07 January, 2026 02:35 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
હસવાના અઢળક લાભ છે એ વાત આની પહેલાં પણ અઢળક વાર સાંભળી જ હશે. એમાં નવું કંઈ નથી એવું વિચારતા થાઓ એ પહેલાં જાણી લો કે માત્ર હસવું જ નહીં પણ પેટને હલાવી-હલાવીને હસવું એ આજના ઘણાબધા હેલ્થ ઇશ્યુઝના સમાધાનનું પહેલું પગથિયું બની શકે છે. લાફ્ટર જેમાં તમારા પેટની મૂવમેન્ટ થાય એ રીતે ઉપયોગી છે એ વિષય પર નિષ્ણાતો દ્વારા થયેલા રિસર્ચ અને બેલી લાફ્ટરના ઓવરઑલ શું લાભ છે એ વિષય પર ચર્ચા કરીએ.
આમ તો લાફ્ટર યોગના પ્રચલિત પ્રકારોમાં ‘બેલી લાફ્ટર’ સમાઈ જ જતું હોય છે પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે તમે જાગૃતિ સાથે તમારા પેટના સ્નાયુઓમાં મૂવમેન્ટ લાવીને ખડખડાટ હસો છો ત્યારે એ તમારાં ફેફસાંને મજબૂતી આપવાનું કામ કરે છે અને તમારી અંતસ્રાવી ગ્રંથિઓને, તમારા ચેતાતંત્રને અને તમારા પાચનને તંત્રને ખૂબ જ તીવ્રતા સાથે ઍક્ટિવ કરે છે. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. માઇકલ મિલર પોતાના સર્વેક્ષણના આધારે કહે છે કે બેલી લાફ્ટર સ્ટ્રેસને તો હળવું કરે જ છે પણ સાથે હાર્ટ, ઇમ્યુન સિસ્ટમ અને નર્વસ સિસ્ટમને પણ હકારાત્મક અસર પહોંચાડે છે. જેમ આપણે અઠવાડિયાના ત્રણ દિવસ કસરત કરીએ છીએ એ જ રીતે અઠવાડિયામાં બેથી ત્રણ વાર બેલી લાફ્ટર પણ કરવું જોઈએ.’
એવી જ રીતે સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટ વિલિયન ફ્રાયના અભ્યાસ મુજબ બેલી લાફ્ટર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારતા કોષોને વધારે છે. બીજું, પેટથી હસવાથી શરીરમાં એન્ડોર્ફિન નામના હૅપી હૉર્મોનનું પ્રમાણ વધે છે અને એનાથી બ્રેઇનને નાઇટ્રિક ઑક્સાઇડ નામનું મહત્ત્વનું કેમિકલ પણ મળે છે જે રક્તવાહિનીઓનું લચીલાપણું વધારીને બ્લડપ્રેશરને ઘટાડે છે, શરીરમાં સોજા ઘટાડે છે અને કૉલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે જેથી હાર્ટ-અટૅકનું જોખમ ઘટે છે. એન્ડોર્ફિન નૅચરલ પેઇનકિલર છે. આ ડૉક્ટરનું કહેવું હતું કે જ્યારે તમે શેહશરમ બાજુએ રાખીને ખડખડાટ, પેટ દુખવા આવે એ સ્તર પર હસો છો ત્યારે તમે કુદરતી રીતે જ રિલૅક્સ થઈ જાઓ છો અને એ પેઇનકિલરનું કામ પણ કરે છે.
સામાન્ય રીતે આપણા શ્વાસ પૂરતા ઊંડા નથી હોતા. એમાં ઘણી વાર આપણું પૉશ્ચર અને જાગૃતિનો અભાવ જવાબદાર હોય છે. આ સંદર્ભે અગ્રણી ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અલી ઈરાની કહે છે, ‘વ્યક્તિની શ્વાસ લેવાની કૅપેસિટી લગભગ સાડાત્રણ લીટર હવાની છે પરંતુ એક વ્યક્તિ બે લીટરની હવા શ્વાસમાં નથી લેતી અને એ જ કારણ છે કે ઘણાબધા સ્ટ્રેસને લગતા ડિસઑર્ડર્સ અને હૉર્મોનલ ઇશ્યુઝ વધી રહ્યા છે. બેલી બ્રીધિંગ અને બેલી લાફ્ટર એ એનો સચોટ ઇલાજ નીવડી શકે. તમારાં લગ્નની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થાય છે જ્યારે તમે પેટથી હસો છો. હસવા માટે પેટ ત્યારે જ હલે ત્યારે તમે તમારા બ્રીધિંગમાં ઊંડાણ ઉમેર્યું હોય. ઘણી વાર રાઇટ બ્રીધિંગ હૅબિટ તમને રાઇટ પૉશ્ચર પણ આપી શકે. પેટનું હાસ્ય માત્ર ફેફસાં માટે જ નહીં,પણ સમગ્ર શરીર માટે એક ઉપચાર તરીકે કામ કરે છે. જોરદાર હાસ્ય પેટના સ્નાયુઓ, જેને કોર મસલ્સ પણ કહેવાય છે, એને સક્રિય કરે છે. વારંવાર હસવાથી પેટના સ્નાયુઓ અંદર-બહાર થાય છે જે તેમની કસરત કરાવે છે અને પાચનતંત્ર પર હકારાત્મક અસર કરે છે. ઇન ફૅક્ટ, હું ઘણા લોકોને શંખ વગાડવાની સલાહ આપતો હોઉં છું કારણ કે પ્રોપર બ્રીધિંગ કૅપેસિટી વિના તમે ક્યારેય શંખ વગાડી ન શકો. ધારો કે ઊંડા શ્વાસ લેવામાં અડચણ આવતી હોય તો ખડખડાટ હસવાની અને હસતી વખતે પેટને અંદર-બહાર લાવવાની પ્રૅક્ટિસ કરવી એ હેલ્થ માટે બહુ જ જરૂરી છે. જો તમે ખરેખર અંદરથી ખુશ હો અને હસો તો એના બેનિફિટ પણ વધી જવાના. જોકે તમે ખોટેખોટું હસશો અને પેટ હલશે તો પેટ અને લંગ્સને ખૂબ જ સારી કસરત મળી જતી હોય છે.’
નિષ્ણાતો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ પેટ ભરીને હસવાની સલાહ આપે છે. જોકે તમે ઝડપથી હસી ન શકતા હો તો નીચે મુજબના રસ્તા અપનાવી શકો.
જુઓ અને હસો : કોઈ કૉમેડી વિડિયો જોઈને કે રમૂજી વાર્તા સાંભળીને પેટ ભરીને હસો.
લાફ્ટર યોગ : લાફ્ટર યોગ ક્લબમાં જોડાઓ અથવા ઘરે ‘હા-હા-હા’ અને ‘હો-હો-હો’ ના અવાજો સાથે એક મિનિટ માટે મોટેથી હસવાનો અભ્યાસ કરો. બ્રીધ ઇન ઍન્ડ લાફ ટેક્નિક : ઊંડો શ્વાસ લઈને ત્રણ સેકન્ડ રોકો અને પછી મોટેથી હસતાં- હસતાં શ્વાસ બહાર કાઢો.
ઘણા લોકો ખોટેખોટું શું હસવાનું એમ વિચારીને હસવાનું ટાળતા હોય છે. જોકે વૈજ્ઞાનિકો કહે છે કે ‘ફોર્સ્ડ લાફ્ટર’ એટલે કે બળજબરીપૂર્વક કરેલું નકલી હાસ્ય પણ લાભકારક છે. જર્મનીની એક યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટ જેની રોઝેન્ધલે લગભગ પિસ્તાલીસ જેટલાં રિસર્ચ પેપરનાં તારણો પરથી ઑબ્ઝર્વ કર્યું કે ફોર્સફુલ લાફ્ટર પણ તમારા શરીરના ગ્લુકોઝ લેવલને ઘટાડે છે. કૉર્ટિઝોલ નામના સ્ટ્રેસ હૉર્મોનને ઓછું કરીને લાંબા સમયથી ચાલતા દુખાવામાં રાહત આપે છે. તમારા ઓવરઑલ મુડને સુધારવા અને શરીરમાં મોબિલિટી લાવવા પણ હાસ્ય કામનું છે. ડિપ્રેશન અને કૅન્સર પેશન્ટની હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકે છે પછી એ કુદરતી હોય કે કૃત્રિમ ખોટેખોટું હોય. શરત માત્ર એટલી હસતા હો ત્યારે પેટ હલવું જોઈએ.