ઍન્ટાસિડ દવાઓ લાંબા ગાળા સુધી લઈ શકાય?

19 May, 2021 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા ૨-૩ મહિનામાં ઍન્ટાસિડ ખાવાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે મોટા ભાગે હવે તેઓ દરરોજ જમતાં પહેલાંના રૂટીનમાં એ દવા લઈ જ લે છે. ઍન્ટાસિડ ખાવાથી તેમને નુકસાન તો નહીં થાયને?

GMD Logo

મારા પતિ ૬૨ વર્ષના છે અને તેમને છેલ્લા ૬ મહિનાથી લગભગ દરરોજ ગૅસ અને ઍસિડિટીની તકલીફ રહે છે, ખાસ કરીને ઍસિડિટી. બળતરા થાય, ખાટા ઓડકાર આવે અને ઘણી વાર માથું ચડી જાય. તેઓ થોડું પણ મસાલાવાળું ખાય તો તેમને એટલી બળતરા થાય છે કે તેઓ રાતે સૂઈ નથી શકતા. આખી રાત જાગે એટલે વધુ ઍસિડિટી થાય. તેમને ખાવાનું એકદમ ચટાકેદાર જ ભાવે અને ઍસિડિટીમાં ખવાય નહીં એટલે તેઓ દરરોજ ખાધા પહેલાં ઍન્ટાસિડ સિરપ કે દવા ખાઈને જ જમવા બેસે. છેલ્લા ૨-૩ મહિનામાં ઍન્ટાસિડ ખાવાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે મોટા ભાગે હવે તેઓ દરરોજ જમતાં પહેલાંના રૂટીનમાં એ દવા લઈ જ લે છે. ઍન્ટાસિડ ખાવાથી તેમને નુકસાન તો નહીં થાયને?   
 
ઍન્ટાસિડ પ્રિસ્ક્રિપ્શન વગર જ મળતી હોય છે એટલે લોકો એને ફાવે એમ લેતા હોય છે. આ બધી દવા મોટા ભાગે આલ્કલાઇન હોય છે જે પેટમાં જઈ ઍસિડ સાથે ભળી એને ન્યુટ્રલ બનાવી દે છે એટલે તત્કાલીન જે બળતરા કે અનઇઝીનેસ હોય એ જતી રહે છે જે તાત્કાલિક રિલીફ માટે ઉપયોગી છે. ક્યારેક આ દવા લઈ લેવાય તો વાંધો નથી, પરંતુ રેગ્યુલર એ દવા લેવાથી સિસ્ટમ અપસેટ થાય છે. ક્યારેક એટલે ૬ મહિને એકાદ વાર લઈ શકાય, પરંતુ તમારા પતિને રેગ્યુલર જ ઍસિડિટી રહે છે અને આ દવાઓ પર નિર્ભર થઈ ગયા છે એટલે તેમણે તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે રેગ્યુલર આ દવા લેવાથી શરીરમાં જરૂરી ઍસિડનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે જેને લીધે ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે. આ સિવાય શરીરની પોતાની ઍસિડ ઉત્પન્ન કરવાની સિસ્ટમને એ કન્ફ્યુઝ કરે છે. એ લાંબા ગાળે નુકસાનકારક જ છે.
ઍન્ટાસિડ ઍસિડિટીનું ટેમ્પરરી સૉલ્યુશન છે, કાયમી નહીં.  એ જાણવું પહેલાં જરૂરી છે કે ઍસિડિટી પાછળ કયું કારણ જવાબદાર છે. જો એ પ્રૉબ્લેમ ઠીક કરશો તો તમારી તકલીફ એની મેળે ઠીક થશે. ફક્ત ઍન્ટાસિડ સિરપ કે પાઉડર પીવાથી ઉકેલ આવવાનો નથી. ઊલટું, એક સમય એવો આવશે કે એ ઍન્ટાસિડ પણ તમારા પર કામ કરવાનું મૂકી દેશે. માટે પહેલાં તમે તમારા પતિની ઍસિડિટીનું નિદાન કરાવો એ વધુ જરૂરી છે.

health tips columnists life and style