સંશોધન પણ હવે તો સ્વીકારે છે કે સંગીત શીખવાથી મગજ તેજ થાય

27 March, 2026 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક અગ્રણી ન્યુરોલૉજિસ્ટના મતે સંગીતનું કોઈ પણ સાધન જેમ કે ગિટાર, પિયાનો કે હાર્મોનિયમ વગાડવું એ મગજ માટે મલ્ટિ-વિટામિન જેવું કામ કરે છે

સંશોધન પણ હવે તો સ્વીકારે છે કે સંગીત શીખવાથી મગજ તેજ થાય

મગજને સ્વસ્થ રાખવા માટે મોંઘાં સપ્લિમેન્ટ્સ કે જટિલ કોયડાઓ ઉકેલવા કરતાં સંગીત શીખવું વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આ એક એવી પ્રવૃત્તિ છે જે મગજના અનેક ભાગોને એકસાથે પ્રભાવિત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સંગીત વગાડે છે ત્યારે તેનું મગજ ત્રણથી ૪ અલગ-અલગ કાર્યો એકસાથે કરે છે. હાથની આંગળીઓનું હલનચલન એટલે કે મોટર-સ્કિલ્સ, કાનથી સૂર સાંભળવા એટલે કે ઑડિટરી પ્રોસેસિંગ, નોટ્સ વાંચતી વખતે આંખોનું એન્ગેજ હોવું અને ધૂન યાદ રાખવી એટલે કે મેમરીને કામે લગાડવી. આ બધી ક્રિયાઓ વચ્ચે થતી વાતચીતથી મગજની નસો વધુ મજબૂત બને છે જેને વિજ્ઞાનમાં ‘ન્યુરોપ્લાસ્ટિસિટી’ કહે છે. જપાનની ક્યોટો યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ૭૦ વર્ષની વયે પણ સંગીત શીખવાનું શરૂ કરનારા લોકોમાં મગજનું સંકોચાવું ઓછું જોવા મળ્યું હતું.

સંગીત શીખનારાઓમાં વર્કિંગ મેમરી એટલે કે તાત્કાલિક માહિતી યાદ રાખવાની ક્ષમતા અન્ય કરતાં ઘણી વધારે હોય છે. એ ડિમેન્શિયા અને ઑલ્ઝાઇમર્સ જેવા રોગોને રોકવામાં પણ મદદરૂપ થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સંગીત શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. જો તમે દિવસમાં માત્ર ૧૫-૨૦ મિનિટ પણ કોઈ વાદ્ય પાછળ વિતાવો તો એ તમારા મગજને તીક્ષ્ણ રાખવા અને મૂડ સુધારવા માટે પૂરતું છે.

mental health health tips lifestyle news life and style columnists