07 October, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર ખૂબ થાકીને પથારીમાં સૂવા પડીએ ત્યારે પગમાં બળતરા, ગરમાટો અને ઝણઝણાટી મહેસૂસ થતી હોય છે. ખાસ કરીને પગનાં તળિયાંમાં બળતરા થવાથી કે પિંડીઓમાં કળતર થવાથી અને ખેંચાણ અનુભવાતું હોવાથી ઊંઘમાં પણ ખલેલ પડે છે. સામાન્ય સંજોગોમાં આ લક્ષણ શરીરમાં વિટામિન B12ની ઊણપ દર્શાવે છે. જોકે દરેક વખતે એવું જ હોય એ જરૂરી નથી. જો બળતરા અને કળતરની તીવ્રતા વધારે હોય તો બીજી સંભાવનાઓ વિશે પણ વિચાર કરવો જોઈએ. પગમાં ઝણઝણાટી અને બળતરા સતત રહેતી હોય અથવા તો ખાલી ચડી જતી હોય તો બ્લડ-શુગર બેકાબૂ થઈ ગઈ હોવાની સંભાવના રહે છે. થાઇરૉઇડ હૉર્મોનમાં અસંતુલનને કારણે હાઇપરથાઇરૉઇડ કે હાઇપોથાઇરૉઇડની તકલીફ હોય તો પણ પગનાં તળિયાંના ચેતાતંતુઓ પ્રભાવિત થાય છે.
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર પેરિફેરલ નર્વમાં ગરબડ થવાથી પગનાં તળિયાંમાં બળતરા થઈ શકે છે. પેરિફેરલ નર્વ એટલે શરીરના છેવાડાના ભાગોમાં આવેલા ચેતાતંતુઓ. આખા શરીરમાં ફેલાયેલા કરોડો ચેતાતંતુઓના નેટવર્કનું મુખ્ય કેન્દ્ર મગજ અને કરોડરજ્જુમાં રહેલું છે. પગનાં તળિયાં આ મેઇન સેન્ટરથી સૌથી દૂર હોય છે એને પેરિફેરલ એટલે કે શરીરના છેવાડાના ભાગમાં આવેલી નર્વ્સ કહેવાય છે. સામાન્ય રીતે શરીરમાં ક્યાંય પણ સ્પર્શ કરો તો એ સંવેદના ચેતાતંતુઓ થકી મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચતી હોય છે અને મગજ એ સ્પર્શ કેવો છે એનું વિશ્લેષણ કરીને એ સ્પર્શ શરીર માટે કેવો છે એ નક્કી કરીને શું કરવું એનો આદેશ આપે છે. પગનાં તળિયાંમાં ટાંચણી ભોંકાય તો તરત એ સંવેદના ચેતાતંતુ દ્વારા મગજમાં પહોંચે છે અને મગજ આદેશ આપે છે કે એ નુકસાનકારક છે એટલે આપણે પગ પાછો ખેંચી લઈએ છીએ. જ્યારે મગજથી પગ સુધી પહોંચતા આ સંદેશાવાહક ચેતાતંતુઓમાં ગરબડ ઊભી થાય ત્યારે સેન્સેશન્સ પ્રભાવિત થાય છે. એ ગરબડને કારણે કાં તો ચેતાતંતુઓ સતત ઉત્તેજિત રહે છે કાં સુન્ન પડી જાય છે. સતત ઉત્તેજિત રહેતી ચેતાઓને કારણે બળતરા મહેસૂસ થાય છે અને સુન્ન પડી જાય તો સંવેદના મહેસૂસ જ નથી થતી.
પગનાં તળિયાંમાં થતી બળતરા માટે સૌથી પહેલું કારણ વિટામિન B12ની ઊણપ હોઈ શકે છે. શાકાહારીઓમાં ખોટી લાઇફસ્ટાઇલને કારણે આ વિટામિનની ઊણપ ઊભી થવાની સંભાવના વધુ હોય છે.
બીજું કારણ છે વિટામિન B6નાં સપ્લિમેન્ટ્સનો ઓવરડોઝ. જે લોકો મલ્ટિવિટામિન અથવા તો શક્તિની દવા લેતા હોય છે અને એમાં વિટામિન B6 વધુ માત્રામાં હોય છે ત્યારે સેન્સરી ન્યુરોપથી એટલે કે ચેતાતંતુઓમાં વધુપડતાં સેન્સેશન્સ થઈ શકે છે.
ત્રીજું કારણ હોઈ શકે છે ડાયાબિટીઝ. લોહીમાં વધી ગયેલી અનિયંત્રિત શુગર પગના ચેતાતંતુઓને કડક કરી દે છે અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. બ્લડ-શુગર વધવાને કારણે આ તકલીફ હોય તો પગમાં સોય ભોંકાવા જેવો અહેસાસ થાય છે. જોકે લાંબો સમય શુગર વધેલી રહે તો પગ સુન્ન પડી જઈ શકે છે.
ચોથું અને અત્યંત ગંભીર કારણ હોઈ શકે છે પેરિફેરિયલ ન્યુરોપથી. શરીરના છેવાડાના ચેતાકોષોમાં સંવેદના ઘટી જવાની આ સમસ્યાનો કોઈ ઇલાજ નથી.
પગમાં લાંબો સમય ખાલી ચડે, ઝણઝણાટી રહે અને સંવેદનશીલતા ઘટવા લાગે.
ચાલતી વખતે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે.
પગમાં નબળાઈ મહેસૂસ થાય.
પગમાં ઘા કે તીક્ષ્ણ ચીજો ભોંકાય કે લોહી નીકળે તોય સંવેદના ન થાય.
સૂતી વખતે પગની નીચે એક તકિયો રાખવો જેથી રક્તપ્રવાહ ઉપરની તરફ સારી રીતે થાય.
પગે પાંચથી ૧૦ મિનિટ માટે ઠંડું અથવા તો ગરમ કૉમ્પ્રેશન આપવું.
પગ ખુલ્લા રાખવા અથવા તો ખૂલતાં કપડાં પહેરવાં.
પગમાં બળતરા થવી એ કોઈ અન્ય સમસ્યાનું લક્ષણ છે, રોગ નહીં. વારંવાર આવું થતું હોય તો મૂળ રોગના કારણનું નિદાન કરવું જરૂરી છે. બ્લડ-ટેસ્ટ કરીને શુગર તેમ જ વિટામિન B16 અને B6નું લેવલ તપાસવું. શુગર કન્ટ્રોલમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો પેરિફેરલ નર્વ સુન્ન પડતી હોય તો ન્યુરોલૉજિસ્ટને કન્સલ્ટ કરીને વહેલાસર સારવાર શરૂ કરવી.