કરે છે. અમારી પાસે મહિને એક દરદી એવો આવે છે જેની કિડની પર વધુપડતી પેઇનકિલર્સ ખાવાને કારણે અસર થઈ હોય અને રિપોર્ટમાં ક્રીઆટનીનમાં ગરબડ આવી હોય. આ સિવાય વ્યક્તિને વધુપડતી પેઇનકિલર્સ ખાવાને કારણે પેટની લાઇનિંગ પર અસર થાય છે અને ગૅસ્ટિક અલ્સર થવાની શક્યતા વધુ રહે છે. એનાં શરૂઆતી લક્ષણોમાં ઍસિડિટી વધી જાય છે. પેટમાં દુખાવો થાય છે. વધુપડતી પેઇનકિલર્સ ખાવાને લીધે શરીર પર આ દવાની અસર ઘટતી જાય છે. જેમ કે પહેલાં એક દવા ખાવાને લીધે જે બધું મટી જતું હતું એ ધીમે-ધીમે બે દવા ખાવા છતાં મટતું નથી. આમ દવાઓ વધુ ને વધુ લેવી પડતી જાય છે અને એને કારણે નુકસાન વધુ થતું જાય છે. જો કોઈ દરદીને હાર્ટની તકલીફ હોય કે બ્લડ-પ્રેશરની તકલીફ હોય તો એને બ્લડથિનરની મેડિસિન આપવામાં આવતી હોય છે જે દવા લોહીને પાતળું રાખે છે. આ દવાઓમાં મુખત્વે ઍસ્પિરિન કે વોર્ફ્રીન હોય છે. હવે જ્યારે આ દવાઓ લેતી વ્યક્તિ પેઇનકિલર ખાય છે ત્યારે પેઇનકિલર પોતે પણ લોહીને પાતળું બનાવે છે. આમ લોહીને પાતળું બનાવવાની દવાનો ઓવરડોઝ થઈ જતો હોય છે. આવી વ્યક્તિએ તો ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારેય પેઇનકિલર ખાવી ન જ જોઈએ. નહીંતર તેમનું નુકસાન ખૂબ વધી જઈ શકે છે.