25 November, 2025 10:18 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ડિજિટલ માધ્યમોને કારણે દેશભરમાં ઊજવાતા તહેવારો ઘેરબેઠાં જોઈ શકાય છે. થોડા સમય પહેલાં જ બિહારીઓ દ્વારા ઊજવાતી છઠપૂજાના વિડિયો પૂરા ભારતે જોયા.
છઠપૂજાની બે વિશેષતાઓ આંખે ઊડીને વળગી. એક તો તેઓ માત્ર ઊગતા સૂર્યને જ નહીં, આથમતા સૂર્યને પણ એટલું જ માન આપે છે એ વાત જાણવા જેવી અને પ્રેરણાદાયક છે અને બીજું એ કે જેની વાત આજે આપણે વિસ્તારથી કરવી છે તે એ કે બિહારના ભણેલાંગણેલાં યુવકો-યુવતીઓ પણ કોઈ પણ જાતની શરમ અનુભવ્યા વગર ભાવપૂર્વક પૂજાપ્રસાદની સામગ્રીનો વજનદાર ટોપલો ભક્તિભાવથી માથા પર લઈને ચાલતાં નજરે પડ્યાં હતાં.
હજી થોડાં વર્ષો અગાઉ ખાસ કરીને ગામડાંમાં તો પુરુષ હોય કે સ્ત્રી, માથા પર વજન મૂકીને કોઈ પણ જાતના સંકોચ વગર ચાલતાં હતાં. એ વખતે પૈડાંવાળી ફૅન્સી બૅગો અસ્તિત્વમાં નહોતી. વીસથી ત્રીસ કિલોવાળી બૅગ એક હાથથી ઊંચકવામાં શરીરને ઘણા પ્રૉબ્લેમ થતા હોય છે એનો ખ્યાલ હોવાથી આપણાં માબાપ તો વજનદાર બૅગ-બિસ્તરા કે પોટલાં માથા પર મૂકીને આરામથી ચાલતાં અને તનમનથી સ્વસ્થ રહેતાં હતાં. આજે પણ દૂર-દૂરનાં ગામડાંઓમાં મહિલાઓ તળાવ કે કૂવામાંથી પાણી ભરેલાં માટલાં માથા પર મૂકીને લાવતી નજરે પડી જાય છે, પણ હવે જેમ-જેમ વિજ્ઞાન વિકસ્યું તેમ-તેમ ઘરે નળમાં પાણી આવતું થયું. પૈડાંવાળી બૅગોને લીધે માથા પર વજન ઊંચકવાની કસરત પણ ઘટતી ગઈ.
જોકે એક વાત યાદ રાખવી જોઈએ કે જેમ-જેમ આપણે વજન ઊંચકવાનું ભૂલતા જઈએ છીએ તેમ-તેમ તન-મનની બીમારીઓ પણ વધતી જાય છે. નિશ્ચિત અને સમતોલ વજન લઈને ચાલવાથી કેવા-કેવા ફાયદા થાય છે એના પર હવે નજર નાખીએ.
અતિ ઉત્તમ કસરત
વજન સાથે લઈને ચાલવાથી તમારા શરીરની વધુ કૅલરી ખર્ચાય છે. એનાથી સ્થૂળકાય વ્યક્તિને વજન ઘટાડવામાં ઘણી જ સહાયતા મળે છે. ઘણા યુવાનો વજન ઘટાડવા જિમમાં જાય છે. ત્યાં વેઇટલિફ્ટિંગ કરે છે. વિવિધ વજનનાં ડમ્બેલ્સ ઊંચકે છે, પરંતુ રોજિંદી લાઇફમાં વજન ઊંચકવાનું આવે તો મોં મચકોડે છે. યાદ રાખો કે તમારે વજન ઘટાડવું હોય તો ચાલવા-દોડવાની કસરત કરો છો એની સાથે વજન લઈને ચાલશો કે દોડશો તો ઝડપી પરિણામ મળશે. તમે જ્યારે ખાલી હાથે ચાલતા હો છો ત્યારે તમારા શરીરને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા જેટલી કૅલરી વપરાય છે, એના કરતાં વજન લઈને ચાલો ત્યારે શરીરની વધુ કૅલરી ખર્ચાય છે અને વધારાની ચરબી વપરાતાં શરીરના વજનમાં ઘટાડો થાય છે. વધુ વજનની સમસ્યા ધરાવતા લોકો માટે આ કસરત ફાયદાકારક સાબિત થાય છે.
શરીરના સ્નાયુઓ મજબૂત બને
વજન ઊંચકીને ચાલવાથી આપણા બે પગને ચાલવામાં અવરોધ આવે છે. આ અવરોધને કારણે પગના સ્નાયુઓને પૂરતું ખેંચાણ અને મજબૂતી મળે છે. વજન ઊંચકવાથી કસરતની તીવ્રતા આપોઆપ વધે છે, જેનાથી તમારા સ્નાયુઓ વધુ સખત અને મજબૂત બને છે. ધીરે-ધીરે પગથી લઈ પૂરું શરીર સ્નાયુબદ્ધ થતું જાય છે.
હૃદય પણ મજબૂત બને
વજન લઈને ચાલવાથી હૃદયને વધુ મજબૂતી દાખવવી પડે છે જેથી એ અસરકારક રીતે લોહીનું પમ્પિંગ કરી શકે. હૃદય મજબૂત અને કાર્યક્ષમ બને તો અકાળ આવી પડતી હાર્ટ સંબંધી બીમારીઓથી રાહત મળે છે.
હાડકાં મજબૂત બને છે
વજન લઈને ચાલવાથી સ્નાયુની સાથે-સાથે હાડકાંની મજબૂતી પણ વધે છે. હાડકાંની ઘનતામાં વધારો થાય છે. વજનનું દબાણ હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે જે ઑસ્ટિયોપોરોસિસને રોકવા માટે પણ ઉપયોગી છે.
માનસિક ફાયદા પણ ઘણા
વેઇટલિફ્ટિંગથી નોંધપાત્ર માનસિક સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત થાય છે. વજન ઊંચકવાથી શરીરમાં એન્ડૉર્ફિન નામનો અંત:સ્રાવ છૂટે છે જેનાથી મનની હતાશા, ચિંતા અને તનાવ દૂર થાય છે. મૂડ સુધરે છે. નિયમિત સમયે રોજ વજન ઊંચકવાના કાર્યથી મનની એકાગ્રતા વધે છે. મેડિટેશનથી જે ફાયદા થતા હોય એ ફાયદા આ કામથી પણ થાય છે. એક અભ્યાસ અનુસાર વજન ઊંચકવાના મહાવરાથી મગજની કાર્યક્ષમતા પણ વધે છે. મગજના નવા કોષોના વિકાસ માટે મદદ મળે છે. ઊંઘ સારી મળે છે. સમજણશક્તિ અને યાદશક્તિ પણ પ્રબળ બને છે.
શરૂઆત ધીમે-ધીમે
જોકે વજન ઊંચકવાની ધીમે-ધીમે શરૂઆત કરવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે શરૂઆતમાં એકી સાથે વધુ વજન ઉપાડવાથી તમારા સાંધા અને કરોડરજ્જુમાં દબાણ આવી શકે છે કે નુકસાન થઈ શકે છે.
આજકાલ શરીરમાં વજન વધારવા વજનવાળા જાકીટ (weighted vest), બૅકપૅક્સ, હાથના વજન અથવા પગની ઘૂંટી ફરતે લગાડવામાં આવતા વજન જેવાં વિવિધ સ્વરૂપોમાં ‘વજન’ ઉપલબ્ધ હોય છે, જે પહેરીને કે લગાવીને તમે ચાલવાની કસરત કરી શકો છો અને શરીરની વધારાની કૅલરી બાળી શકો છો.
કોઈ નિષ્ણાતને પૂછીને હળવા વજનથી શરૂઆત કરી ધીમે-ધીમે એમાં વધારો કરવો જેથી તમારા શરીર સાથે અનુકૂલન સાધી શકાય અને કોઈ ઈજાના જોખમને ટાળી શકાય.
જો તમારા શરીરને અગાઉ કોઈ ઈજાઓ થયેલી હોય, લાંબી પીડા કે દર્દ ભોગવતા હો કે કોઈ મહિલા ગર્ભવતી હોય તો આ પ્રયોગો શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.
ઓછી તકલીફે વધુ વજન
અમેરિકાની બૉસ્ટન યુનિવસિર્ટીમાં મેકૅનિકલ એન્જિનિયર બનેલી અને હાલમાં PhD કરી રહેલી સાનિકા ડી. બર્વે મૂળ તો પુણેની છે. બાળપણમાં તેણે ઘણા ખેડૂતો અને મજૂરોને ભારે સામાન માથા પર મૂકીને ચાલતા જોયા હતા. તેઓ આમ કેવી રીતે કરી શકે છે, તેમના માથા પર કેવા પ્રકારની ઈંઢોણી હોય છે અને આ ઈંઢોણીમાં કેવા પ્રકારનું એન્જિનિયરિંગ હોય છે એનું સંશોધન હાલ બૉસ્ટન યુનિવર્સિટીની લૅબોરેટરીમાં તે કરી રહી છે.
સાનિકા કહે છે, ‘વર્ષોથી ભારત, એશિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકા જેવા ખંડોમાં માથા પર વજન મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ચલણ છે જ. અને જૂના સમયના લોકો પણ જાણતા હતા કે કેવા પ્રકારનો સામાન ઊંચકવા કેવા પ્રકારની ઈંઢોણી માથા પર રખાય. મેં તો ફક્ત પ્રયોગશાળામાં કપડાંની વિવિધ ડિઝાઇનો બનાવીને એના પર દબાણ અને ભાર આપીને એ શોધ્યું છે કે કાપડની આંતરિક રચના કેવી રીતે ઈંઢોણી બનીને એના પર મુકાયેલા વજનને પૂરા શરીર પર સરખી રીતે વહેંચે છે અને સમતોલ કરે છે.’
કાપડના ટુકડાને ‘ટ્વિસ્ટ’ (વળ) આપીને એની શક્ય એટલી કડક ઈંઢોણી બનાવી હોય તો એના પર કડક અને આકાર બદલી ન શકાય એવું ભારે વજન ઊંચકવામાં સુગમતા રહે છે એમ જણાવતાં સાનિકા કહે છે, ‘જેમ કે લોખંડ કે પ્લાસ્ટિકની વજનદાર બૅગો, લાકડાના ભારા કે ઈંટો ભરેલાં તગારાં વગેરે. બીજી બાજુ માત્ર કપડાંને સાદી રીતે વીંટાળીને બનાવેલી નરમ ઈંઢોણી એવા પ્રકારનું વજન ઊંચકવામાં સહાયરૂપ થાય છે જેનો આકાર ચાલતી વખતે વારંવાર બદલાવાની શક્યતા હોય, જે સ્થિતિસ્થાપક હોય. જેમ કે અનાજ ભરેલી ગૂણીઓ કે કપડાં ભરેલાં બિસ્તરા, પોટલાં, બાચકાં વગેરે.’
એક હકીક્ત એ છે કે ગમેતેટલી પૈડાંવાળી બૅગો બને, અમુક માલસામાન ખાસ કરીને ગામડાંમાં આજે પણ માથા પર મૂકીને જ હેરફેર કરાય છે. એ પછી ઘાસ કે લાકડાના ભારા હોય, માટલાંઓમાં ભરીને લવાતું પાણી હોય કે બાંધકામ સ્થળે ઊંચકાતા ઈંટ-સિમેન્ટનાં તગારાં હોય. આવા સંજોગોમાં સાનિકાનું સંશોધન ભવિષ્યમાં ઉપયોગી નીવડશે. વિવિધ પ્રકારની ઈંઢોણીના ઉપયોગ વડે ઓછી તકલીફે માથા પર વધુ વજન ઊંચકી શકાશે એવી આશા રાખવી અસ્થાને નથી.
શરમ ન રાખવી
પહેલાંના સમયમાં લોકો માથા પર વજન મૂકીને ચાલતા હતા ત્યારે કોઈ પણ જાતની શરમ અનુભવતા નહોતા અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સુડોળ, સાબૂત, સ્નાયુબદ્ધ અને ખડતલ રહેતા. માણસ પોતાના વજનનું ૭૦ ટકા જેટલું વજન માથા પર ઊંચકી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિનું વજન ૬૦ કિલો હોય તો તે લગભગ ૪૦ કિલો જેટલું વજન માથા પર લઈ શકે છે, કારણ કે આ વજન પૂરા શરીર પર સરખે ભાગે વહેંચાઈ જાય છે અને ભાર લાગતો નથી. આટલું જ કે આનાથી અડધું વજન પણ કોઈ વ્યક્તિ હાથ દ્વારા ઊંચકવા જાય તો તેનાં બાવડાં અવશ્ય દુખવા લાગે. એ જ વજન તે માથા પર સહેલાઈથી ઊંચકી શકે છે અને ચાલી પણ શકે છે.
ખાટલે મોટી ખોડ
આજે ખાસ કરીને શહેરી લોકોને માથા પર વજન લઈ ચાલવામાં શરમ આવતી હોય છે. બિહારમાં યુવકો-યુવતીઓ માથા પર વજનદાર ટોપલા લઈને જાહેરમાં દરિયાકિનારે કે નદીકિનારે સૂર્યને અર્ઘ્ય આપવા જતા હતા એ ખરેખર મનોરમ દૃશ્યો હતાં પણ એવું કરવાની આપણા ટીનેજરોને શરમ આવતી હોય તો ઘરની અંદર પણ માથા પર વજન મૂકીને ચાલવાની પ્રૅક્ટિસ કરે તો પણ સમયાંતરે ફાયદો થાય જ છે. સાનિકાએ આવા પ્રયાસો ઘર અને લૅબોરેટરીની અંદર કર્યા જ છે. આવી પ્રૅક્ટિસથી સ્થૂળતા ઘટાડવા ઉપરાંત અનેક સ્વાસ્થ્ય-લાભો મફતમાં મેળવી શકાય છે.
ઘણા લોકો વજન ઘટાડવા જિમમાં જઈને અવનવી કસરતો કે વેઇટલિફ્ટિંગ કરે છે પણ ત્યાં જવાનો સમય, પહોંચ કે સગવડ ન હોય એ લોકો ઘરે પણ માથા પર વજન મૂકીને ચાલવાની પ્રૅક્ટિસ કરી શકે છે.
પહેલાંના સમયમાં લોકો પોતાના માલસામાનની સરળતાથી હેરફેર કરવા માથા પર સામાન મૂકી દેતા હતા ત્યારે મસ્તકથી લઈ પગ સુધીની બધી જ કસરત તેમને નિ:શુલ્ક મળી રહેતી અને તેઓ તનમનથી નીરોગી રહેતા હતા. આજનો ભણેલોગણેલો વર્ગ સામાનને માથા પર મૂકીને જાહેરમાં ચાલતાં શરમાય છે એટલે નાની ઉંમરમાં જ સ્થૂળતા સહિતની અનેક બીમારીઓ વધતી જાય છે અને ક્લિનિક-જિમ્નૅશ્યમના ખર્ચા પણ.