શું કબજિયાતને કારણે કોઈને અટૅક આવી શકે?

02 April, 2026 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી ઉંમરે કબજિયાત, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર આ બધા જ રોગો થવાનું રિસ્ક વધુ હોય જ છે એટલું જ નહીં, આ કારણો એકબીજાને વધુ રિસ્કી બનાવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કોઈ વ્યક્તિ કમોડ પર બેઠી હતી અને ત્યાં તેમને હાર્ટ-અટૅક આવી ગયો કે કાર્ડિઍક અરેસ્ટ થઈ ગયાના કિસ્સા તમે કદાચ તમારી આજુબાજુ સાંભળ્યા હશે. કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કાળ તેમને એટલે ભરખી ગયો કારણ કે એ સમયે તે કમોડ પર હતા? એવું શું થયું હશે એ સમયે કે અચાનક ત્યારે જ હાર્ટ-અટૅક આવી ગયો? રેગ્યુલર પ્રૅક્ટિસમાં અમારી પાસે એવા કેસિસ આવે છે. કમોડ પર હાર્ટ-અટૅક આવે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ સંબંધ એકદમ સીધો છે. કબજિયાત જ્યારે કોઈ વ્યક્તિને હોય ત્યારે સ્ટૂલ પાસ કરવા માટે તે જે બળ લગાવે છે એ બળ વખતે ખૂબ પ્રેશર ઊભું થાય છે. એ પ્રેશરને કારણે જેમનું હૃદય નબળું છે તેના હૃદય પર અસર થાય છે અને અટૅક આવી શકવાની સંભાવના ઊભી થાય છે.

અહીં હૃદય નબળું હોવાનો સંબંધ ઘણીબધી બાબતો સાથે છે. મોટા ભાગે આ પરિસ્થિતિ મોટી ઉંમરના લોકોમાં જ વધુ જોવા મળે છે. મોટી ઉંમરે કબજિયાત, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશર આ બધા જ રોગો થવાનું રિસ્ક વધુ હોય જ છે એટલું જ નહીં, આ કારણો એકબીજાને વધુ રિસ્કી બનાવે છે. યુવાનોમાં એવું થતું નથી. વળી એવા લોકો જેમને હાઇપરટેન્શન, ડાયાબિટીઝ કે કોઈ પણ પ્રકારના મેટાબોલિક ડિસઑર્ડર હોય જેને લીધે તેમની લોહીની નળીઓ અસરગ્રસ્ત થઈ હોય, જેમનું કૉલેસ્ટરોલ ઉપર રહેતું હોય કે જેમની ઍન્જિયોગ્રાફી કે ઍન્જિયોપ્લાસ્ટી થયેલી હોય તેમના પર આ રિસ્ક વધુ રહે છે કારણ કે તેમની નળીઓમાં બ્લૉકેજ પહેલેથી હોય છે. જ્યારે તે સ્ટ્રેસ લે છે ત્યારે એ બ્લૉકેજ નળીને પૂરી રીતે બ્લૉક કરી દે છે એટલે અટૅક આવે છે. વળી એકાદ વખત કબજિયાત થઈ ગઈ અને એની આટલી અસર થાય એવું નથી હોતું. જેને કબજિયાત છે એ વ્યક્તિ તો વારંવાર આ સ્ટ્રેસમાંથી પસાર થતી હોય છે, જે સ્ટ્રેસ હાર્ટને ભારે પડી શકે છે.

હાઈ બ્લડપ્રેશરની દવાઓથી કેટલાક લોકોને કબજિયાત થઈ જાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે બધાને કબજિયાત થતી નથી, અમુક લોકોને થાય છે. ફક્ત બ્લડપ્રેશરની દવાઓથી જ નહીં, બીજા રોગોની દવાઓમાં કબજિયાત જેવું લક્ષણ અતિ સામાન્ય હોઈ શકે છે. આ બાબતે દરેક વ્યક્તિએ ખુદ સજાગ રહેવું જરૂરી છે. જો તમને કોઈ દવાઓ લઈને તબિયત ખરાબ થાય, સ્ટૂલ કઠણ થઈ જાય તો તરત તમારા ડૉક્ટરને જણાવો. મોટા ભાગે દવા બદલી નાખવાથી પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જતો હોય છે. જો એવું ન થાય તો સાથે કબજિયાતની દવા કે અલગ પ્રકારની ડાયટ પણ શરૂ કરી શકો. ટૂંકમાં કબજિયાત રહેવા ન દેવી, એનો ઉપાય ચોક્કસ કરવો.

health tips healthy living life and style lifestyle news columnists