22 July, 2026 05:29 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
રોજ સવારે બ્રશ કરતી વખતે અથવા કડક ફળ ખાતી વખતે પેઢાંમાંથી થોડું લોહી નીકળે તો સામાન્ય રીતે લોકો નાની-મોટી તકલીફ ગણીને નજરઅંદાજ કરી દેતા હોય છે અથવા ટૂથપેસ્ટ બદલી નાખતા હોય છે, પણ આવું કરવાથી પ્રૉબ્લેમનું સૉલ્યુશન મળતું નથી. આ મામલે મેડિકલ સાયન્સે તાજેતરમાં ગંભીર ચેતવણી આપી છે. અમેરિકન હાર્ટ અસોસિએશનના તાજેતરના સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે મોંની અસ્વસ્થતાનું હાર્ટની હેલ્થ સાથે કનેક્શન હોય છે. પેઢાંનો સોજો અને એમાં રહેલા બૅક્ટેરિયા લોહીના પ્રવાહમાં ભળીને હૃદયની ધમનીઓ બ્લૉક કરી શકે છે, જે હાર્ટ-અટૅક કે સ્ટ્રોકનું કારણ બની શકે છે. આ જોખમ કેટલું ગંભીર છે એ સમજવા નિષ્ણાતો પાસેથી વિગતવાર સમજીએ.
પેઢાંની તકલીફ અને હાર્ટની હેલ્થ વચ્ચેનો સંભવિત સંબંધ સમજાવતાં દહિસર અને ભાઈંદરમાં ડેન્ટલ પ્રૅક્ટિસ કરતા ડેન્ટિસ્ટ ડૉ. ધવલ ગોર કહે છે, ‘જ્યારે દાંત અને પેઢાંની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી ત્યારે દાંતની સપાટી પર પ્લાક જમા થવા લાગે છે. આ પ્લાકમાં રહેલા બૅક્ટેરિયાને કારણે પેઢામાં સોજો અને લાલાશ આવે છે. આ પ્રારંભિક સ્થિતિને જિન્જિવાઇટિસ કહેવામાં આવે છે. આ તબક્કે યોગ્ય સારવાર અને કાળજી લેવામાં ન આવે તો સમસ્યા પેરિયોડૉન્ટાઇટિસ એટલે કે પાયોરિયામાં બદલાઈ શકે છે. એમાં દાંતને પકડી રાખતાં પેઢાં અને હાડકાંને નુકસાન થઈ શકે છે અને સમય જતાં દાંત હલવા પણ લાગી શકે છે.’
ઓરલ હેલ્થ અને હાર્ટ હેલ્થ વચ્ચેના સંબંધ વિશે ડૉ. ધવલ ગોર કહે છે, ‘પાયોરિયામાં પેઢાંમાં લાંબા સમય સુધી સોજો રહે છે. પેઢાંમાં સોજો અને રક્તસ્રાવ હોય ત્યારે મોંમાં રહેલા કેટલાક બૅક્ટેરિયા થોડા સમય માટે લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. આ કારણે શરીરમાં ઇન્ફ્લમેટરી પ્રતિક્રિયા વધી શકે છે. કેટલાક અભ્યાસોમાં ગંભીર પિરિયોડૉન્ટલ રોગ અને હાર્ટ-ડિસીઝ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. જોકે એ વાત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે પેઢાંનો રોગ સીધો હૃદયની ધમનીમાં જઈને બ્લૉકેજ બનાવે છે એવું સાબિત થયું નથી. હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, ધૂમ્રપાન, કૉલેસ્ટરોલ અને જીવનશૈલી જેવાં અન્ય પરિબળો પણ હાર્ટ-ડિસીઝમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’
ડાયાબિટીઝ અને પેઢાંના રોગ વચ્ચે દ્વિમાર્ગી સંબંધ જોવા મળે છે. બ્લડ-શુગર લાંબા સમય સુધી નિયંત્રણમાં ન હોય તો પેઢાંમાં ઇન્ફેક્શન અને સોજો વધવાની શક્યતા રહે છે. બીજી તરફ ગંભીર પિરિયોડૉન્ટલ ઇન્ફ્લમેશનને કારણે ડાયાબિટીઝનું નિયંત્રણ પણ મુશ્કેલ બની શકે છે. આ વિશે ડૉ. ધવલ ગોર કહે છે, ‘ડાયાબિટીઝ ધરાવતા દરદીઓમાં પેઢાંના રોગનું જોખમ વધારે હોઈ શકે છે, ખાસ કરીને જો બ્લડ-શુગર નિયંત્રણમાં ન હોય. તેથી આવા દરદીઓએ મોંની સ્વચ્છતા વિશે વધુ કાળજી રાખવી જોઈએ. ધૂમ્રપાન કરનારાઓમાં પણ પેઢાંના રોગનું જોખમ વધે છે અને સારવારનો પ્રતિસાદ નબળો પડી શકે છે. આથી ડાયાબિટીઝના દરદી અને ધૂમ્રપાન કરતી વ્યક્તિએ નિયમિત ડેન્ટલ ચેક-અપ કરાવવું જરૂરી છે. શક્ય હોય તો ધૂમ્રપાનની આદત ધીરે-ધીરે ઓછી કરી નાખવી સ્માર્ટ સ્વિચ સાબિત થશે.’
• દિવસમાં બે વાર ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટથી બ્રશ કરો. દાંતની વચ્ચે ફસાયેલો ખોરાક અને પ્લેક દૂર કરવા માટે ડેન્ટલ ફ્લૉસ અથવા ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કરી શકાય છે. માઉથવૉશનો ઉપયોગ ડેન્ટિસ્ટની સલાહ મુજબ કરવો. માત્ર માઉથવૉશથી પ્લેક દૂર થતો નથી.
• વર્ષમાં ઓછામાં ઓછું એક વાર ડેન્ટલ ચેક-અપ કરાવવું જરૂરી છે. જો દાંત પર ટાર્ટર અથવા વધુ પ્રમાણમાં પ્લેક જામી ગયો હોય તો ડેન્ટિસ્ટ પાસે પ્રોફેશનલ ક્લીનિંગ કરાવવું.
• જો પેઢાંમાંથી વારંવાર લોહી નીકળતું હોય, પેઢાં લાલ કે સોજાવાળાં હોય, દાંત હલતા હોય, મોંમાંથી સતત દુર્ગંધ આવતી હોય અથવા પેઢાંમાં દુખાવો થતો હોય તો ઘરેલુ ઉપચારો કરવાને બદલે ડેન્ટિસ્ટને બતાવો.
• ડાયાબિટીઝ હોય તો બ્લડ-શુગર નિયંત્રણમાં રાખો અને નિયમિત ડેન્ટલ
ચેક-અપ કરાવો.
• ધૂમ્રપાન અને તમાકુનું સેવન ટાળો. એ પેઢાંના રોગનું જોખમ વધારી શકે છે અને સારવારની અસરકારકતા ઘટાડે છે.
મોંમાં રહેલા બૅક્ટેરિયા કેટલાક સંજોગોમાં લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. મોટા ભાગના સ્વસ્થ લોકોમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પરિસ્થિતિને નિયંત્રિત કરી લે છે. જોકે જેમને હૃદયના કેટલાક વાલ્વમાં અગાઉથી સમસ્યા હોય, કૃત્રિમ વાલ્વ હોય અથવા અગાઉ એ વાલ્વમાં ઇન્ફેક્શન થઈ ચૂક્યું હોય તેવા દરદીઓમાં ખાસ સાવચેતી જરૂરી બની શકે છે. મુલુંડમાં ૨૭ વર્ષથી કાર્ડિયોલૉજીની પ્રૅક્ટિસ કરતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય સાવંત સમજાવે છે, ‘મોઢામાં રહેલા કેટલાક બૅક્ટેરિયા લોહીના પ્રવાહમાં પ્રવેશીને હૃદયના વાલ્વ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને જેમને પહેલેથી જ વાલ્વની તકલીફ હોય અથવા કૃત્રિમ વાલ્વ હોય તેવા દરદીઓમાં આ બૅક્ટેરિયા ગંભીર ઇન્ફેક્શન પેદા કરી શકે છે. આ સ્થિતિને ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડિટિસ કહેવામાં આવે છે. તેમાં લાંબા સમય સુધી ઍન્ટિબાયોટિક સારવારની જરૂર પડી શકે છે અને કેટલાક ગંભીર કિસ્સામાં સર્જરી પણ કરવી પડી શકે છે, પરંતુ પેઢાંના રોગને કારણે સીધો હૃદયનો વાલ્વ કૅલ્સિફાઈ થઈ જાય અથવા હૃદયની ધમનીમાં સીધું બ્લૉકેજ કરે છે એવું માનવું યોગ્ય નથી. હાર્ટ-ડિસીઝમાં ઘણાં જોખમી પરિબળો એકસાથે કામ કરે છે તેથી પેઢાંના રોગને ગંભીરતાથી લેવો જોઈએ, પરંતુ એને હાર્ટ-અટૅકનું સીધું કારણ ગણવું યોગ્ય નથી.’