સૂતાં પહેલાં બે ટીપાં ઘીનાં બન્ને નસકોરાંમાં નાખો

24 April, 2026 07:07 PM IST  |  Mumbai | Heena Patel

રાત્રે ઘસઘસાટ ઊંઘ લાવવાનો આ દેશી નુસખો સ્ક્રીનરાઇટર અને ટીવી-હોસ્ટ હર્ષ લિમ્બાચિયાએ થોડા દિવસ પહેલાં જ શૅર કર્યો હતો, જે આયુર્વેદમાં નસ્ય ક્રિયા તરીકે ઓળખાય છે અને એના અઢળક ફાયદા છે...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

આજના સમયમાં ઊંઘ ન આવવી એ માત્ર એક સામાન્ય ફરિયાદ નથી પણ ગંભીર લાઇફસ્ટાઇલ સમસ્યા બની ગઈ છે. ભાગદોડભર્યા જીવનમાં માનસિક તનાવ; મોબાઇલ, લૅપટૉપ, ટીવીનો વધુપડતો ઉપયોગ; ખરાબ ખાનપાન; અનિયિમત દિનચર્યા જેવાં અનેક કારણોસર શાંતિની ઊંઘ જાણે લક્ઝરી બની ગઈ છે. હજી થોડા દિવસ પહેલાં જ સ્ક્રીનરાઇટર અને ટીવી-હોસ્ટ તેમ જ કૉમેડિયન ભારતી સિંહના હસબન્ડ હર્ષ લિમ્બાચિયાએ કહ્યું હતું કે નાકમાં ઘીનાં બે ટીપાં નાખવાથી સારી ઊંઘ આવે છે. હર્ષે જે ઘરગથ્થુ નુસખાની વાત કરી એ વાસ્તવમાં આયુર્વેદનું હજારો વર્ષ જૂનું વિજ્ઞાન છે જેને નસ્ય ક્રિયા કહેવામાં આવે છે. આજના સમયમાં જ્યારે લોકો ઊંઘ માટે ગોળીઓ લેતાં અચકાતાં નથી ત્યારે શું ખરેખર ઘીનાં બે ટીપાં જાદુ કરી શકે? આ વિશે ૧૯ વર્ષનો અનુભવ ધરાવતાં આયુર્વેદ એક્સપર્ટ ડૉ. શ્વેતાબા જાડેજા સાથે વાત કરીએ.

નસ્ય ક્રિયા શું છે? 
આયુર્વેદિક ચિકિત્સા-પદ્ધતિમાં પંચકર્મનું વિશેષ મહત્ત્વ છે અને ‘નસ્ય’ એ આ પંચકર્મનો એક અત્યંત પ્રભાવશાળી ભાગ છે. ટેક્નિકલ દૃષ્ટિએ જોઈએ તો ગરદનથી ઉપરનાં અંગોમાં થતા રોગો માટે નસ્ય સર્વોત્તમ સારવાર છે. આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત છે કે નાક એ મગજ સુધી પહોંચવાનો સીધો માર્ગ છે. જેમ કોઈ મકાનમાં પ્રવેશવા માટે મુખ્ય દ્વારનો ઉપયોગ થાય છે એમ મગજ, આંખ, કાન અને ગળાના વિકારોને દૂર કરવા માટે નાક દ્વારા અપાતી દવા સીધી અસર કરે છે. આ પ્રક્રિયાને ઊર્ધ્વજત્રુગત ચિકિત્સા (ગરદનથી ઉપરના ભાગની સારવાર) કહેવામાં આવે છે. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા બધાનું નિયંત્રણ મગજમાં રહે છે. નસ્ય ક્રિયામાં જ્યારે નાકમાં ઔષધી, ઘી અથવા તેલ નાખવામાં આવે છે ત્યારે એ મગજના એ ભાગોને સક્રિય કરે છે જે આ બધાં સેન્સરી ઑર્ગન્સ સાથે જોડાયેલાં હોય છે. આજના સમયમાં વધતું પ્રદૂષણ, સ્ટ્રેસ અને બ્લુ લાઇટના સંપર્કને કારણે આપણાં મગજ, આંખ, નાક જેવાં અંગો જલદી થાકી જાય છે. નસ્ય ક્રિયા આ અંગોને લુબ્રિકેશન પૂરું પાડે છે, નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને આધુનિક ભાષામાં કહીએ તો મગજને રીબૂટ કરવાનું કામ કરે છે.

ફાયદો શું થાય?
જ્યારે ઘીનો ઉપયોગ નાકમાં નાખવા માટે થાય છે ત્યારે એને સ્નેહનસ્ય કહેવામાં આવે છે. સ્નેહન એટલે લુબ્રિકેશન. ઘી નાકની નસો અને મગજમાં લુબ્રિકેશન પહોંચાડે છે. મુખ્યત્વે નસ્ય બે રીતે કરી શકાય છે. એક તો મર્શનસ્ય, જેમાં કોઈ ખાસ બીમારીને દૂર કરવા માટે મેડિકેટેડ ઘીનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં ઘીનાં ટીપાંની માત્રા વધુ હોય છે તેથી એ હંમેશાં નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ. બીજું છે પ્રતિમર્શ નસ્ય, જે આપણે ઘરે કરી શકીએ છીએ. આમાં માત્ર શુદ્ધ દેશી ગાયના ઘીનો ઉપયોગ હિતાવહ છે. પ્રતિમર્શ નસ્યના ફાયદાઓની વાત કરીએ તો સારી ઊંઘ લાવે છે, આંખોની દૃષ્ટિ સુધારે છે, યાદશક્તિ વધારે છે, ફોકસ સુધારે છે. કાનમાં દુખાવાની કે અવાજ આવવાની સમસ્યા હોય, શ્વાસ સંબંધિત સમસ્યા હોય, હેર લૉસની સમસ્યા હોય, માનસિક તનાવ હોય, માથાનો દુખાવો હોય, ગરદન અને ખભાનો દુખાવો હોય તો એમાં રાહત આપવાનું કામ કરે છે.

નસ્ય ક્રિયા કઈ રીતે કરશો?
નસ્ય ક્રિયા માટે પલંગ પર ચત્તા સૂઈ જઈને માથું બેડની કિનારીથી થોડું નીચે તરફ લટકતું રાખવું જોઈએ અથવા તો ગરદનની નીચે ટુવાલનો રોલ બનાવીને રાખવો જેથી માથું પાછળની તરફ નમી શકે. આ સ્થિતિમાં રહેવાથી નાકનાં છિદ્રો પૂરેપૂરાં ખૂલી જાય છે અને ટીપાં સીધાં મગજની નસો સુધી પહોંચી શકે છે. દરેક નસકોરામાં બે-બે ટીપાં ઘી નાખ્યા પછી તરત જ ઊભા ન થઈ જવું જોઈએ. ઘી નાખ્યા પછી લગભગ પાંચથી ૧૦ મિનિટ સુધી એ જ સ્થિતિમાં સૂઈ રહેવું અનિવાર્ય છે, જેથી એ ધીમે-ધીમે ઉપરની નસોમાં પ્રસરી જાય. થોડી વાર પછી જ્યારે એ ઘી ગળામાં ઊતરતું અનુભવાય ત્યારે સમજવું કે આ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે અને એ યોગ્ય સ્થાને પહોંચી ગયું છે. ગળામાં આવેલું આ દ્રવ્ય ગળી જવાને બદલે થૂંકી નાખવું હિતાવહ છે.

ઘી કેવું અને કઈ રીતે વાપરવું?
આયુર્વેદ મુજબ નસ્ય માટે નિત્ય પ્રયોગ હેતુ શુદ્ધ દેશી ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ ગુણમાં સૌમ્ય અને મગજની નસોમાં ઝડપથી ઊતરી શકે એવું હોય છે. જો આ ઘી જૂનું (એક વર્ષ કે એથી વધુ સમયનું) હોય તો વધુ ગુણકારી માનવામાં આવે છે. ઘીને ક્યારેય સીધું ગૅસ પર ગરમ કરીને નાકમાં ન નાખવું જોઈએ. એને વાપરવા માટે એક નાની કાચની શીશીમાં ઘી ભરીને એ શીશીને ગરમ પાણી ભરેલા વાસણમાં થોડી વાર મૂકી રાખવી. આ રીતે ઘી કુદરતી રીતે ઓગળીને હૂંફાળું થશે. આંગળી પર ઘીનું એક ટીપું મૂકીને ચેક કરી લેવું કે એ દાઝે એટલું ગરમ ન હોય. એકદમ ઠંડું કે થીજેલું ઘી નાકમાં નાખવાથી કફ વધી શકે છે, જ્યારે હૂંફાળું ઘી નસોમાં સરળતાથી પ્રસરી શકે છે. દરેક નસકોરામાં માત્ર બે-બે ટીપાં જ નાખવાં જોઈએ, જે નિત્ય પ્રયોગ માટે પૂરતાં છે.

નસ્ય ક્રિયા પછી રાખવાની સાવચેતી
નસ્ય ક્રિયા કર્યા પછી તરત ઠંડું પાણી, અત્યંત શીત કે ઉષ્ણ હવાથી બચવું. તરત વાળ ન ધોવા, મુસાફરી ન કરવી, ક્રોધ ન કરવો અને તરત સૂવું નહીં.

કોણે નસ્ય ક્રિયા કરવાનું ટાળવું?
નસ્ય ક્રિયા અત્યંત ફાયદાકારક હોવા છતાં કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં એને કરવાનું ટાળવું જોઈએ, નહીંતર એનાથી આડઅસર થઈ શકે છે. સૌથી પહેલાં તો જેમને તીવ્ર તાવ હોય અથવા જેઓ તાજી શરદી અને કફથી પીડાતા હોય તેમણે નસ્ય ન કરવું જોઈએ, કારણ કે આવા સમયે નાકમાં ઘી નાખવાથી કફ વધુ જકડાઈ શકે છે. આ ઉપરાંત ભોજન કર્યાના તરત બાદ ક્યારેય નસ્ય ન કરવું. જમ્યા પછી ઓછામાં ઓછા બેથી ત્રણ કલાકની રાહ જોવી જોઈએ. જો તમે દારૂ કે અન્ય કોઈ નશો કર્યો હોય અથવા જેમને ખૂબ જ તરસ કે ભૂખ લાગી હોય તેમણે પણ આ ક્રિયા ટાળવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ અને માસિક ધર્મ દરમ્યાન સ્ત્રીઓએ નિષ્ણાતની સલાહ વગર નસ્ય ન કરવું હિતાવહ છે. ખૂબ નાનાં બાળકો (૭ વર્ષથી નીચેનાં) અને અત્યંત વૃદ્ધ વ્યક્તિઓ (૮૦ વર્ષથી ઉપરની)ની ત્વચા અને નસો નાજુક હોવાથી તેમણે પણ સાવચેતી રાખવાની જરૂર હોય છે. છેલ્લે જેમને નાકમાંથી લોહી પડતું હોય (નસકોરી ફૂટવી) કે માથામાં ગંભીર ઈજા થઈ હોય તેમણે ડૉક્ટરના માર્ગદર્શન વગર આ પ્રયોગ ઘરે ન કરવો જોઈએ.

નસ્ય ક્રિયા માટે યોગ્ય સમય?
વાત સંબંધિત સમસ્યા માટે સાંજે : અનિદ્રા, માઇગ્રેન, માનસિક તનાવ, કાનમાં સતત અવાજ આવવો, યાદશક્તિમાં ઘટાડો.
પિત્ત સંબંધિત સમસ્યા માટે બપોરે : અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા, આંખની બળતરા કે ઓછું દેખાવું, ચહેરા પર પિગ્મેન્ટેશન.
કફ સંબંધિત સમસ્યા માટે સવારે : શરદી, સાઇનસ, ગળાના રોગો, નાક બંધ થવું.

 

healthy living mental health health tips life and style lifestyle news