મારું કૅન્સર મટાડ્યા પછી મને ફરીથી સારું જીવન જીવવામાં કેવી રીતે મદદ કરશો? આ પ્રશ્ન તમારા ડૉક્ટરને પૂછો

29 July, 2026 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅન્સરની સારવાર માત્ર ગાંઠ દૂર કરવા પૂરતી નથી. સારવાર પછી ફરી સામાન્ય જીવન, કસરત, માનસિક સ્વાસ્થ્ય અને બ્રેસ્ટ રીકન્સ્ટ્રક્શન જેવા વિકલ્પો વિશે ડૉક્ટર સાથે ખુલ્લી ચર્ચા કરવી એટલી જ જરૂરી છે. યોગ્ય માહિતી જ ઝડપી અને આત્મવિશ્વાસભરી રિકવરીનો આધાર બને છે

પ્રતીકાત્મક તસવીર

હું માનું છું કે દરેક દરદીએ પોતાના ડૉક્ટર સાથે નિખાલસ રહેવું જરૂરી છે. બીમારી આવે એટલે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાને બદલે મનની બધી જ મૂંઝવણો જો તમે ડૉક્ટરને કહો, જેટલા પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે એ બધા તેમને પૂછો તો તમારા મનનું સમાધાન થશે અને ઇલાજનો સાચો રસ્તો તમે પકડી શકશો. ઘણી વખત દરદી ડૉક્ટર સાથે વાત નથી કરતો અને મનમાં જ બધું ધારી લે છે એટલે ઘણી વસ્તુઓ મિસ થઈ જાય છે અને તકલીફો વધે છે. હું મારા દરદીઓને કહું છું કે તમે મને જેટલા પ્રશ્નો પૂછવા માગતા હો એટલા પ્રશ્નો પૂછો. તક હાથમાંથી નીકળી જાય એ પછી નહીં, પરંતુ સારવાર પહેલાં જ મારી સાથે ચર્ચા કરી લો. એક પ્રશ્ન આ છે જે દરેક દરદીએ પૂછવો જોઈએ કે ડૉક્ટર, તમે મારું કૅન્સર મટાડ્યા પછી મને ફરી સારું જીવન જીવવામાં કેવી રીતે મદદ કરશો? આ વાતચીતથી જ આધુનિક કૅન્સરની સંભાળની સાચી શરૂઆત થાય છે.
લોકો માની લે છે કે બ્રેસ્ટ કૅન્સર પછીના જીવનનો અર્થ એ છે કે શારીરિક પ્રવૃત્તિઓ છોડી દેવી, પણ એવું જરાય નથી. વાસ્તવમાં કસરત એ રિકવરીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. યોગ્ય રીતે રૂઝ આવ્યા પછી અને પુનર્વસન બાદ મોટા ભાગના દરદીઓ ધીમે-ધીમે ચાલવું, યોગ, સ્વિમિંગ, સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ અને રમતગમતમાં પણ પાછા ફરી શકે છે. શરીરને સાજા થવા માટે હલનચલનની જરૂર હોય છે. મને એવું ખૂબ ગમે જો દરદી મને આવીને પૂછે કે સાહેબ, હું ફરી ક્યારે કસરત કરી શકું? અહીં એ સમજવું પણ જરૂરી છે કે ફરી પહેલાં જેવું જીવન કરવાની કોઈ ઉતાવળની જરૂર નથી, પરંતુ કસરત તમને રિકવર થવામાં અઢળક મદદ કરશે એટલે એ માટેનું આયોજન હોવું જરૂરી છે.
ઘણી મહિલાઓ હજી પણ માને છે કે સ્તન ગુમાવવાનો અર્થ એ છે કે આખી જિંદગી સ્તન વિના જ રહેવુ જે હવે સાચું નથી. કેન્સરના પ્રકાર અને સ્ટેજ પર આધાર રાખીને આજે ઘણી મહિલાઓ સ્તન-સંરક્ષણ એટલે કે બ્રેસ્ટ કન્ઝર્વેશન અથવા એક જ સર્જરી દરમ્યાન તાત્કાલિક સ્તન પુનઃ નિર્માણ જેને રીકન્સ્ટ્રક્શન કહે છે એ ઑપ્શન પર જઈ શકે છે. જો તમને લાગ્યું કે એકસાથે મારે બધું કરવું નથી તો તમે પાછળથી પણ પુનઃ નિર્માણ પસંદ કરી શકો છો. મહત્ત્વનો મુદ્દો પસંદગીનો છે. કોઈ પણ મહિલાએ સારવાર પૂરી કર્યાના મહિનાઓ પછી એવું ન જાણવું પડે કે રીકન્સ્ટ્રક્શન પણ એક વિકલ્પ હતો જેની તેને ખબર જ નહોતી. મેડિકલ સાયન્સ દરરોજ આગળ વધે છે, પણ એના વિશે પૂરેપૂરી અને સાચી માહિતી તમને મળે એ જરૂરી છે.

lifestyle news life and style healthy living health tips cancer