03 April, 2026 11:39 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
તમે સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરો છો. શુગર ખાવાનું ઘણા સમયથી છોડી દીધું છે, ચા-કૉફી કે બહારનું જન્ક ફૂડ સાવ બંધ કરી નાખ્યું છે તેમ છતાં શુગર ચેક કરવાના ગ્લુકોમીટર પર જ્યારે રિપોર્ટ ચેક કરો છો ત્યારે વધેલા આંકડા જોઈને મનમાં પહેલો વિચાર એ જ આવે છે કે કંઈ ગળ્યું તો ખાધું નથી તોય આ શુગર વધી કઈ રીતે? જો તમારો ડાયટ-પ્લાન પર્ફેક્ટ હોવા છતાં રિપોર્ટ બગડે છે તો પ્રૉબ્લેમ તમારા રસોડામાં નહીં પણ તમારી ૨૪ કલાકની લાઇફસ્ટાઇલ અને કેટલીક એવી આદતોમાં છે જેની તરફ તમારું ધ્યાન જ નથી જતું. આપણું શરીર કોઈ મશીન નથી, એ એક સ્માર્ટ સિસ્ટમ છે જે તમે કેટલું ઊંઘો છો, કેટલું ટેન્શન લો છો અને દિવસભર કેટલું હલનચલન કરો છો એના પર રીઍક્ટ કરે છે.
ડાયટ સિવાય લાઇફસ્ટાઇલને લીધે શરીરમાં બ્લડશુગર-લેવલ કઈ રીતે ફ્લક્ચ્યુએટ થાય છે એ વિશે જણાવતાં ડોમ્બિવલીમાં રહેતાં અનુભવી ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ અશ્વિની શાહ કહે છે, ‘જ્યારે ડાયટમાંથી શુગરની બાદબાકી કરો છો તો ફૅટ-બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે, ઇન્ફ્લમેશન ઘટે છે, હાર્ટ અને જૉઇન્ટ પેઇન માટે સારું છે. શરૂઆતમાં થોડો થાક લાગે છે પણ લાંબા ગાળે તમારી એનર્જી આખો દિવસ એકસરખી રહે છે. શુગર ખાધા પછી આવતી સુસ્તી ગાયબ થઈ જાય છે. જો તમે ગળ્યું નથી ખાતા છતાં સ્ટ્રેસ, ઊંઘનો અભાવ કે ડીહાઇડ્રેશનને કારણે શુગર-સ્પાઇક થાય છે તો એ ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. જ્યારે આપણે ગળ્યું ખાઈએ ત્યારે આપણને ખબર હોય છે કે શુગર વધશે, પણ આ ઇન્વિઝિબલ સ્પાઇક્સમાં વ્યક્તિ બેફિકર હોય છે. તેને લાગે છે કે મેં તો કંઈ ખાધું નથી એટલે બધું બરાબર જ હશે, પણ અંદરખાને નળીઓ અને કિડનીને નુકસાન ચાલુ હોય છે. ખોરાક વગરનું શુગર સ્પાઇક મોટા ભાગે લિવર દ્વારા રિલીઝ કરેલા ગ્લુકોઝને કારણે હોય છે. જો આવું વારંવાર થાય તો ફૅટી લિવરની સમસ્યા વધે છે. જમ્યા પછીની સામાન્ય સ્પાઇક કરતાં સ્ટ્રેસ કે હૉર્મોનલ અસંતુલનને કારણે થતું સ્પાઇક હૃદયની નળીઓ પર વધુ સ્ટ્રેસ લાવે છે. જો તમે બહારથી શુગર નથી લેતા પણ અંદરથી શુગર સ્પાઇક થઈ રહી છે તો એ શરીરના મેકૅનિઝમમાં કંઈક મોટી ગરબડ હોવાનો સંકેત છે. મોટા ભાગના લોકોને એવું લાગે છે કે કંઈ ગળ્યું ખવાય તો જ શુગર વધે, પણ સાયન્સ અલગ જ છે. આપણું શરીર ભવિષ્ય માટે એનર્જી સેવ કરે છે અને લિવર પાવર-બૅન્ક જેવું કામ કરે છે, જે ગ્લુકોઝને સ્ટોર કરી રાખે છે. જ્યારે તમે લાંબો સમય કંઈ ખાતા નથી અથવા તમારી બૉડી કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં હોય ત્યારે શરીરને લાગે છે કે અત્યારે એનર્જીની જરૂર છે. એટલે તમે બહારથી કશું જ ન ખાધું હોય તો પણ લિવર પોતાની પાસે પડેલો સ્ટૉક લોહીમાં ઠાલવવા માંડે છે. પરિણામે ખાલી પેટે અથવા શુગર ન ખાઈએ ત્યારે પણ શુગર-લેવલ હાઈ આવી શકે છે. નોકરિયાત વર્ગ અને ગૃહિણીઓનું જીવન બેઠાડુ હોય છે. સોફા પર પડ્યા રહેવું અને લૅપટૉપ સામે કલાકો વિતાવે છે. આ આદત અથવા રૂટીન શરીરના શુગર-લેવલને વધારવાનું કામ કરે છે. આપણા મસલ્સ લોહીમાં રહેલી શુગરને સ્પન્જની જેમ શોષી લે છે અને એનર્જીમાં કન્વર્ટ કરે છે. જ્યારે આપણે હલનચલન જ નથી કરતા ત્યારે સ્નાયુઓ લોહીમાંથી ગ્લુકોઝ લેવાનું બંધ કરી દે છે. આને કારણે શરીરમાં ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ પેદા થાય છે. એટલે કે ઇન્સ્યુલિન હાજર હોવા છતાં શરીર એનો ઉપયોગ કરી શકતું નથી. તમે ભલે લંચમાં માત્ર સૅલડ ખાધું હોય, પણ જો તમે ત્યાર પછી ૩-૪ કલાક સળંગ બેસી રહ્યા તો એ ખોરાકમાંથી બનેલી શુગર લોહીમાં જ તરતી રહેશે.’
તમારી ઊંઘની પૅટર્ન અને માનસિક તનાવ બ્લડશુગર-લેવલને પ્રભાવિત કરે છે એમ જણાવતાં અશ્વિની કહે છે, ‘ઊંઘ પૂરી ન થવાથી સ્ટ્રેસ-હૉર્મોન વધે છે અને બીજા દિવસે સવારે શુગર-લેવલ વધે છે, કારણ કે ઊંઘ માત્ર આરામ નથી, એ રિપેરિંગ પ્રોસેસ છે. દિવસ દરમિયાન ઊંઘ આવે તો પણ નોકરીને કારણે લઈ શકાતી નથી, પરિણામે ચા-કૉફી જેવાં કૅફિનયુક્ત પીણાં વધુ પીવાય છે. એક રાતની માત્ર ૪-૫ કલાકની ઊંઘ પણ બીજા દિવસે તમારા શરીરની શુગર પ્રોસેસ કરવાની ક્ષમતાને ૩૦થી ૪૦ ટકા જેટલી ઘટાડી શકે છે. ઊંઘ ઉપરાંત લાઇફસ્ટાઇલ સ્ટ્રેસફુલ હોય તો ગળ્યું ખાધા વગર પર લોહીમાં શુગરનું લેવલ સતત હાઈ રહે છે.’
પાણી ન પીવાની આદત પણ તમારા શુગર-લેવલને વધારી શકે છે એમ જણાવતાં અશ્વિની જણાવે છે, ‘ધારો કે તમારી પાસે બે અલગ-અલગ ગ્લાસમાં પાણી છે. એક ગ્લાસમાં એક ચમચી સાકર નાખો અને બીજા ગ્લાસમાં આઠ ચમચી સાકર નાખશો તો કયા ગ્લાસમાં સાકર ઓગળતાં વાર લાગશે? ઑબ્વિયસલી બીજા ગ્લાસમાં, કારણ કે એમાં પાણીની સરખામણીમાં સાકરનું પ્રમાણ વધારે છે. સાકર ઓગળી પણ જશે તો એ પાણી વધુ ગળ્યું થશે. આવું જ કંઈક આપણા લોહી સાથે થાય છે. લોહીમાં પાણી ઘટતાં સાકરનું કૉન્સન્ટ્રેશન વધી જાય છે. આ વધારાની સાકરને યુરિન વાટે બહાર કાઢવાનું કામ કિડની કરે છે, પણ જ્યારે-જ્યારે તમે પૂરતું પાણી નથી પીતા ત્યારે કિડનીને પૂરતું લિક્વિડ મળતું નથી, જેથી એ શુગરને શરીરમાંથી બહાર ફેંકી શકતી નથી. પરિણામે શુગર લોહીમાં જ ભ્રમણ કર્યા કરે છે અને કિડની પર કામનું પ્રેશર સર્જાય છે. લાંબા ગાળે આ ફિલ્ટરિંગ સિસ્ટમ થાકી જાય છે અને કિડની-ફેલ્યર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વ્યક્તિએ આખી રાત કંઈ ખાધું ન હોય છતાં સવારે તેનું શુગર-લેવલ હાઈ આવે છે. આમાં ખોરાકનો કોઈ વાંક નથી, પણ શરીરની અંદરની બાયોલૉજિકલ ક્લૉક જવાબદાર છે. વહેલી સવારે એટલે કે ચારથી ૮ વાગ્યાની વચ્ચે આપણું શરીર જાગવાની તૈયારી કરતું હોય છે. આ સમયે શરીરને ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા પૂરી પાડવા માટે અમુક હૉર્મોન્સ રિલીઝ કરે છે અને સવારે ખાધા વગર જ શુગર-સ્પાઇક જોવા મળે છે. આ પણ એક લાઇફસ્ટાઇલની સમસ્યા છે. રાત્રે વહેલું ભોજન લેવું અને સૂતાં પહેલાં થોડી વાર ચાલવું જોઈએ જેથી કિડની એનું કામ બરાબર કરી શકે.
જો તમે પરેજી પાળો છો છતાં રિપોર્ટ પૉઝિટિવ નથી આવતો? તો તમારે તમારા શરીરમાં ગ્લુકોઝ-મૅનેજમેન્ટ કરવાની જરૂર છે. આ માટે આહાર નહીં પણ ઍક્ટિવિટીમાં ફેરફાર કરવો પડશે. ઘણા લોકો સવારે કલાક જિમમાં જાય છે પણ આખો દિવસ બેસી રહે છે. જમ્યા પછીની ૧૦થી ૧૫ મિનિટની વૉક ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જેવું કામ કરે છે. જ્યારે તમે જમ્યા પછી તરત હળવું ચાલો છો ત્યારે લોહીમાં ભળતું ગ્લુકોઝ સીધું સ્નાયુઓ દ્વારા ઊર્જા તરીકે વપરાવા લાગે છે. આનાથી શુગર-લેવલ લોહીમાં સ્પાઇક થતું નથી.
આજની કૉર્પોરેટ લાઇફમાં સતત ૮-૯ કલાક બેસી રહેવું અનહેલ્ધી છે. દર દોઢ કલાકે અલાર્મ સેટ કરો. જમ્યા પછી ઑફિસમાં જ ૧૦ મિનિટનો રાઉન્ડ મારો. આનાથી ચયાપચયની ક્રિયા ઍક્ટિવ થાય છે. જો ઑફિસ બીજા-ત્રીજા માળે હોય તો લિફ્ટને બદલે દાદરાનો ઉપયોગ કરો. આ ઍક્ટિવિટી પગના સ્નાયુઓને ઍક્ટિવ કરે છે અને શરીરમાં સૌથી વધુ ગ્લુકોઝ વાપરે છે. ફોન પર વાત કરતી વખતે ખુરસી પર બેસી રહેવાને બદલે કૅબિનમાં કે કૉરિડોરમાં ચાલતા રહો. બેઠા-બેઠા પગ હલાવવા અથવા સ્ટ્રેચિંગ કરવાથી લોહીનું પરિભ્રમણ જળવાઈ રહે છે.
ઘણી વાર આપણે શુગર વધવાનાં લક્ષણોને સામાન્ય થાક સમજીને અવગણીએ છીએ. જો તમે ડાયટ બરાબર પાળો છો તેમ છતાં આખો દિવસ લો એનર્જી ફીલ થવી, પૂરતું પાણી પીતા હો છતાં ગળું સુકાવું, સ્ટ્રેસને કારણે શરીરમાં અચાનક ધ્રુજારી આવવી એ હાઈ બ્લડશુગરની નિશાની છે જે કિડની પર લોડ વધારે છે. આવું ફીલ થાય તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ડાયાબિટીઝના દરદીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.