ઑઇલ-પુલિંગ માટે કયું તેલ વાપરવું શ્રેષ્ઠ છે? નારિયેળનું, તલનું કે સરસવનું?

27 July, 2026 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓઇલ પુલિંગ ઓરલ હાઇજીન સુધારવાની પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ છે. નારિયેળ, તલ અને સરસવના તેલના અલગ-અલગ ફાયદા શું છે અને કઈ સમસ્યામાં કયું તેલ વધુ અસરકારક છે તે જાણો.

ઑઇલ-પુલિંગ માટે કયું તેલ વાપરવું શ્રેષ્ઠ છે? નારિયેળનું, તલનું કે સરસવનું?

આયુર્વેદની દિનચર્યામાં પાંચેય ઇન્દ્રિયોની સ્વચ્છતા માટે એક ખાસ રૂટીન સેટ કરવામાં આવેલું છે. એમાંની એક ક્રિયા એટલે ગંડૂષ. મૉડર્ન સાયન્સમાં એને ઑઇલ-પુલિંગ કહેવાય છે. આ પ્રક્રિયામાં મોંમાં એક ચમચો તેલ ભરી રાખવામાં આવે છે. પૌરાણિક પરંપરાની આ દિનચર્યા હવે ફરીથી સોશ્યલ મીડિયા થકી રિવાઇવ થઈ રહી છે. આ પ્રક્રિયા ઓરલ હાઇજીન સુધારવાનું કામ કરે છે. એનાથી મોંમાંથી આવતી વાસ દૂર થાય છે, પેઢાં મજબૂત થાય છે અને દાંત ચોખ્ખા અને ચમકીલા બને છે. મૉડર્ન સાયન્સમાં કોઈક કહે છે કે નારિયેળનું તેલ સારું તો કોઈક કહે છે તલનું તેલ વાપરવું જોઈએ તો કેટલાક લોકો સરસવના તેલની હિમાયત કરે છે. આયુર્વેદમાં આ બાબતે ખાસ સ્પષ્ટતા આપવામાં આવી છે. આયુર્વેદ મુજબ આ ત્રણેય તેલના ફાયદા અલગ-અલગ છે. કયા તેલથી કયો ફાયદો થાય એ આજે જાણીએ. 
નારિયેળનું તેલ:

જો તમે નવું-નવું ઑઇલ-પુલિંગ શરૂ કર્યું હોય તો કોકોનટ ઑઇલ વાપરવું. એનાથી મોંમાંના બૅક્ટેરિયા ખતમ થાય છે. રોજ ૧૦ મિનિટ  કોકોનટ ઑઇલનો કોગળો મોંમાં ભરી રાખવાથી સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટૅન્સની એટલે કે દાંતમાં સડો કરવા માટે જવાબદાર બૅક્ટેરિયાની સંખ્યા ઘટી જાય છે. કોકોનટ ઑઇલનો સ્વાદ પણ માઇલ્ડ હોવાથી વાંધો નથી આવતો.

તલનું તેલ:

આયુર્વેદના મોટા ગ્રંથોમાં ગંડૂષનો ઉપયોગ પેઢાંની મજબૂતી માટે કરવાનું કહેવાયું છે અને એ માટે તલનું તેલ બેસ્ટ છે. તલ ખાવાથી હાડકાંને મજબૂતી મળે છે અને તલનું તેલ મોંમાં ભરવાથી પેઢાંને બળ મળે છે. એમાં ખાસ સેસમોલ જેવાં કેમિકલ્સ હોય છે જે પેઢાંમાં સોજો હોય તો ઘટાડે છે અને પેઢાંને ઇન્ફેક્શન-ફ્રી બનાવે છે. પેઢાંમાંથી લોહી નીકળતું હોય કે દાંત હલતા હોય ત્યારે આ પ્રયોગ ફાયદાકારક છે.

સરસવનું તેલ:

સરસવનું તેલ ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણોથી ભરપૂર તો જ છે, પણ એ પેઢાંને મજબૂત કરે છે. જોકે આ તેલ સ્વાદમાં તીખું અને તીક્ષ્ણ હોવાથી ૧૦ મિનિટ સુધી મોંમાં ભરી રાખવાનું અઘરું છે. 

ઑઇલ-પુલિંગ કઈ રીતે કરાય?

કોકોનટ ઑઇલ લો તો એ એડિબલ ગ્રેડનું હોય એનું ધ્યાન રાખવું. એક ચમચા જેટલું તેલ પાંચથી ૧૦ મિનિટ સુધી મોંમાં ભરી રાખવું અને જીભથી એને ચોતરફ ઘુમાવતા રહેવું. 
યાદ રહે, આ તેલ ગળી જવાનું નથી. ૧૦ મિનિટ પછી એને બહાર થૂંકી દેવું. થૂંક્યા પછી આંગળીથી દાંત અને પેઢાં પર મસાજ કરવો અને પછી પાણીથી સામાન્ય સફાઈ કરી લેવી.

 

lifestyle news life and style health tips healthy living ayurveda