બ્લૅક પ્લાસ્ટિક કન્ટેનર એટલે આપણી હેલ્થનો વિલન

06 March, 2026 12:16 PM IST  |  Mumbai | Kajal Rampariya

ફૂડને પાર્સલ કરવામાં વપરાતું કાળું પ્લાસ્ટિક ઇલેક્ટ્રૉનિક કચરામાંથી બને છે, ગરમ અને ઍસિડિક ખોરાક સાથે સંપર્કમાં આવતાંની સાથે જ એ ઝેરી બની જાય છે

પ્રતીકાત્મક તસવીર

જ્યારે આપણે રેસ્ટોરાંમાંથી કોઈ વાનગી પાર્સલ મગાવીએ છીએ ત્યારે મોટા ભાગે એ આકર્ષક કાળા રંગના પ્લાસ્ટિક કન્ટેનરમાં આવે છે. આપણને લાગે છે કે આ પ્રીમિયમ પૅકેજિંગ છે એટલે સાચવીને રાખીએ છીએ અને રોજિંદા જીવનમાં એનો ઉપયોગ પણ કરીએ છીએ, પણ વાસ્તવમાં આ બ્લૅક પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી છે. આ કન્ટેનર કોઈ સિંગલ મટીરિયલમાંથી નથી બનતાં, એમાં ઘણાંબધાં રીસાઇકલ્ડ કૉમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. આ કાળું પ્લાસ્ટિક ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક વસ્તુઓના ભંગારને રીસાઇકલ કરીને બનાવવામાં આવે છે જેમાં રહેલાં ઝેરી તત્ત્વો સીધાં આપણા ખોરાકમાં ભળે છે અને એ શરીરમાં ધીમા ઝેરનું કામ કરે છે.

હૉર્મોન્સ પર સીધો અટૅક

બ્લૅક પ્લાસ્ટિક કન્ટેનર કઈ રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એ વિશે જણાવતાં અંધેરીનાં અનુભવી ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને લાઇફસ્ટાઇલ એક્સપર્ટ કોમલ મહેતા જણાવે છે, ‘જ્યારે ગરમ કે ખટાશવાળા ખોરાકને બ્લૅક પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવે તો એમાંથી કેમિકલ્સ રિલીઝ થાય છે અને ખોરાકમાં ભળે છે. પ્લાસ્ટિકમાં રહેલું BPA એટલે કે બિસ્ફીનલ A અથવા અમુક પ્લાસ્ટિકમાં BPS એટલે કે બિસ્ફીનલ S નામનું કેમિકલ હોય છે. BPS BPA જેવું જ હોય છે. અત્યારે માર્કેટમાં BPA-ફ્રી પ્લાસ્ટિકની માગ વધી છે ત્યારે કંપનીઓએ એના બદલે  BPS વાપરવાનું ચાલુ કર્યું છે. હકીકતમાં BPS પણ BPA જેટલું જ હાનિકારક છે. એમાં રહેલું કેમિકલ એસ્ટ્રોજન હૉર્મોનને મિમિક કરશે એટલે કે એની જેમ જ કામ કરવા લાગે છે.

પ્લાસ્ટિકમાંથી રિલીઝ થતાં આ સબસ્ટન્સને ઝીનો એસ્ટ્રોજન કહેવાય જે સ્ત્રીઓની હેલ્થ માટે હાનિકારક છે. એનાથી શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ અચાનક હાઈ થઈ જાય છે, જે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સર્જે છે. પરિણામે રીપ્રોડક્ટિવ સિસ્ટમ પ્રભાવિત થાય છે અને ફર્ટિલિટી ઇશ્યુઝ ઊભા થાય છે એટલું જ નહીં, યંગ ગર્લ્સમાં પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ જેમ કે પિરિયડ્સ પહેલાં શરીરમાં અસહ્ય દુખાવો, માઇગ્રેન અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ વધી જાય છે. જો આ કન્ટેનરનો ફ્રીક્વન્ટ્લી ઉપયોગ કરવામાં આવે તો એ PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમનું મુખ્ય કારણ પણ બની શકે છે.

આ પ્લાસ્ટિકનાં કેમિકલ્સ માત્ર હૉર્મોન્સ જ નહીં પણ આપણા આંતરડામાં રહેલા ગુડ બૅક્ટેરિયાને પણ ખતમ કરે છે. આપણી ૭૦ ટકા રોગપ્રતિકારક શક્તિ આંતરડાં પર નિર્ભર છે, તેથી જો આ કેમિકલ્સ શરીરમાં જશે તો વારંવાર બીમાર પડવું, ઍલર્જી થવી અને ઇન્ફ્લમેશન જેવી સમસ્યાઓ કાયમી બની જાય છે.’

પુરુષો અને બાળકો માટે પણ વિલન

મેલ હૉર્મોન્સને પણ બ્લૅક પ્લાસ્ટિક હાનિ પહોંચાડે છે એમ જણાવતાં કોમલ કહે છે, ‘એવું નથી કે માત્ર સ્ત્રીઓનાં જ હૉર્મોન્સ પ્રભાવિત થાય છે. આ પ્લાસ્ટિકમાં થેલિટ્સ નામનું તત્ત્વ હોય છે જે ઍન્ટિ-એન્ડ્રોજન તરીકે કામ કરે છે. એન્ડ્રોજન મુખ્ય મેલ હૉર્મોન છે. જો એ પ્રભાવિત થાય તો પુરુષોમાં સ્પર્મ-કાઉન્ટ એટલે કે શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ શકે છે. ટેસ્ટોસ્ટેરોન લેવલ અને સ્પર્મના DNA માટે પણ આ થેલિટ્સ અત્યંત હાનિકારક સાબિત થાય છે.

વધુ ગંભીર બાબત એ છે કે આવા કન્ટેનરમાં રાખેલો ખોરાક જો નાનાં બાળકોને આપવામાં આવે તો તેમનો બૌદ્ધિક વિકાસ અટકી જાય છે. બાળકોમાં ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર અને ઑટિઝમ જેવી ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ તો આ પ્લાસ્ટિકથી દૂરી જ રાખવી જોઈએ, કારણ કે એ આવનાર બેબીની હેલ્થ માટે પણ હાર્મફુલ છે.’

માઇક્રોવેવ-સેફ? ભ્રમ છે

ઘણી રેસ્ટોરાં એવા દાવા કરે છે કે આ બ્લૅક પ્લાસ્ટિક માઇક્રોવેવ-સેફ છે, પણ હકીકત કંઈક અલગ જ છે એમ કહેતાં કોમલ રિયલિટી જણાવે છે, ‘જ્યારે તમે એ જ કન્ટેનરમાં ખોરાક ગરમ કરો છો ત્યારે કેમિકલ્સ રિલીઝ થવાની પ્રક્રિયા તેજ બને છે અને ખોરાક ઝેરી બની જાય છે. બ્લૅક પ્લાસ્ટિકનો ઉપયોગ સર્વિસ-ઇન્ડસ્ટ્રીમાં એટલે થાય છે કારણ કે એ ફાયર-રેઝિસ્ટન્ટ અને UV-રેઝિસ્ટન્ટ છે, વાપરવામાં કન્વીનિયન્ટ છે અને અફૉર્ડેબલ છે. પરંતુ એમાં ફાયર-રેઝિસ્ટન્સ માટે જે કેમિકલ વપરાય છે એને ફ્લેમ-રિટાર્ડેન્ટ કહેવામાં આવે છે. ગરમી મળતાં જ આ કેમિકલ બ્રેકડાઉન થઈને માઇક્રોપ્લાસ્ટિક્સમાં ફેરવાય છે. જો આ કન્ટેનરમાં ઑઇલી કે ઍસિડિક ફૂડ હોય તો આ કેમિકલ્સ ખૂબ જ સહેલાઈથી ખોરાકમાં ટ્રાન્સફર થાય છે અને આપણા શરીરના હેલ્ધી સેલ્સને ડૅમેજ કરે છે. વાઇટ કે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક કદાચ બ્લૅક પ્લાસ્ટિક કરતાં થોડું સારું હોઈ શકે, પણ નિષ્ણાતોના મતે પ્લાસ્ટિકનો વપરાશ જ ન થવો જોઈએ અથવા તો નહીંવત્ કરવો જોઈએ. ડાયાબિટીઝ કે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યા ધરાવતા લોકો માટે તો આ કન્ટેનર સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.’ 

શું તમે જાણો છો?
 

બ્લૅક પ્લાસ્ટિકનાં કન્ટેનર મોટા ભાગે કમ્પ્યુટર, કી-બોર્ડ અને અન્ય ઇલેક્ટ્રૉનિક કચરાને રીસાઇકલ કરીને બનાવવામાં આવે છે.
 મોટા ભાગના રીસાઇક્લિંગ પ્લાન્ટ્સમાં ઇન્ફ્રારેડ સેન્સર કાળા રંગને ઓળખી શકતાં નથી, જેના કારણે આ કન્ટેનર કચરાના ઢગલામાં જ પડ્યાં રહે છે અને પર્યાવરણને નુકસાન કરે છે.
 કાળો રંગ આપવા માટે કાર્બન બ્લૅક પિગમેન્ટ વપરાય છે જે સંભવિત રીતે કૅન્સરજનક હોઈ શકે છે.

 જ્યારે ગરમ કે ખટાશવાળા ખોરાકને બ્લૅક પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવે તો એમાંથી કેમિકલ્સ ખોરાકમાં ભળે છે જે માત્ર હૉર્મોન્સ જ નહીં પણ આપણા આંતરડામાં રહેલા ગુડ બૅક્ટેરિયાને પણ ખતમ કરે છે. આપણી ૭૦ ટકા રોગપ્રતિકારક શક્તિ આંતરડાં પર નિર્ભર છે, તેથી જો આ કેમિકલ્સ શરીરમાં જશે તો વારંવાર બીમાર પડવું, ઍલર્જી થવી અને ઇન્ફ્લમેશન જેવી સમસ્યાઓ કાયમી બની જાય છે. - ન્યુટ્રિશનિસ્ટ અને લાઇફસ્ટાઇલ એક્સપર્ટ કોમલ મહેતા

આ વાત ગળે ઉતારી લો
 

જો તમે ઑનલાઇન ફૂડ મગાવો છો તો ઘરે આવતાં જ સૌથી પહેલાં તેને કાચ કે સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી લો.
 ઘણા લોકો આ કન્ટેનરમાં ખોરાક ભરીને ફ્રિજમાં મૂકી દે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જો ઘરમાં આવાં બ્લૅક કન્ટેનર હોય તો એને તાત્કાલિક કચરામાં ફેંકી દેવાં હિતાવહ છે.
 ફૂડ સ્ટોર કરવા માટે સૌથી બેસ્ટ કાચનાં વાસણ છે અને ફૂડને ગરમ કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ જ વાપરવું જોઈએ.
 પ્લાસ્ટિકનાં કન્ટેનર પર માઇક્રોવેવ-સેફ લખ્યું હોય તો પણ એમાં ખોરાક ગરમ કરવાની ભૂલ ન કરો.

life and style lifestyle news healthy living mental health health tips exclusive gujarati mid day