26 March, 2025 02:50 PM IST | Mumbai | Heena Patel
ટમેટાં ખાઈને ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવો
ઉનાળાની ગરમી અને તડકા વચ્ચે ઘરની બહાર પગ મૂકવાનું મન ન થાય, પણ તેમ છતાં કામકાજ માટે બહાર નીકળ્યા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ હોતો નથી. એવામાં સૂર્યનાં હાનિકારક કિરણો આપણી ત્વચાને નુકસાન ન પહોંચાડે એટલા માટે આપણે સનસ્ક્રીન લગાવી, સ્કાર્ફ ઓઢી, સનગ્લાસિસ પહેરીને ઘરની બહાર પગ મૂકતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે આપણે ડાયટમાં ટમેટા જેવા ફૂડનો સમાવેશ કરીને સૂર્યનાં હાનિકારક કિરણોની અસરથી થોડાઘણા અંશે રક્ષણ મેળવી શકીએ છીએ? એમાં એવું ખાસ પ્રકારનું ઍન્ટિઑક્સિડન્ટ છે જે સૂર્યનાં અલ્ટ્રા-વાયલેટ (UV) રેઝ સામે લડવાની તાકાત ધરાવે છે. એ સિવાય પણ ટમેટામાં પાણીનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, જે પાણીની ઊણપ ઓછી કરીને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદરૂપ બને છે. એવામાં ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતાં ટમેટાં ખાવાથી શરીરને કયા ફાયદાઓ મળી શકે એ વિશે ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ સકીના પાત્રાવાલા પાસેથી જાણીએ.
UV રેઝ કઈ રીતે નુકસાન કરે?
સૌથી પહેલાં તો UV રેઝ શરીરને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એ જાણવું જરૂરી છે. ઉનાળાના ધોમધખતા તડકાથી આપણી ત્વચાને સૂર્યનાં તેજ કિરણો એટલે કે અલ્ટ્રા વાયલેટ રેઝથી બચાવવી ખૂબ જરૂરી છે. અમુક લોકોની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે જે તડકો સહન કરી શકતી નથી, પરિણામે સન-ટૅન અને સનબર્નની સમસ્યા થાય છે. તડકાને કારણે ત્વચાનો રંગ કાળો પડી જાય એને સન-ટૅન કહેવાય છે. સનબર્ન એ ટૅન પછીની અવસ્થા છે, જેમાં સૂર્યનાં કિરણો તમારી ત્વચાના ઉપરના પડને બાળી નાખે છે. સનબર્નને કારણે ત્વચા પર લાલાશ, બળતરા થાય છે. ત્વચા લાંબો સમ સુધી UV રેઝના સંપર્કમાં રહે તો પ્રીમૅચ્યોર એજિંગ એટલે કે અકાળે વૃદ્ધત્વની સમસ્યા પણ થાય છે. ચહેરા પર કરચલીઓ આવી જાય, ત્વચા લચી પડે વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે એટલું જ નહીં, સૂર્યના UV રેડિયેશન ત્વચાનું કૅન્સર થવાનું જોખમ પણ ઊભું કરે છે. આ UV રેઝ સ્કિન સેલ્સને ડેમેજ કરી નાખે છે. સૂર્યના UV રેઝ ફકત ત્વચાને જ નહીં, આંખોને પણ નુકસાન પહોંચાડે છે. સૂર્યનાં UV કિરણો આંખોના કૉર્નિયાને નુકસાન પહોંચાડે છે જેને કારણે આંખો લાલ થવી, આંખોમાં બળતરા, આંખોમાંથી પાણી આવવું જેવી સમસ્યા થાય છે.
ટમેટાં કઈ રીતે લાભદાયક?
ટમેટાંમાં લાઇકોપિન નામનું એક ઍન્ટિઑક્સિડન્ટ હોય છે જે UV રેડિયેશન સામે રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. લાઇકોપિન UV રેડિયેશનને ઍબ્સૉર્બ કરી લે છે. આ એક પાવરફુલ ઍન્ટિઑક્સિડન્ટ છે જે શરીરમાં ત્વચાના કોષોને હાનિકારક ફ્રી રૅડિકલ્સથી ડૅમેજ થતા બચાવે છે. લાઇકોપિન કૅરોટીનૉઇડ પિગમેન્ટ છે. એટલે કે ટમેટાંનો જે લાલ રંગ હોય છે એ એને કારણે જ જોવા મળે છે. દિવસમાં તમે મીડિયમ સાઇઝનાં બે-ત્રણ ટમેટાં આરામથી ખાઈ શકો છો. ટમેટાં ખાવામાં એટલાં સ્વાદિષ્ટ અને જૂસી હોય છે કે તમે એને એમનેમ ખાઈ શકો. એ સિવાય તમે એનો જૂસ બનાવીને કે સૂપ બનાવીને પી શકો. લાઇકોપિન ફક્ત ટમેટાંમાં જ હોય એવું નથી; એ તરબૂચ, દાડમ, લાલ દ્રાક્ષ, ગુલાબી જામફળ વગેરેમાં જોવા મળે છે. એટલે ત્વચાને સન-ડૅમેજથી બચાવવા માટે આવાં ફળો ખાવાથી ફાયદો મળે છે.
હાઇડ્રેશન પણ પૂરું પાડે
ઉનાળામાં ટમેટાંનું સેવન કરવાનો ફાયદો એ છે કે એ શરીરને હાઇડ્રેશન પૂરું પાડે છે. ટમેટાંમાં ૯૫ ટકા પાણી હોય છે. તડકા અને પરસેવાને કારણે શરીર ડીહાઇડ્રેટ થાય એટલે કે એમાં પાણીની ઊણપ સર્જાતી હોય છે. એવામાં ટમેટાંનો જૂસ કે સૅલડ ખાવાથી શરીરમાં ઠંડક રહે છે. ટમેટાંમાં સારાં એવાં પોષકતત્ત્વો પણ હોય છે. એમાં વિટામિન C, K, A તેમ જ પોટૅશિયમ, ફોલેટ જેવાં મિનરલ્સ ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. એ સિવાય એમાં ફાઇબર, ઍન્ટિઑક્સિડન્ટ્સ પણ હોય છે જે એને ન્યુટ્રિશિયસ અને રિફ્રેશિંગ સમર ફૂડ બનાવે છે.
બીજા પણ ફાયદા જાણી લો
ટમેટાં ખાવાથી બીજા પણ અનેક લાભો થાય છે. ટમેટાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ પણ કરે છે. ટમેટાંમાં વિટામિન C સારી માત્રામાં હોય છે જે ઇન્ફેક્શન સામે લડવામાં ઇમ્યુનિટીને સપોર્ટ કરે છે. એવી જ રીતે એમાં રહેતા ઍન્ટિઑક્સિડન્ટ ઇન્ફ્લમેશન (શરીરમાં સોજા) ઓછું કરીને તેમ જ શરીરના કોષોને ડૅમેજ થતા બચાવીને ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. ટમેટાંમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે. ફાઇબર લોહીમાં શુગરના શોષણને ધીમું કરવામાં મદદ કરે છે, પરિણામે ઝડપથી બ્લડ-શુગર લેવલમાં વધારો થતો નથી. એટલે ડાયાબિટીઝના દરદીઓ પણ ટમેટાંનું સેવન કરી શકે. વેઇટ મૅનેજમેન્ટમાં પણ ટમેટાં ખાવાથી ફાયદો મળે છે. એમાં રહેલા ફાઇબરને કારણે ટમેટાં ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને એને કારણે ખાવાનું ક્રેવિંગ કન્ટ્રોલમાં રહે છે. ટમેટાં એક લો કૅલરી ફૂડ છે એટલે જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એ લોકો માટે પણ આ એક સારો વિકલ્પ છે.
બ્યુટી બેનિફિટ્સ
ટમેટાંને ખાવાથી ત્વચાને તો ફાયદો મળે જ છે અને એને ડાયરેક્ટ્લી સ્કિન પર અપ્લાય કરીને પણ ફાયદો મેળવી શકાય છે. ટમેટાંમાં રહેલાં લાઇકોપિન, વિટામિન C અને ઍન્ટિઑક્સિડન્ટ્સને કારણે સ્કિનકૅરમાં એને ખૂબ ઉપયોગમાં લેવાય છે. ટમેટાંનો ફેસમાસ્ક બનાવીને ચહેરા પર લગાડવામાં આવે છે. ટમેટાની પેસ્ટમાં મધ કે પછી ટમેટાં-લીંબુ, ટમેટાં-બેસન, ટમેટાં-દહીંને મિક્સ કરીને આ ફેસમાસ્ક બનાવાય છે. એને દસથી પંદર મિનિટ સુધી ચહેરા પર લગાવીને પાણીથી મોઢું ધોઈ નાખવાનું. એ ટમેટાના માસ્કથી ત્વચા સુંવાળી, ચમકદાર અને હાઇડ્રેટેડ બને છે. ઘણા લોકો ટમેટાંનો ઉપયોગ કરીને હેરમાસ્ક પણ બનાવતા હોય છે. ટમેટાંની પેસ્ટમાં નારિયેળ તેલ કે ઑલિવ ઑઇલ મિક્સ કરીને આ હેરમાસ્ક બનાવવામાં આવે છે. આ પેસ્ટને સ્કૅલ્પ-વાળમાં લગાવીને ૧૫-૨૦ મિનિટ રાખી મૂકવાની હોય અને પછી વાળ પાણીથી ધોઈ નાખવાના. આ હેરમાસ્કના ઉપયોગથી વાળ મજબૂત, ચમકદાર થાય તેમ જ હેરફૉલ અને ડૅન્ડ્રફ ઓછો કરવામાં પણ મદદ કરે. ટમેટાંથી વાળ અને સ્કિનને ચોક્કસ ફાયદો થાય છે. જોકે જેમની સ્કિન વધુપડતી સેન્સિટિવ છે અથવા તો જેમને અગાઉથી જ ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે ડર્મેટોલૉજિસ્ટની સલાહ લીધા વગર ટમેટાંનો યુઝ કરવાનું ટાળવું જોઈએ.