મેનોપૉઝ પહેલાં આવતાં લક્ષણો વધુ કનડે નહીં એ માટે આટલું સમજી લો

19 April, 2024 07:45 AM IST  |  Mumbai | Dr. Suruchi Desai

ઉંમર અને તકલીફ ગમે એ હોય, શરીરને એક્સરસાઇઝ જરૂરી છે. વધુ નહીં તો અઠવાડિયામાં પાંચ દિવસ ૪૦ મિનિટની એક્સરસાઇઝ કરવી જ.

પ્રતીકાત્મક તસવીર

ઘણી મહિલાઓ છે જે ૪૦-૪૨થી લઈને ૫૦-૫૫ વર્ષ સુધી એક નહીં તો બીજાં લક્ષણોને કારણે તકલીફમાં રહેતી હોય છે અને આ તકલીફ છે મેનોપૉઝ પહેલાંની તકલીફ. દરેક મહિલા પર એની અસર જુદી-જુદી હોય છે. સૌથી જે બેઝિક લક્ષણો છે એના વિશે લોકો ઘણા જાગૃત છે કે મેનોપૉઝ પહેલાં લાલ ચાઠાંઓ થઈ જાય છે અને મૂડ સ્વિંગ્સ પણ થાય છે. આ પ્રકારનાં લક્ષણો આવે તો આજકાલ સ્ત્રીઓ ગભરાતી નથી, કારણ કે તે આ પ્રત્યે જાગૃત છે કે આવાં લક્ષણો આવી શકે છે, પરંતુ મેનોપૉઝની એ ખાસિયત છે કે દરેક સ્ત્રીએ એની અસર જુદી વર્તાતી હોય છે. દરેક સ્ત્રીને આ બાબતે જુદાં-જુદાં લક્ષણો દેખાતાં હોય છે અને એની અસર પણ ઓછા-વત્તા અંશે જોવા મળતી હોય છે. મેનોપૉઝ પહેલાં જેને પૅરીમેનોપૉઝલ સમય કહે છે. મેનોપૉઝ પહેલાંનાં લક્ષણોમાં અમુક સામાન્ય છે જેમ કે લાલ ચાઠાં, થાક, માસિક આવ્યાં પહેલાં થતો વધુ પડતો દુખાવો, વધુ પડતું બ્લીડિંગ, અનિયમિત માસિક, સ્તન ઢીલા પડવા, સેક્સ પ્રત્યે અરુચિ, વજાઇનામાં ડ્રાયનેસ, ઉધરસ કે છીંક આવે ત્યારે યુરિન પાસ થઈ જવું, યુરિન માટે તાત્કાલિક ભાગવું પડે એવી હાલત હોવી, મૂડ સ્વિંગ્સ અને ઊંઘમાં તકલીફ પડવી. આ બધાં જ લક્ષણો અત્યંત સામાન્ય છે. આ સિવાય એક લક્ષણ છે જેના વિશે મોટા ભાગની સ્ત્રીઓ જાણતી નથી એ છે શરીરમાં દુખાવો કે કળતર. આ દુખાવો સ્નાયુનો પણ હોઈ શકે છે અને સાંધાનો પણ હોઈ શકે છે. આ દુખાવો થાકની સાથે જોવા મળે છે. 

જોવા મળે છે કે જે સ્ત્રીઓ પોતાની લાઇફ-સ્ટાઇલને સાચવી લે છે એને મેનોપૉઝ આવતાં પહેલાંની તકલીફો ઘણી ઓછી થઈ જાય છે. ઉંમર અને તકલીફ ગમે એ હોય, શરીરને એક્સરસાઇઝ જરૂરી છે. વધુ નહીં તો અઠવાડિયામાં પાંચ દિવસ ૪૦ મિનિટની એક્સરસાઇઝ કરવી જ. સ્મોકિંગ ન જ કરવું અને આલ્કોહૉલ પણ ન જ પીવું. ઊંઘ પ્રત્યે બેદરકાર ન બનો. કોશિશ કરો કે રાત્રે ૧૦થી સવારે ૬ સુધીની સળંગ ઊંઘ મેળવી શકો. આ ખૂબ જ મહત્ત્વની વાત છે. જે સ્ત્રીઓ આટલું કરે છે તેમની લાઇફ-સ્ટાઇલ પોતાની રીતે જ ઠીક થઈ જાય છે. ૪૦ની ઉંમરે પહોંચતાં પહેલાં જ જો તમે તમારું વજન પ્રમાણમાં લાવી દો તો બેસ્ટ ગણાશે, કારણ કે જો તમે જાડા છો અને પૅરીમેનોપૉઝલ સમયમાં હૉર્મોન્સને કારણે વજનમાં ઉમેરો થતો રહ્યો તો ચિહ્‍‍નો વધુ પ્રબળ બનશે. ડાયટને એકદમ બૅલૅન્સ્ડ રાખો. જરૂર પડે તો ડૉક્ટરને પૂછીને સપ્લીમેન્ટ ચાલુ કરી દો, જે જરૂરી છે.

life and style health tips columnists