15 September, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૅફીન પાઉચ નાનાં પૅકેટ્સ હોય છે જેમાં કૅફીન અને ફ્લેવરિંગ્સ હોય છે. આ પાઉચને મોઢામાં રાખવામાં આવે છે જેથી કૅફીન સીધું લોહીમાં ઍબ્સૉર્બ થઈ જાય. આ કૅફીન પાઉચ જેન-ઝીમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યાં છે. થાક દૂર થાય અને શરીરને ત્વરિત ઊર્જા મળે એ માટે આ પાઉચનો ઉપયોગ થાય છે. સ્ટડી કરતી વખતે અથવા તો જૉબ પર લોકો એનો વધુ ઉપયોગ કરે છે. એનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. આનો ઉપયોગ કરવો પણ સરળ છે. એને ચાવવાની કે પીવાની જરૂર પડતી નથી. બસ, ફકત મોઢામાં રાખી દેવાનું હોય છે. ઉપરથી આ પાઉચને ગમે ત્યાં લઈ જઈ શકાય અને ઉપયોગ કરી શકાય છે. યંગસ્ટર્સમાં આ ટ્રેન્ડને કૂલ માનવામાં આવે છે.
જોકે નિષ્ણાતો કૅફીન પાઉચને શરીર માટે જોખમી ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક પાઉચમાં ૧૦૦-૨૦૦ મિલીગ્રામ કૅફીન હોઈ શકે છે જે એક કે બે કપ કૉફી બરાબર હોય છે. આટલું બધું હાઈ કૅફીન શરીર માટે સારું નથી. કૅફીનનું ત્વરિત અવશોષણ હૃદયની ગતિને વધારી શકે છે. એનાથી હાર્ટ પર સ્ટ્રેસ વધી શકે છે. કૅફીનનું વધુપડતું સેવન ચિંતા, અનિદ્રા, ચીડિયાપણું અને માથાનો દુખાવો જેવી સમસ્યા નોતરી શકે છે. સોશ્યલ મીડિયા પર કૅફીન પાઉચનો પ્રચાર વધી રહ્યો છે. ઇન્ફ્લુઅન્સર્સ જિમ વર્કઆઉટ માટે ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા એનો ઉપયોગ કરી રહ્યા હોવાનું દેખાડે છે. એટલે યંગસ્ટર્સ એનાથી આકર્ષિત થઈ રહ્યા છે.