✕

પહેલાં ૯ મ‌હિનાની પ્રેગ્નન્સીમાં જે આસનો કર્યાં એ ૩ મ‌હિનાની દીકરી સાથે ‌રિપીટ કર્યાં

04 October, 2026 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોસ્ટપાર્ટમ યોગ જર્ની વિશે તેણે શું કહ્યું જુઓ.

બૅન્ગલોરની ફિટનેસ-આઇકન શશી પ્રભા દ્વિવેદી હવે ૩ મહિનાની દીકરી સાથે યોગ કરે છે.

૩૯ અઠવાડિયાંની પ્રેગ્નન્સીમાં સાડી પહેરીને ચક્રાસન જેવાં અઘરાં યોગાસનો કરનારી બૅન્ગલોરની ફિટનેસ-આઇકન શશી પ્રભા દ્વિવેદી હવે ૩ મહિનાની દીકરી સાથે યોગ કરે છે. ન્યુ મૉમ્સને સૉલિડ મેસેજ આપતાં તેણે કહ્યું કે ગર્ભાવસ્થા પહેલાં જેવા દેખાતા હતા એવા દેખાવાની રેસમાં દોડવાની જરૂર નથી, બદલાયેલા સ્વરૂપને સ્વીકારો અને શરીરની તાકાત વધારવા પર વધુ ધ્યાન આપો

ફિટનેસ અને મધરહુડની વાત આવે ત્યારે બૅન્ગલોરની યોગ-ટ્રેઇનર શશી પ્રભા દ્વિવેદીનું નામ સૌથી મોખરે આવે છે. થોડા મહિના પહેલાં એટલે કે ગર્ભાવસ્થાના ૩૯મા અઠવાડિયે તેણે નવવારી સાડી પહેરીને ચક્રાસન સહિત કેટલાંક જટિલ યોગાસનો કરી બતાવ્યાં હતાં. તેનાં આ પ્રી-નેટલ યોગાસનો જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. હવે ડિલિવરીના ૩ મહિના બાદ તે ફરી એક વાર ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા લેટેસ્ટ વિડિયોમાં તે દીકરી સાથે પિંચ મયૂરાસન, ભુજંગાસન, પ્લેન્ક જેવાં આસનો સહજતાથી કરતી જોવા મળે છે. જોકે આ ક્યુટ યોગ મૂવમેન્ટ્સની સાથે તેણે સોશ્યલ  મીડિયા પર પર્ફેક્ટ બૉડી ફિગરના દબાણમાં જીવતી ન્યુ મૉમ્સને પ્રેરણાદાયી મેસેજ પણ આપ્યો છે. પોસ્ટપાર્ટમ યોગ જર્ની વિશે તેણે શું કહ્યું જુઓ.

ક્યુટ યોગ પાર્ટનર

શશીએ જૂન મહિનામાં દીકરી રિશાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના ૩ મહિના પછી તેણે યોગ મૅટ પર વાપસી કરી છે. તેનો આ નવો અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે, કારણ કે આ વખતે યોગ મૅટ પર તેની સાથે ક્યુટ પાર્ટનર છે. શશી જ્યારે પોતાના કોર (પેટ)ના સ્નાયુઓની તાકાત વધારવા માટે પ્લેન્ક પોઝિશનમાં આવે છે ત્યારે રિશા તેની બિલકુલ નીચે ચત્તી સૂતી હોય છે. શશી જેટલી વાર પુશ-અપ કરવા માટે નીચે નમે છે એટલી વાર દીકરીના ગાલ પર વહાલથી કિસ કરે છે. તે પોતાની કોણીઓ પર આખું શરીર હવામાં ઊંધું કરીને અત્યંત જટિલ પિંચ મયૂરાસન કે શીર્ષાસન જેવાં ઍડ્વાન્સ આસનો કરે છે ત્યારે પણ તેનું ધ્યાન દીકરી પર જ હોય છે. આ કપરાં આસનોમાં આખા શરીરને હવામાં હોલોબૅક પોઝિશનમાં સંતુલિત રાખીને તે નીચે સૂતેલી દીકરી સામે સતત આઇ-કૉન્ટૅક્ટ મિલાવીને રાખે છે. મમ્મીની આ મૂવમેન્ટ્સ જોઈને રિશા ખિલખિલાટ હસે છે. શશી હવામાં પગની વિવિધ મૂવમેન્ટ્સ (ગરુડાસન પોઝ અથવા પગ પહોળા કરવા) કરે છે એ જોઈને રિશાના ચહેરા પર કુતૂહલ જોવા મળે છે. ડીપ બૅકબૅન્ડ્સ અને વ્હીલ પોઝ ટ્રાન્ઝિશનમાં તે દીકરીને પેટ પર બૅલૅન્સ કરે છે. તેણે જણાવ્યું કે જેમ તે યોગ મૅટ પર ફ્રી મૂવમેન્ટ્સનો આનંદ માણે છે એવી જ રીતે યોગ કરતી વખતે રિશાને ડાયપર-ફ્રી રાખે છે જેથી તે પણ મુક્તપણે પગ હલાવી શકે, સ્ટ્રેચિંગ કરી શકે અને મમ્મીની સાથે કમ્ફર્ટેબલ રહી શકે. ફિટનેસની સાથે મધર-બેબી બૉન્ડિંગનો આ નજારો ખરેખર અદ્ભુત છે. લોકો તેના સમર્પણને સલામ કરી રહ્યા છે.

ન્યુ મૉમ્સને મેસેજ

આજના ગ્લૅમરયુગમાં ડિલિવરી પછી તરત જ વજન ઉતારવા માટે અને જૂના ફિગરમાં પાછા આવવા માટે ન્યુ મૉમ્સ પર મેન્ટલ સ્ટ્રેસ હોય છે. શશીએ ન્યુ મૉમ્સને સરસ મેસેજ પણ આપ્યો છે. તે કહે છે, ‘પ્રેગ્નન્સી દરમ્યાન ઍડ્વાન્સ આસનો કરવાં એ કોઈ ઈગો કે શક્તિપ્રદર્શન નહોતું, પરંતુ શરીર પરનો વર્ષોનો ભરોસો અને કઠોર સાધના હતી. હવે ડિલિવરીના ૩ મહિના પછી પોતાના નવા શરીરને સ્વીકારીને ફરીથી ધીમે-ધીમે સ્ટ્રેન્થ બિલ્ડિંગ તરફ આગળ વધી રહી છું. હું જૂની શશી બનવા નથી માગતી, ગર્ભાવસ્થા પહેલાં જેવું ફિગર બનવાનો પ્રયાસ નથી કરી રહી. બદલાયેલા શરીરમાં રહીને નવી વસ્તુઓ એક્સ્પ્લોર કરી રહી છું અને શરીરની તાકાત વધારી રહી છું. હું સ્તનપાન કરાવતી મૉમ છું. કેટલાંક આસનો સરળતાથી પાછાં થઈ રહ્યાં છે તો કેટલાંક આસનો કરવામાં હજી સમય લાગશે. આ બિલકુલ સામાન્ય બાબત છે. મમ્મી બન્યા પછી ફરીથી ફિટનેસ કે યોગ મૅટ પર પાછા ફરો ત્યારે પોતાની જાત સાથે જબરદસ્તી ન કરો. ફિગર મેળવવાની રેસમાં દોડશો નહીં. જો કેટલાંક આસનો કે મૂવમેન્ટ્સ સરળતાથી ન થતાં હોય તો ઉતાવળ ન કરો, શરીરને પૂરો સમય આપો. મૅટ પરથી સંતુલન ગુમાવવું એ પણ એક જર્ની છે. તમારી નવી સફરને એન્જૉય કરો.’

શશી પ્રભા દ્વિવેદીની આ સફર દરેક મહિલાને શીખવે છે કે માતૃત્વ એ ફિટનેસની આડે આવતો અવરોધ નથી પણ તમારા શરીરને નવા સ્વરૂપે સ્વીકારવાની સુંદર તક છે. ગર્ભાવસ્થા પહેલાં શરીરમાં અખૂટ ઊર્જા હોય છે અને જવાબદારીઓ ઓછી હોય છે, પરંતુ એક જીવને જન્મ આપ્યા બાદ પહેલાં જેવા બનવા શરીર પર દબાણ ન લાવો. સોશ્યલ મીડિયા પર શશીના આ વિડિયો જોઈને ઘણી મહિલાઓ પ્રેરિત થાય છે તો કેટલાક લોકો જોખમ વિશે સવાલ પણ ઉઠાવે છે. શશી પોતે સ્પષ્ટતા કરે છે કે ‘દરેક સ્ત્રીનું શરીર અલગ હોય છે. મારું શરીર વર્ષોથી આ અઘરી પ્રૅક્ટિસ માટે ટ્રેન્ડ હતું અને ડૉક્ટરે પણ મંજૂરી આપી હતી.’

ટ્રેઇનર વગર ન કરવું

શશી પ્રભા પોતે એક પ્રમાણિત યોગ-એક્સપર્ટ છે અને તેનું શરીર વર્ષોથી જટિલ આસનો માટે ટ્રેઇન થયેલું છે. તેની સ્ટોરી ચોક્કસ પ્રેરણાદાયી છે, પરંતુ એક્સપર્ટ અથવા ડૉક્ટરની સલાહ વિના આવાં અઘરાં આસનો ડિલિવરી પછી તરત જ ટ્રાય ન કરવાં જોઈએ. ખાસ કરીને સિઝેરિયન (C-Section) ડિલિવરી થઈ હોય તેવી મૉમ્સે ઓછામાં ઓછાં છથી ૮ અઠવાડિયાંના સંપૂર્ણ આરામ પછી જ હળવાં આસનો કે પ્રાણાયામથી શરૂઆત કરવી હિતાવહ છે. સીધાં જ ઍડ્વાન્સ આસનો કરવાથી ઇન્જરી થઈ શકે છે.

yoga mental health columnists gujarati mid day lifestyle news life and style