10 March, 2026 12:15 PM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર
આરોગ્ય આપણું સૌથી મોટું ધન છે પરંતુ દૈનિક જીવનની દોડધામમાં આપણે એની સાચી કાળજી લેતા નથી. શરીર જ્યારે નાની-નાની પીડા, થાક, ગરદનનો દુખાવો, પીઠમાં ખેંચાણ અથવા સાંધામાં હળવો દુખાવો આપે છે ત્યારે એ એક ચેતવણી હોય છે. છતાંય ઘણી વાર આપણે એને સામાન્ય છે, થોડા દિવસમાં ઠીક થઈ જશે કહીને અવગણી દઈએ છીએ. જે દુખાવો પહેલાં ક્યારેક-ક્યારેક થતો હતો એ પછી રોજ થવા લાગે છે અને એક દિવસ એવો આવે છે કે એ અસહ્ય બની જાય છે. ત્યાર બાદ જ આપણે ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. હકીકતમાં શરીર શરૂઆતથી જ સંકેત આપતું હોય છે. જો આપણે સમયસર ધ્યાન આપીએ, યોગ્ય કસરત કરીએ, પૉશ્ચર સુધારીએ અને જરૂર પડે ત્યારે નિષ્ણાતની સલાહ લઈએ તો ઘણી મોટી સમસ્યાઓથી બચી શકાય છે. આવી જ એક સમસ્યા ફૅટ પૅડ એટલે કે બફેલો હમ્પ વિશે વાત કરવાની છે જેનાથી લોકો અજાણ છે. મોટા ભાગની મહિલાઓને ગરદનની પાછળના ભાગમાં ફૅટ જમા થયેલી દેખાય છે પરંતુ એને સામાન્ય ગણીને અવગણવામાં આવે છે. આ ફૅટ પૅડ શું છે, શા માટે થાય છે અને એને અટકાવવાના ઉપાયો કે ઇલાજ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
દસથી વધારે વર્ષનો અનુભવ ધરાવતા કાયરોપ્રેક્ટર (સરળ શબ્દોમાં એવા ડૉક્ટર જે હાડકાં, ખાસ કરીને રીઢ (પીઠનાં હાડકાં), ગરદન અને સાંધાના દુખાવાની સારવાર હાથથી દબાણ અને ઍડ્જસ્ટમેન્ટ કરીને કરે છે) ડૉ. આકાશ પટેલ કહે છે, ‘ફૅટ પૅડની સમસ્યા એટલી સામાન્ય છે કે લોકોની નજરમાં આવતી હશે પણ તેમને જાગૃતિ નથી કે આ સમસ્યા મોટું રૂપ ધારણ કરી શકે છે. મારી પાસે એક મહિનામાં આવતા દરદીઓમાં ૮૦ ટકા મહિલાઓ, ૧૫ ટકા પુરુષો અને ૫ ટકા બાળકો હોય છે. ૮૦ ટકા મહિલાઓમાં પણ પ્રસૂતિનો અનુભવ કરી ચૂકેલી હોય છે તેમની સંખ્યા ખૂબ જ વધારે છે. હવે તમને ફૅટ પૅડ એટલે કે બફેલો હમ્પ વિશે સમજાવું. ગરદનની પાછળ ફૂલેલો, ચરબી જેવા ભાગ દેખાય છે એને ફૅટ પૅડ કહેવાય છે. એ થવાનાં ઘણાં કારણો છે. પૉશ્ચર ઇમ્બૅલૅન્સ એટલે કે ખોટી રીતે બેસવા કે ઊભા થવાની ટેવ, જીવનશૈલી બેઠાડુ હોય કાં તો ભારે કામ કરતા હોય છે. ખભાના બન્ને ભાગ આગળની બાજુ ઝુકાવીને કામ કરતા હોય એટલે કે ખભા ગોળાકાર રહેતા હોય છે. સૂતી વખતે ઓશીકાની ઊંચાઈ કે જાડાઈ બરાબર ન હોય તો સમય સાથે સ્નાયુઓ નબળા પડી જાય છે કાં તો સ્ટિફ થઈ જાય છે, જેના કારણે સર્વાઇકલ મણકા એટલે કે ગરદનના ભાગના સાત મણકામાંથી કોઈ પણ મણકાની ગાદી કે નસ પર દબાણ આવે છે ત્યારે ગરદન એની જગ્યા કરતાં આગળ જાય છે, હમ્પ બને છે. અમુક પરિસ્થિતિમાં ગરદન પૂરી રીતે ફરી નથી શકતી.’
નજરે દેખાતી આ પરિસ્થિતિ ચોક્કસથી અટકાવી શકાય પરંતુ મોટા ભાગે લોકો શરીર કામ કરવાનું બંધ ન કરી દે ત્યાં સુધી દુખાવો સહન કરતા હોય છે. ડૉ. આકાશ કહે છે, ‘અમુક ચિહ્નોને ખાસ ધ્યાનમાં લેવાં જોઈએ. સવારે ઊઠતાં તમે એનર્જેટિક છો કે આળસ અનુભવો છો? છ કે આઠ કલાકની ઊંઘ બાદ પણ શરીર આળસ અનુભવે કે સ્નાયુઓ સ્ટિફ લાગે છે? સવારે ઊઠીને અડધો કલાક સ્ટિફનેસ લાગે છે અને પછી આખો દિવસ તમે એનર્જેટિક અનુભવો છો? ફોનમાં ૧૦-૧૫ મિનિટ સુધી નીચે જુઓ છો કાં તો બુક વાંચો છો અને એટલી વારમાં જ તમારો હાથ થાકી જાય છે, ગરદન અકડાઈ જાય છે, તમને પોઝિશન બદલવાની જરૂર જણાય છે? આ બધા પ્રશ્નો પૂછવા પડે તો કદાચ ફૅટ પૅડ બની રહ્યું હોઈ શકે. આ સમસ્યાથી કોઈ પથારીવશ નથી થઈ જતું પરંતુ તેમનો દુખાવો આક્રમક થઈ શકે છે. દિવસે ને દિવસે શરીર સ્ટિફ થતું જશે. ગળા પાસેના મણકાની સમસ્યા વ્યક્તિના ઇમોનશનલ અને મેન્ટલ વેલબીઇંગ પર અસર કરે છે.’
ઉપર્યુક્ત સમસ્યા પોતાના અંગત અનુભવથી સમજાવતાં ડૉ. આકાશ કહે છે, ‘સર્વાઇકલ નર્વ કમ્પ્રેશન એટલે ગરદનની નસ જ્યારે નજીકના હાડકા અથવા ડિસ્ક દ્વારા દબાય ત્યારે આ સમસ્યા થાય છે. મારી મમ્મીને હેવી વર્કલોડના કારણે ગરદનની નસ દબાઈ ગઈ હતી એટલે ઊભાં થાય કે થોડું પણ ચાલે એટલે ચક્કર આવે. હું બે વર્ષનો હતો ત્યારે તેમને આ સમસ્યા શરૂ થઈ હતી. ૧૭ વર્ષ સુધી કેટલાય ડૉક્ટરોને બતાવ્યું. હાડવૈદ્ય, ભૂવા લગભગ બધું જ ટ્રાય કરી લીધું હતું. ત્રણ મહિના એવો દુખાવો રહ્યો જેમાં તેમને સતત પથારી પર સૂવું જ પડે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે તેમનાથી રસોઈ થતી બંધ થઈ ગઈ હતી. જ્યારે ઘરની મહિલાના શરીરમાં દુખાવો થાય ત્યારે એની પીડા આખા ઘરને અનુભવાય છે. એ સમય દરમ્યાન કાયરોપ્રેક્ટર ડૉ. વિઠ્ઠલ પટેલ અમેરિકાથી આવ્યા હતા. અનાયાસ અમને આ ડૉક્ટર વિશે જાણકારી મળી તો મારાં મમ્મીના ઇલાજ માટે તેમની પાસે ગયા. હવે તેમણે કોઈ દવા કે ઑપરેશન કે કોઈ મોટાં સાધનોનો ઉપયોગ નહોતો કર્યો. મારી મમ્મીને માત્ર એક બેન્ચ પર બેસાડીને ગરદનમાં ઍડ્જસ્ટમેન્ટ કર્યું. જે છેલ્લાં સત્તર વર્ષમાં નહોતું થયું એ એક અઠવાડિયામાં થઈ ગયું. મારી મમ્મીની પરિસ્થિતિમાં તરત જ ૩૦ ટકા સુધારો દેખાયો અને મારી મમ્મીની રસોઈ ફરી શરૂ થઈ ગઈ. ત્યાંથી આખા પરિવારની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. મારો અનુભવ ત્યારનો છે કે જો મહિલાઓને ગરદન કે કમરમાં દુખાવો થતો હોય તો આખા ઘરને એનો અનુભવ થતો હોય છે. આ પરિસ્થિતિ પછી જ મેં આ ફીલ્ડમાં આવવાનું નક્કી કર્યું. મારે ભારતને પેઇનમાં રાહત આપવાની કોશિશ કરવી છે કારણ કે આ એવી વસ્તુ છે જે અટકાવી શકાય છે. ’
આપણા સમાજની વિટામિન B12 અને D3ની ગેરમાન્યતા દૂર કરતાં ડૉ. આકાશ કહે છે, ‘દર વર્ષે લોકોએ આ બે વિટામિનની ટેસ્ટ કરાવવી જોઈએ. આ બે વિટામિન શરીરની નસને હેલ્ધી રાખે છે જેના લીધે સ્નાયુ કે સાંધાના દુખાવાની સમસ્યા રહેતી નથી. લોકોની ગેરમાન્યતા એ છે કે વેજિટેરિયન લોકોમાં ૨૦૦ સુધીનું B12 હોય તો વાંધો નથી આવતો, પરંતુ સ્પાઇનને હેલ્ધી રાખવા માટે એની માત્રા ૫૦૦થી ઉપર હોવી જોઈએ. ગૃહિણીઓને જ્યારે કસરત કરવાની સલાહ આપવામાં આવે ત્યારે તેમનો પ્રત્યુત્તર હોય છે કે આખો દિવસ ઘરનું કામ કસરત બરાબર છે. હવે અહીં એ સમજ કેળવવી જરૂરી છે કે કસરત સિમેટ્રિકલ એટલે કે બન્ને બાજુ થવી જોઈએ. ધારો કે તમે દરરોજ જમણા હાથમાં સાવરણી પકડીને કચરો કાઢો છો તો માત્ર જમણી બાજુના સ્નાયુઓ પર જ ભાર આવે છે, જે આગળ જઈને સમસ્યા બની શકે છે. અત્યારે જિમમાં જનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જિમમાં જનારા કોઈ પણ પોતાના શરીરનું અસેસમેન્ટ કરાવીને નથી જતા. એટલે કે ભૂતકાળમાં કોઈ અકસ્માતમાં શરીરને ઈજા થઈ હોય કે કોઈ સ્નાયુઓ ઘસાયા હોય તો જિમમાં તમારું શરીર સિમેટ્રિકલ કસરત કરી રહ્યું છે કે નહીં એનો ખ્યાલ નહીં આવે. બૅક, સ્ટમક અને હિપ્સના સ્નાયુઓની નિયમિત કસરત કરો તો તમારી સ્પાઇન અને શરીર બહુ જ મજબૂત રહેશે. મારી કોશિશ રહે છે કે ઇન્સ્ટાગ્રામ પર સરળ રીતે કસરત થઈ શકે એવા વિડિયો શૅર કરું. કોઈ પણ કસરત કરો તો નિયમિત કરવી અને પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછો એક મહિનાનો સમય આપવો. કસરત કરતી વખતે જો દુખાવો થાય તો નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી.’
ઘરની વડીલ મહિલાઓની સલાહ પર યુવાન મહિલાઓ આધાર રાખતી હોય છે. પ્રસૂતિ બાદ મહિલાઓ અવારનવાર ગરદન અને કમરના દુખાવાની ફરિયાદ કરતી હોય છે અને તેમને આ દુખાવો સામાન્ય છે એમ કહીને સહન કરવાનું કહેવામાં આવતું હોય છે. આ ગેરમાન્યતા દૂર કરતાં તેઓ કહે છે, ‘ગર્ભમાં બાળકનો સાતમા, આઠમા અને નવમા મહિનામાં જે વિકાસ થાય છે એના કારણે મહિલાઓની કમરના સ્નાયુઓ એક્સપાન્ડ થતા હોય છે. પેટ જેટલું બહાર આવે એટલો કમરમાં આર્ચ - વળાંક વધતો હોય છે. બાળકના જન્મ પછી કંઈ ત્રણ દિવસમાં સ્નાયુ પોતાની મૂળ સ્થિતિમાં નથી આવી જતા. ત્યાર બાદ મહિલાને બાળકને સ્તનપાન કરાવવા માટે લાંબો સમય સુધી બેસી રહેવાનું, તેને ઘોડિયામાં સુવડાવવા કે રમાડવા માટે વારંવાર ઝૂકવું પડે છે. આ બધાં કાર્યને કારણે તેની કમર અને ગરદન સતત કાર્યરત રહે છે. શરૂઆતના તબક્કામાં મહિલાને ઘરની વડીલ મહિલાઓ દ્વારા એમ કહેવામાં આવતું હોય છે કે આ સામાન્ય દુખાવો છે, થોડા સમય બાદ સારું થઈ જશે. મહિલાઓ કામના બોજમાં દુખાવો ભૂલી જાય છે અને પછી એને અવગણતી થઈ જાય છે. આ દુખાવો ક્રૉનિક થયા બાદ તેઓ ડૉક્ટર પાસે જાય છે અને આજીવન સહન કરે છે. મારી મહિલાઓને ખાસ વિનંતી છે કે પ્રસૂતિ બાદ તમારે શરીરની કરોડ પર કાર્ય કરવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી ભવિષ્યમાં તમારે સર્જરી કે સતત દવા પર આધાર ન રાખવો પડે.’