પોષણનું પાવરહાઉસ છે બ્લુ ટર્મરિક

25 February, 2026 01:39 PM IST  |  Mumbai | Kajal Rampariya

કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની ફેવરિટ બ્લુ ટર્મરિક ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં મળી આવતી દુર્લભ જડીબુટ્ટી છે જેનું એક ચપટી જેટલું સેવન પણ શ્વસનની સમસ્યાઓ અને સાંધાના દુખાવા માટે ગુણકારી માનવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની ફિટનેસ માટે બ્લુ ટર્મરિક એટલે કે કાળી હળદરનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કે લાંબા પ્રવાસે હોય ત્યારે ગળાની સમસ્યા કે થાકને દૂર કરવા માટે તે આ હળદરનો સહારો લે છે એવું સોશ્યલ મી​ડિયા રિપોર્ટ્સમાં બહાર આવ્યું હતું ત્યારથી ઘણા લોકોની બ્લુ ટર્મરિક વિશે જાણવાની આતુરતા વધી છે. નૉર્મલી આપણે પીળી હળદર ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ અને ગુણધર્મો વિશે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પણ અત્યારે જેની સૌથી વધુ ચર્ચા થાય છે એ બ્લુ ટર્મરિક, જેને સામાન્ય ભાષામાં કાળી હળદર કહેવાય છે, એ એના દુર્લભ ગુણોને કારણે બ્લુ ગોલ્ડ કહેવાય છે. આ દુર્લભ જડીબુટ્ટી તરીકે ઓળખાતી કાળી હળદરમાં શું ખાસ છે એ જાણીએ.

યુનિકનેસ

બ્લુ ટર્મરિકના ગુણો અને વિશેષતા વિશે વાત કરતાં ડોમ્બિવલીમાં રહેતાં અનુભવી ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ અશ્વિની શાહ જણાવે છે, ‘બ્લુ ટર્મરિકની વિશેષતાની વાત કરું તો પીળી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્ત્વ વધુ હોવાથી એનો કલર પીળો હોય છે, પણ બ્લુ ટર્મરિક એટલે કે કાળી હળદરમાં એનું પ્રમાણ ઓછું હોય છે. પણ એન્થોસાયનિન નામના કુદરતી પિગમેન્ટનું પ્રમાણ બહુ વધુ હોય છે જે બ્લુ રંગ માટે જવાબદાર છે. બ્લુબેરી, જાંબુ, કાળી દ્રાક્ષ અને રીંગણામાં રંગ આપનારું આ જ તત્ત્વ હોય છે જે હળદરને એની બાકી પ્રજાતિ કરતાં અલગ પાડે છે. એ દેખાવમાં સામાન્ય હળદર જેવી જ દેખાય છે પણ એને આપણે વચ્ચેથી કાપીએ ત્યારે એનો ડાર્ક બ્લુ કલર દેખાય છે. એનો સ્વાદ પીળી હળદર કરતાં તીખો અને કડવો હોય છે અને એની સુગંધ પણ સામાન્ય હળદર કરતાં વધુ તીવ્ર અને કપૂર જેવી હોય છે. આ હળદરનો સમાવેશ મસાલાને બદલે હર્બલ મેડિસિનમાં કરાય છે કારણ કે એમાં વધારે ઔષધિય ગુણો છે.’

ન્યુટ્રિશનનું પાવરહાઉસ

કાળી હળદરના ફાયદાઓ વિશે વાત કરતાં અશ્વિની કહે છે, ‘બ્લુ ટર્મરિકના ગુણધર્મો પીળી હળદર જેવા જ છે, પણ પ્રમાણમાં વધુ હોવાથી એ ન્યુટ્રિશનનું પાવરહાઉસ કહેવાય છે. જો તમને અસ્થમા, બ્રૉન્કાઇટિસ કે લાંબા સમયની ઉધરસ હોય તો બ્લુ ટર્મરિક રામબાણ ઇલાજ છે. એ ફેફસામાં જામેલા કફને ઓગાળવામાં મદદ કરે છે અને રેસ્પિરેટરી સિસ્ટમની પ્રક્રિયાને સરળ બનાવે છે. એના નિયમિત અને નિયંત્રિત સેવનથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યામાં રાહત મળે છે, ચામડી પર થતી ખંજવાળ, ખીલ કે પિગમેન્ટ દૂર કરવા માટે અને લોહી શુદ્ધ કરવામાં પણ એ અસરકારકારક સાબિત થાય છે. જે લોકોને પેટમાં ગૅસ કે અપચાની ફરિયાદ રહેતી હોય, તેમના માટે બ્લુ ટર્મરિક આશીર્વાદ સમાન છે. આ ઉપરાંત ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. ઘણા સેલેબ્સ વેઇટલૉસ જર્નીમાં બ્લુ ટર્મરિક સામેલ કરે છે. ગળું બેસી જાય અથવા ઇન્ફેક્શન થવાની સમસ્યા રહેતી હોય, માસિક સ્રાવ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય, ઈજા પહોંચી હોય તો ઘાને રૂઝવવામાં એ ફાયદો કરે છે. એમાં રહેલાં પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આટલું જાણ્યા બાદ ઘણા લોકો દવાઓ બંધ કરી દઈને બ્લુ ટર્મરિક જ ખાઈશું અને એનાથી બધું મટી જશે એવું વિચારવા લાગે છે, જે ખોટું છે. બ્લુ ટર્મરિક સપોર્ટિવ મેડિસિન છે. તમારી ટ્રીટમેન્ટ સાથે આ નુસખો કરશો તો સમસ્યાથી સમય કરતાં જલદી છુટકારો મળશે. પિરિયડ પેઇનમાં કાળી હળદર કુદરતી પેઇનકિલરનું કામ કરે છે.’

કોણ ન લઈ શકે?

પીળી હળદરની જેમ કાળી હળદરનું સેવન નિયમિત થઈ શકે નહીં. એ બહુ પાવરફુલ મેડિસિન હોવાથી એનો ઉપયોગ નિષ્ણાતની નિગરાણી હેઠળ જ કરવો જોઈએ એવો આગ્રહ કરતાં કેવા લોકોએ આનાથી અંતર જાળવવું જોઈએ એ વિશે અશ્વિની કહે છે, ‘જેમને શ્વાસની તકલીફ હોય, સાંધાના દુખાવા હોય અથવા જેઓ વારંવાર બીમાર પડતા હોય એવા પુખ્ત વયના લોકો માટે બ્લુ ટર્મરિક દવાનું કામ કરશે પણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, PCOS, થાઇરૉઇડ જેવી સમસ્યા હોય એવા લોકોને ડૉક્ટરની સલાહ વગર આ હળદરને હાથ લગાવવો ન જોઈએ. ખાસ કરીને જે હાર્ટ પેશન્ટ્સ છે એ લોહી પાતળું કરવાની ગોળી લેતા હોય છે તેમને બ્લુ ટર્મરિકથી અંતર જાળવવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે બ્લુ ટર્મરિકનું સેવન વર્જિત છે. બ્લુ ટર્મરિકની તાસીર બહુ ગરમ હોય છે તેથી જેમની તાસીર ગરમ હોય અને વારંવાર ઍ​સિડિટી રહેતી હોય તેમણે બ્લુ ટર્મરિકનું સેવન ટાળવું જોઈએ. જેમની સર્જરી થવાની હોય તેમણે બ્લુ ટર્મરિક ન ખાવી જોઈએ, કારણ કે એ લોહી ગંઠાવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. એના સેવન દરમિયાન માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈ. એક તંદુરસ્ત વ્યક્તિએ અઠવાડિયામાં પાંચ ગ્રામથી વધુનું સેવન કરવું ન જોઈએ. જો એનો ઇન્ટેક વધે તો પેટમાં બળતરા, ઊબકા, ચક્કર આવવાં અથવા પેટમાં ગરબડ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેવી રીતે કરવું સેવન?

બ્લુ ટર્મરિકના સેવન વિશે વાક કરતાં અશ્વિની કહે છે, ‘બ્લુ ટર્મરિકનો ઉપયોગ સામાન્ય હળદરની જેમ રસોઈમાં શાક-દાળમાં મોટા પાયે નથી થતો. ગળાના દુખાવા કે ઇન્ફેક્શન હોય તો એક ચમચી મધમાં એક ગ્રામ જેટલો કાળી હળદરનો પાઉડર મિક્સ કરીને ખાવાથી રાહત મળશે. અને ગરમ દૂધમાં એક ચપટી કાળી હળદરનો પાઉડર નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાંધાના દુખાવા કે પગ મચકોડાઈ ગયો હોય તો એના સેવનથી ફાયદો થાય છે અથવા એની પેસ્ટ બનાવીને લગાવવાથી પણ રાહત મળે છે.’

શું કહે છે આયુર્વેદ?

ઘાટકોપરમાં રહેતા અને બે આયુર્વેદ ક્લિનિકનું સંચાલન કરતા આયુર્વેદાચાર્ય દિનેશ હિંગુ બ્લુ ટર્મરિકનું આયુર્વેદમાં મહત્ત્વ શું છે એ સમજાવતાં જણાવે છે, ‘હળદરના ચાર પ્રકાર છે, સફેદ, પીળી, આંબા અને કાળી હળદર. આયુર્વેદમાં કાળી હળદરને કૃષ્ણ હરિદ્રા કહેવાય છે. કૃષ્ણ એટલે શ્યામવર્ણ અને હરિદ્રા એટલે હળદર. એનું પ્લાન્ટેશન દુર્લભ હોવાથી માર્કેટમાં એની કિંમત બહુ વધારે છે. કાળી હળદરનો ઉપયોગ વશીકરણ, તાંત્રિક વિદ્યા અને જ્યોતિષશાસ્ત્રમાં થાય છે એવું સાંભળવામાં આવે છે પણ આરોગ્યની દૃષ્ટિએ આયુર્વેદમાં એનું મહત્ત્વ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, કુષ્ઠ રોગ, પાઇલ્સ, કૃમિદોષ, રક્તદોષ તરીકે ઍન્ટિ-ફંગલ, કોઢ અને માઇગ્રેન, પિત્ત દોષ, અસ્થમા, શ્વસનને લગતી સમસ્યામાં અને સ્વેલિંગ હોય તો કાળી હળદરનો ઉપયોગ ગુણકારી છે. ફિટ આવતી હોય તો અને વેટરિનરી ડૉક્ટર્સ પણ સારવારમાં આ હળદરનો ઉપયોગ કરે છે. આયુર્વેદમાં આ હળદરને સૌથી પાવરફુલ માનવામાં આવે છે તેથી એનું સેવન અતિ મર્યાદિત થાય છે.’

તમને ખબર છે?

બ્લુ ટર્મરિકનું સાયન્ટિફિક નામ કર્કુમા કેસિયા છે. આ પ્રકારની હળદર મુખ્યત્વે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ઊગે છે. એની ખેતી અત્યંત મુશ્કેલ છે અને પાકતાં પણ નવથી ૧૨ મહિના જેટલો સમય લાગે છે. રસપ્રદ વાત એ છે કે એની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો એ પોતાનો કુદરતી વાદળી રંગ અને ગુણધર્મો ગુમાવી શકે છે. ભારતમાં આ બહુ જ મર્યાદિત પ્રમાણમાં મળે છે પણ એના ઔષધિય ગુણોને કારણે માર્કેટમાં એને બ્લુ ગોલ્ડ કહેવાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે પીળી હળદરની કિંમત કરતાં ૧૦થી ૧૫ ગણા વધુ ભાવમાં બ્લુ ટર્મરિક વેચાય છે. એની દુર્લભતા અને એના ઔષધીય તેલની વધતી ડિમાન્ડને લીધે એનું સ્થાન પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં આવે છે.

ઉત્તર-પૂર્વ ભારતના આદિવાસી વિસ્તારોમાં હજી પણ સાપ કે વીંછી કરડવા પર પ્રાથમિક સારવાર તરીકે કાળી હળદરનો લેપ કરવામાં આવે છે. એમાં રહેલા ગુણો ઝેરની અસરને ધીમી કરવામાં મદદ કરે છે એવું ત્યાંના લોકોનું માનવું છે.

કાળી હળદરને ઓળખવાની સૌથી સહેલી રીત એનાં પાન છે. એનાં લીલાં પાંદડાંની બરાબર વચ્ચે એક ઘેરી કાળી કે જાંબલી રંગની લાઇન હોય છે જે એને અન્ય હળદરની જાતથી અલગ પાડે છે.

ayurveda healthy living health tips life and style lifestyle news columnists