શું બાળકને પણ ડિપ્રેશન આવી શકે છે ખરું?

08 October, 2021 12:51 PM IST  |  Mumbai | Kinjal Pandya

આજની પરિસ્થિતિમાં બાળકોને સ્કૂલ કે ક્લાસમાં એમના શિક્ષકો થકી અને ખાસ તો એમના મિત્રો થકી જે પર્સનલ ટચ મળતો હતો એ ઘરે બેઠા નથી મળતો

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૧૦ વર્ષની છે. આજકાલ એ વગર કારણે ગમે ત્યારે રડવા લાગે છે. હસવાનું તો જાણે કે ભૂલી જ ગઈ છે. કોઈ પણ વાતમાં એને રસ પડતો જ નથી. નીરસતા જ છલકાય. એ ક્યુબ ચૅમ્પિયન છે અને એને ક્યુબ શીખવો ખૂબ ગમે છે, પરંતુ છેલ્લા ક્લાસમાં એને ખબર નહીં શું થયું, ટીચર એને શીખવતા હતા ત્યારે ગુસ્સામાં આવી ફ્રસ્ટ્રેટ થઈને ક્યુબ તોડી દીધો. ઑનલાઈન ક્લાસથી એ ખૂબ ત્રાસી ગઈ છે. શું આ ડિપ્રેસીવ ટેન્ડન્સી છે? બાળકોને ડિપ્રેશન થાય? મને સમજાતું નથી કે મારે શું કરવું?

 માણસ એક સામાજિક પ્રાણી છે. એ એકલું કે ચાર માણસો વચ્ચે રહી શકતું નથી. એને જીવવા માટે બીજા માણસોની જરૂર રહે છે. આજની પરિસ્થિતિમાં બાળકોને સ્કૂલ કે ક્લાસમાં એમના શિક્ષકો થકી અને ખાસ તો એમના મિત્રો થકી જે પર્સનલ ટચ મળતો હતો એ ઘરે બેઠા નથી મળતો. તમારી દીકરીની પરિસ્થિતિ ખરાબ છે એનું કારણ એની એક-દોઢ વર્ષની પરિસ્થિતિ છે. એની જ નહીં, એના જેવડાં ઘણાં બાળકોની આ હાલત છે. હા, બાળકોને પણ ડિપ્રેશન થતું હોય છે. તમે એટલે જાગ્રત છો કે તમને સમજાય છે, બાકી ઘણાં માતા-પિતા આ બાબતની ગંભીરતાને સમજતાં નથી.

એના ઉપાય સ્વરૂપે સૌથી પહેલો ઉપાય એને જેટલું સુરક્ષિત વાતાવરણમાં ધ્યાન રાખીને બહાર લઈ જવાય એટલું લઈ જાવ. એનાથી એનું મન પણ ખૂલશે. ખાસ કરીને સવારના તડકામાં પ્રકૃતિના ખોળે એને લઈ જાવ, એનાથી ફરક પડશે. આ સિવાય ઘરે રહીને પણ તમે એને અઢળક સમય આપો. એની સાથે રમો, વાતો કરો, એના મિત્ર બનીને એનો સાથ આપો. એની કાલી-ઘેલી વાતો કરવા માટેનું વાતાવરણ તેને પૂરું પાડો. જેટલું એના મનમાં ભરાઈ ગયું છે એ બધું જ બહાર કાઢવાની કોશિશ કરો. તમને લાગે તો થોડા ઑનલાઈન કલાસીસ બંધ કરી દ્યો. ૪-૫ દિવસ ક્લાસ નહીં કરે તો કંઈ નુકસાન નથી થવાનું. એને સલાહ આપવાનું બંધ કરો. એને થોડી સ્વતંત્રતા આપો. જે બાળકો એમના મનને માતા-પિતા પાસે ઠાલવી શકે છે એ બાળકોને આ પ્રકારની તકલીફ ઘણી ઓછી થાય છે. માટે બાળકને થોડો વધુ સમય, થોડી વધુ કૅર, થોડી વધુ એની રુચિનું ધ્યાન અને અઢળક પ્રેમ આપશો તો એ આપોઆપ આ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે.

 

health tips