13 August, 2026 05:42 PM IST | Mumbai | Jigisha Jain
ડાબોડીઓનો ડાબા હાથનો ખેલ
જ્યાં દુનિયામાં ૯૦ ટકા જમણેરી હોય ત્યાં બહુમતીના આધારે દુનિયા તેઓ પોતાની રીતે જ ડિઝાઇન કરવાના પરંતુ બાકી બચેલા ૧૦ ટકા ડાબોડીઓ માટે તેમનું દૈનિક જીવન પણ ઘણું અઘરું છે. જોકે આ જમણેરી દુનિયા સાથે દરરોજ ડીલ કરતા ડાબેરીઓ આ તકલીફોને કારણે જ જમણેરીઓ કરતાં વધુ શાર્પ બની જતા હોય છે. સ્પોર્ટ્સ કે કલાત્મક કામોમાં તેઓ ઘણી સારી રીતે પર્ફોર્મ કરી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય લેફ્ટહૅન્ડર્સ ડે નિમિત્તે જાણીએ આ ડાબોડીઓના ડાબા હાથના ખેલ વિશે
બરાક ઓબામા, અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર, લિયોનેલ મેસી, મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન આ બધામાં એક વસ્તુ સામાન્ય છે. આ બધા જ મહાનુભાવો ડાબોડી છે. આ દરેક વ્યક્તિ પોતાની રીતે વિશિષ્ટ છે, પણ તેમની વિશેષતામાં ક્યાંક ને ક્યાંક ડાબોડી હોવું પણ સામેલ છે. વિશ્વની કુલ વસ્તીના માત્ર ૧૦ ટકાથી ૧૨ ટકા લોકો ડાબોડી હોય છે. દુનિયાભરમાં અઢળક રિસર્ચ થઈ ચૂક્યાં છે અને ચાલી પણ રહ્યાં છે એ સમજવા માટે કે કેમ અમુક લોકો માટે તેમનો ડાબો હાથ વધુ કામ કરે છે? જોકે એ બાબતે કોઈ થોડા જવાબ હજી સુધી મળ્યા નથી. દર વર્ષે ૧૩ ઑગસ્ટે ‘આંતરરાષ્ટ્રીય લેફ્ટહૅન્ડર્સ ડે’ ઊજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત ૧૯૭૬માં અમેરિકાની આર્મીના એક સમયના કૅપ્ટન રહી ચૂકેલા ડીન આર. કૅમ્પબેલ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ ડાબોડી લોકો માટે જાગરૂકતા ફેલાવવાનો હતો. ડાબોડીઓને પડતી મુશ્કેલીઓ પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે અને ડાબોડી લોકોની અનોખી ક્ષમતાઓને બિરદાવવા આ દિવસની ઉજવણી થાય છે.
ડાબોડી હોવું એટલે કે કોઈ વ્યક્તિ તેનાં મોટા ભાગનાં રોજિંદાં અને મહત્ત્વપૂર્ણ કામો કરવા માટે જમણા હાથને બદલે ડાબા હાથનો પ્રાથમિક ઉપયોગ કરે. જોકે તબીબી અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એને સમજીએ. આપણા શરીરનું નિયંત્રણ મગજ દ્વારા થાય છે, જ્યાં મગજનો ડાબો ભાગ શરીરની જમણી બાજુનું અને મગજનો જમણો ભાગ શરીરની ડાબી બાજુનું નિયંત્રણ કરે છે. ડાબોડી લોકોમાં મગજનો જમણો ભાગ વધુ સક્રિય અને પ્રભાવશાળી હોય છે એટલે ડાબોડી વ્યક્તિ તેના ડાબા હાથથી લખે છે, જમે છે. કોઈ પણ પદાર્થ પકડવા, ઉપાડવા કે ફેંકવા માટે પણ તે ડાબા હાથનો પ્રયોગ કરે છે. ડાબોડી હોવું એ એક એકદમ સામાન્ય છે. આ કોઈ ખોડખાંપણ નથી, આ કોઈ શારીરિક કે માનસિક ક્ષતિ નથી. આમ તો સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન જ બાળકની મગજની રચના મુજબ તે ડાબોડી બનશે કે જમણેરી એ નક્કી થઈ જતું હોય છે, પણ આપણને બાળક જેમ-જેમ મોટું થતું જાય એ રીતે સમજ આવે છે. આજે જાણીએ ડાબોડી લોકો કઈ રીતે ખાસ છે.
વિશ્વની મોટા ભાગની વસ્તુઓ કાતરથી માંડીને કમ્પ્યુટર સુધી, બેન્ચથી લઈને દરવાજાના હૅન્ડલ સુધી, ભાષાને લખવાની રીત (ડાબેથી જમણી બાજુ)થી લઈને કારની ડ્રાઇવિંગ-સીટ સુધી દરેક વસ્તુનું નિર્માણ બહુમતીના આધારે એટલે કે જમણેરી લોકોના કમ્ફર્ટ પ્રમાણે થયું છે જેને કારણે ડાબોડી લોકોનું રોજિંદું જીવન આપણે સહજ રીતે જ મુશ્કેલ બનાવી દીધું છે. હાલમાં પ્રખ્યાત સ્ટૅન્ડ-અપ કૉમેડિયન ઝાકિર ખાને પણ એ જ વાત કરેલી કે નાનપણમાં જ્યારે તેઓ સિતાર શીખતા હતા ત્યારે ડાબા હાથે વગાડી શકાય એવી સિતારનું કોઈ નિર્માણ કરતું જ નહોતું. તો એ વગાડે કઈ રીતે? પરંતુ આ મુશ્કેલીઓને કારણે ડાબોડીઓને ફાયદો પણ થયો છે. આ વિશે વાત કરતાં લેફ્ટહૅન્ડર્સ અસોસિએશન, ઇન્ડિયાના સ્થાપક બિપિનચંદ્ર ચૌગુલે કહે છે, ‘માનવમગજની ખાસિયત એ છે કે એને જેટલી વિકટ પરિસ્થિતિઓ આપો એ એટલું વધુ સારું પર્ફોર્મ કરે છે. એક જમણેરી વ્યક્તિ માટે એક ડાબોડીની સરખામણીમાં દુનિયા સરળ છે. તેનાં રોજિંદાં કામોમાં તે તેના ડાબા મગજનો ઉપયોગ જ વધુ કરે છે, કારણ કે એ સંપૂર્ણ રીતે તેના પર જ નિર્ભર હોય છે. ડાબોડી વ્યક્તિ ઇચ્છે તો પણ એવું નથી કરી શકતી. તેને તેના દરરોજનાં કામ કરવા માટે બ્રેઇનને કેળવવું પડે છે. એ કેળવણી તેને હોશિયાર બનાવે છે. મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે જમણેરી વ્યક્તિનું ડાબું મગજ જેટલું સક્રિય હોય છે એટલું જ જમણું મગજ નિષ્ક્રિય બની જતું હોય છે, પણ ડાબોડી હોય તેનાં બન્ને મગજ પ્રમાણમાં ઍક્ટિવ હોય છે. આમ મુખ્ય ભલે તે પોતાના જમણા મગજ પાસેથી જ કામ લેતું હોય; પણ તેનું ડાબું મગજ તે સાવ નિષ્ક્રિય ન રાખી શકે, કારણ કે તેના દૈનિક જીવનમાં જ ઘણા ટાસ્ક છે જે તેણે આ મગજને ઍક્ટિવ કરીને કરવાનાં છે. આમ કેટલાક લોકોને પર્ફોર્મન્સ-લેવલ પર ડાબોડી લોકો વધુ સ્માર્ટ લાગતા હોય છે, કારણ કે તેઓ બન્ને બાજુના મગજ પાસેથી કામ લે છે. અમુક રિસર્ચ મુજબ ડાબોડી લોકો એકસાથે એકથી વધુ કામો જેને મલ્ટિ-ટાસ્કિંગ કહે છે એ વધુ સરળતાથી સંભાળી શકે છે.’
આમ તો દરેક બાળકને નાનપણથી સ્પોર્ટ્સ શીખવવું જ જોઈએ, પરંતુ જો તમારું બાળક ડાબોડી છે તો તેને સ્પોર્ટ્સમાં મૂકવું વધુ જરૂરી છે જેનું કારણ એ છે કે જમણેરી લોકોની દુનિયામાં ડાબોડી સ્પોર્ટ્સપર્સન બનવાના ઘણા ફાયદા છે એમ સમજાવતાં બિપિનચંદ્ર ચૌગુલે કહે છે, ‘એક ડાબોડી વ્યક્તિને સૌથી વધુ ફાયદો સ્પોર્ટ્સમાં થાય છે. ખાસ કરીને ક્રિકેટ, ટેનિસ, બૅડ્મિન્ટન અને બૉક્સિંગ જેવી રમતોમાં ડાબોડી ખેલાડીઓને વિશેષ ઍડ્વાન્ટેજ મળે છે. એનું કારણ એ છે કે તેમના પ્રતિસ્પર્ધીઓ સામાન્ય રીતે જમણેરી ખેલાડીઓ સામે રમવા ટેવાયેલા હોય છે. અચાનક જ્યારે એક ડાબોડી વ્યક્તિ સામે આવી જાય તો તેમને હરાવવી તેમના માટે અઘરું થઈ જાય છે. વધુ ડાબોડી વ્યક્તિઓ છે નહીં એટલે તેઓ ધારે તો પણ એટલી પ્રૅક્ટિસ ન કરી શકે. બીજું એ કે જમણેરી વ્યક્તિઓ વધુ છે જ એટલે તમને એક ડાબોડી તરીકે જમણેરી પ્લેયર્સ મળી જ રહેવાના. એટલે તમને તો પ્રૅક્ટિસ હોય જ. તમારી સામે ભૂલથી ડાબોડી વ્યક્તિ આવી જાય તો પણ તમને અઘરું ન પડે. એટલે ડાબોડી પ્લેયર્સ ટીમ માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે.’
સામાન્ય રીતે મગજનો જમણો ભાગ સર્જનાત્મક અને કલાત્મક કાર્યો માટે જવાબદાર છે. એ વ્યક્તિઓ જે ડાબોડી છે તેમનો મગજનો આ ભાગ વધુ સક્રિય છે એમ સાયન્સ કહે છે, પરંતુ એનો અર્થ શું છે એ સમજવું જરૂરી છે. એ વિશે વાત કરતાં બિપિનચંદ્ર ચૌગુલે કહે છે, ‘જો તમારું બાળક ડાબોડી છે તો તેને સંગીત, ડ્રૉઇંગ, વાદ્ય કે કોઈ પણ પ્રકારની આર્ટ શીખવો ચોક્કસ. શીખવવું એટલે એમાં કરીઅર બનાવવી એમ નથી. જે બાળકો ડાબોડી છે તેમનો ઍપ્ટિટ્યુડ કળાત્મક કામો તરફ વધુ રહે છે. એટલે તેને આવાં કામ શીખવવાં. પછી જો એમાં તેમને તક મળે અને તે કરીઅર બનાવે તો સારું. જો ન બનાવી શકે અને બીજી કોઈ દિશામાં આગળ વધે તો પણ સારું જ છે. જોકે હકીકત એ છે કે બાળકનો ઍપ્ટિટ્યુડ જે હોય એમાં તે કામ કરે તો સફળતા તો ખબર નથી, પણ ખુશી તેને ચોક્કસ મળે છે અને બાળક સંતુષ્ટ રહે છે.
આ વાતનું સાક્ષાત્ જીવતું-જાગતું ઉદાહરણ એટલે કાંદિવલીમાં રહેતી ૩૦ વર્ષની ઈશા ધોળકિયા જે પોતાની મમ્મી સાથે મળીને ‘ખાતે રહો’ નામનું એક ક્લાઉડ કિચન ચલાવે છે. ઈશા પહેલાં એક ઍરલાઇન્સમાં ગ્રાઉન્ડ-સ્ટાફ તરીકે કામ કરતી હતી. એ પછી એક ટ્રાવેલ કંપનીમાં હતી. પછી બિલ્ડર્સ સાથે કામ કરતી હતી. એ વિશે વાત કરતાં ઈશા ધોળકિયા કહે છે, ‘કોવિડમાં અમે આ ક્લાઉડ કિચન શરૂ કર્યું. અમને પ્રતિસાદ ઘણો સારો મળ્યો છે. લોકો મારા હાથનું ખાઈને સંતોષ અનુભવે છે જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે, કારણ કે મને કુકિંગ ગમે છે એટલે આ કામ મને જે પ્રકારની મજા આપે છે એ મારી જૂની જૉબ્સમાં મને મળતી નહોતી. એક વિદ્યાર્થી તરીકે તમે વિચારો કે બસ, સારી જૉબ મળી જાય એટલે તમે અલગ-અલગ જગ્યાએ તમારી સ્કિલ કામ પર લગાડો, પણ મને એ અંદાજ નહોતો કે આમાં હું સારું કરી શકીશ અને ખુશ રહી શકીશ. ક્યારેક એમ લાગે કે પહેલેથી એ સમજાઈ ગયું હોત તો વધુ સારું હતું, પણ નાના હોય ત્યારે ડાબોડી વ્યક્તિ તરીકે દૈનિક જીવનમાં પડતી હાડમારી પર ફોકસ એટલું વધારે હોય કે શું કરી શકીએ એમ છીએ એ સમજતાં થોડી વાર લાગી જતી હોય છે.’
વ્યક્તિ ડાબોડી હોય તો તેની તકલીફો વિશે સમજવું અત્યંત જરૂરી છે. એ વિશે વાત કરતાં ડાબોડી લોકો માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતા લેખક અને ફિઝિશ્યન ડૉ. રાજકુમાર શાહ કહે છે, ‘મરાઠવાડાના અમુક ભાગોમાં જો છોકરી ડાબોડી હોય તો તેની સાથે કોઈ લગ્ન નહોતું કરતું. આ પરિસ્થિતિ ભૂતકાળ નથી, આજે પણ આ તકલીફો પ્રવર્તે છે. સ્કૂલોમાં ડાબોડી બાળકને બેન્ચની કૉર્નર પર બહારની બાજુએ બેસવાની વ્યવસ્થા નથી અપાતી. આજે પણ ડ્રૉઇંગ બનાવતી વખતે ડાબોડી વ્યક્તિને તેના શિક્ષક ગુસ્સો કરે છે કે ઝંડો બનાવતી વખતે તેનો દંડો ડાબી બાજુ અને ધ્વજ જમણી બાજુએ જ લહેરાય. જો ઝંડો ડાબી બાજુ લહેરાવવામાં આવે તો તેના માર્ક્સ કપાઈ જાય છે. પૂજામાં પણ પ્રસાદ માટે ડાબો હાથ આગળ કરનારને પંડિતજી એ દૃષ્ટિએ જુએ છે કે આ કેટલો મોટો પાપી છે. ડાબોડી વ્યક્તિ પોતાનો જમણો હાથ સફાઈમાં વાપરે છે તો એ હાથે પ્રસાદ લેવો યોગ્ય નથી એમ કોઈ કેમ નથી વિચારતું? એક સમય હતો કે બાળકોને જમણા હાથથી લખવાની જબરદસ્તી કરવામાં આવતી, ક્યારેક માર પણ પડતો; પરંતુ આધુનિક વિજ્ઞાન અને માનસશાસ્ત્ર સ્પષ્ટપણે આવી જબરદસ્તીનો વિરોધ કરે છે. બાળકોને તેમના કુદરતી હાથથી લખવા દેવું, શીખવા દેવું અને વ્યક્ત થવા દેવું એ જ તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. સફળતા હાથ પર નહીં; મહેનત, પ્રતિભા અને જીદ પર આધારિત છે.’