કૅન્સરના દરદીઓએ ડૉક્ટરને કયા સવાલ અચૂક પૂછવા જોઈએ?

22 July, 2026 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્તન-કૅન્સરની સારવારમાં જીવ બચાવવાની સાથે સારવાર પછીનું જીવન પણ મહત્વનું છે. સર્જરી પહેલાં શરીર, આત્મવિશ્વાસ, કામ, કસરત અને જીવનની ગુણવત્તા અંગે ડૉક્ટરને જરૂરી પ્રશ્નો પૂછવા જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

કૅન્સરનો લગભગ દરેક દરદી જે પહેલો પ્રશ્ન પૂછે છે એ છે, ‘શું હું બચી જઈશ?’ આ એવો પ્રશ્ન છે જેનો જવાબ તો મળવો જ જોઈએ. જોકે સ્તન-કૅન્સરની વર્ષોની સારવાર પછી મને સમજાયું છે કે આ એકમાત્ર મહત્ત્વનો પ્રશ્ન નથી. બીજા પણ ઘણા પ્રશ્નો છે જે દરદીએ પૂછવા જોઈએ. જેમ કે શું હું મારા બાળકને દુખાવા વગર ભેટી શકીશ? શું મારો હાથ હંમેશ માટે સૂજેલો રહેશે? શું હું ક્યારેય જિમમાં પાછી જઈ શકીશ? શું હું પહેલાં જેવી જ દેખાઈશ? જો મને ભવિષ્યમાં બાળકો થાય તો શું હું તેમને સ્તનપાન કરાવી શકીશ? આ કોઈ માત્ર વ્યક્તિના દેખાવ સંબંધિત ચિંતાઓ નથી, આ જીવન સાથે જોડાયેલી ચિંતાઓ છે અને સારવાર શરૂ થાય એ પહેલાં આ વિશે ચર્ચા થવી જોઈએ. 
કૅન્સરની સર્જરી હવે બદલાઈ ગઈ છે એટલે આપણી વાતચીત પણ બદલાવી જોઈએ. એક પેઢી પહેલાં કૅન્સરની સર્જરીની સફળતા માત્ર એ વાતથી માપવામાં આવતી હતી કે ગાંઠ દૂર થઈ છે કે નહીં. આજે એ વ્યાખ્યા અધૂરી છે. આધુનિક બ્રેસ્ટ-કૅન્સરની સર્જરી માત્ર કૅન્સર દૂર કરવા પૂરતી સીમિત નથી. જો હું દરેક દરદીને સર્જરી પહેલાં એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરી શકું તો તે આ હશે કે આજથી એક વર્ષ પછી મારું જીવન કેવું હશે? કારણ કે કૅન્સરની સારવાર માત્ર ગાંઠ દૂર કરવા પૂરતી સીમિત નથી. એ વ્યક્તિને તેના પરિવાર, તેનું કામ, તેનો આત્મવિશ્વાસ અને તેની ઓળખ પાછી અપાવવા વિશે છે. સર્જ્યન તરીકે અમે અમારી ટેક્નિકલ કુશળતાને સુધારવામાં વર્ષો વિતાવીએ છીએ, પરંતુ ઑપરેશન થિયેટરથી આગળની મુસાફરીને સમજવામાં દરદીઓને મદદ કરવી એટલી જ મહત્ત્વપૂર્ણ છે. અમારા કામમાં કેટલા લોકોને તમે બચાવી શક્યા અને તેમનું જીવન ટકાવી રાખવામાં તેમને મદદ કરી શક્યા એ મહત્ત્વનું છે. સર્જિકલ માર્જિન અને પૅથોલૉજી રિપોર્ટ્‍સ પણ અમારા માટે મહત્ત્વના છે, પરંતુ અમારું કામ અહીં સુધી જ સીમિત નથી.
આ બધું સારું છે, પરંતુ દરદીઓ કંઈક બીજું યાદ રાખે છે. તેઓ યાદ રાખે છે કે કૅન્સર પછીના જીવન માટે કોઈએ તેમને તૈયાર કર્યા હતા કે નહીં. શ્રેષ્ઠ કૅન્સર સર્જરી ત્યારે પૂરી નથી થતી જ્યારે ટાંકા લેવાઈ જાય છે. એ ત્યારે પૂરી થાય છે જ્યારે દરદી ફરી એક વાર તેના બાળકને ઊંચકી શકે, કામ પર પાછો ફરી શકે, ડર વગર કસરત કરી શકે, આત્મવિશ્વાસ સાથે અરીસામાં જોઈ શકે અને અનુભવી શકે કે કૅન્સરે તેની વાર્તા બદલી નાખી છે પણ તેના બાકીના જીવનને વ્યાખ્યાયિત નથી કર્યું.

lifestyle news life and style cancer health tips healthy living