06 November, 2025 12:58 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ કિંગડમની નૅશનલ હેલ્થ સર્વિસ (NHS) સાથે સંકળાયેલા જનરલ પ્રૅક્ટિશનર અને મેડિકલ એજ્યુકેટર ડૉ. રાજ અરોડાએ થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો. એમાં તેમણે એ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ફક્ત એક કેળું ખાવાથી પિરિયડનું પેઇન ઓછું થઈ શકે છે.
ડૉ. અરોડાએ આ વિડિયોમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘કેળામાં સારા પ્રમાણમાં મૅગ્નેશિયમ હોય છે જે મસલ-ક્રૅમ્પ એટલે કે સ્નાયુઓના ખેંચાણને ઓછું કરવામાં મદદ કરી શકે છે. એવી જ રીતે એમાં રહેલું પોટૅશિયમ બ્લોટિંગને ઓછું કરવામાં મદદ કરે છે. એની સાથે જ એમાં રહેલું ફાઇબર પિરિયડ વખતે થતી કબજિયાતની સમસ્યામાંથી રાહત આપી શકે છે. કેળાં ખાવાં એ પિરિયડના પેઇનનો ઇલાજ નથી. એની અસર દરેક વ્યક્તિ પર જુદી-જુદી હોય છે. કોઈને એક કેળું ખાવાથી આરામ મળી શકે છે, જ્યારે કોઈને એનાથી ફરક ન પણ પડે. પિરિયડ-પેઇન દરમ્યાન હેલ્ધી ડાયટ લેવી ખૂબ જરૂરી છે. આવા સમયે પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું જોઈએ. એને કારણે પાચનમાં ગરબડ થઈ શકે છે અને પિરિયડ-પેઇન વધી શકે છે. પિરિયડ દરમ્યાન તમારાં હૉર્મોન્સની અસર પાચન પર પડે છે એટલે એ સમયે તમે શું ખાઓ છો એ ખૂબ જરૂરી છે. પિરિયડ્સ દરમ્યાન ઘણી વાર કોઈને કબજિયાતની તો કોઈને ડાયેરિયાની સમસ્યા થઈ જતી હોય છે. એટલે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ રીતે રીઍક્ટ કરે છે. કોઈ માટે કેળું ફાયદાકારક હોઈ શકે છે, પણ દરેક માટે એ કામ કરે એ જરૂરી નથી.’
પિરિયડ-પેઇનને ક્યારે જાતે મૅનેજ કરવું જોઈએ અને ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ એ વિશે ડૉ. અરોડા કહે છે, ‘પિરિયડ-પેઇન દરેક સ્ત્રીમાં અલગ-અલગ લેવલનું હોય છે. કોઈને હળવો દુખાવો હોય તો કોઈને ખૂબ થતો હોય. જો તમારો દુખાવો હળવોથી મધ્યમ હોય તો કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાય તમને મદદ કરી શકે છે. જેમ કે પેટ પર હીટ-પૅચ લગાવવાથી માંસપેશીઓનો દુખાવો ઓછો થઈ શકે છે. એ સિવાય ડૉક્ટરની સલાહ પર માઇલ્ડ પેઇન-રિલીવર લઈ શકો છો. ઘણા લોકોને એનાથી રાહત મળે છે. જો તમને અસહ્ય દુખાવો હોય - એટલો બધો કે તમે બેડ પરથી ઊઠી ન શકો, ચક્કર આવી રહ્યાં હોય અથવા બેભાન થઈ જશો એવું લાગી રહ્યું હોય - તો એમાં કેળું ખાવાથી કે ઘરગથ્થુ ઉપાયો અજમાવવાથી ફાયદો નહીં મળે. આ લક્ષણો કોઈ ગંભીર સમસ્યાની નિશાની હોઈ શકે, જેમ કે ઍન્ડોમીટ્રિયોસિસ, પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS) અથવા ફાઇબ્રૉઇડ્સ. એવામાં તરત ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ટૂંકમાં એટલું જ કે કેળું કેટલાક લોકોને રાહત આપી શકે છે, દરેક માટે એ અસરકારક નથી. તમે ખાઈ જુઓ, તમને લાગે કે ફરક પડે છે તો ખાવાનું ચાલુ રાખો.’
ઉપર જણાવ્યું એમ પિરિયડ-પેઇનમાંથી રાહત આપવામાં પોટૅશિયમ અને મૅગ્નેશિયમ તો મદદ કરે જ છે, પરંતુ એ સિવાય બીજાં એવાં કયાં ન્યુટ્રિઅન્ટ્સ છે જે રાહત પહોંચાડવાનું કામ છે એ વિશે માહિતી આપતાં ડૉ. અરોડા કહે છે, ‘કૅલ્શિયમ, ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સ, વિટામિન B કૉમ્પ્લેક્સ જેવાં ન્યુટ્રિઅન્ટ્સ પિરિયડ્સ દરમ્યાન શરીરમાં અલગ-અલગ રીતે કામ કરે છે અને બધા મળીને દુખાવો, થાક, મૂડ-સ્વિંગ્સ, બ્લોટિંગ જેવી તકલીફો ઓછી કરે છે. કૅલ્શિયમ ગર્ભાશયની પેશીઓના સંકુચનને નિયંત્રિત કરે છે જેથી દુખાવો ઓછો થાય છે. કૅલ્શિયમથી મૂડ પણ સુધરે છે અને થાક પણ ઓછો લાગે છે. ઓમેગા-થ્રી ફૅટી ઍસિડમાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણો હોય છે જે પિરિયડ-પેઇનમાંથી રાહત આપવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે, જેથી મૂડ-સ્વિંગ્સ અને ડિપ્રેશનનાં લક્ષણો ઓછાં થાય છે. એવી જ રીતે પિરિયડને કારણે લાગતા થાક અને ક્રૅમ્પને ઓછા કરવામાં વિટામિન B કૉમ્પ્લેક્સ મદદ કરે છે.’
શું ખાવું જોઈએ?
ઉપર જણાવેલાં ન્યુટ્રિઅન્ટ્સ શરીરને મળી રહે એ માટે ખોરાકમાં શું લેવું જોઈએ એ વિશે માહિતી આપતાં ડાયટિશ્યન રીમા ધોરાજીવાલા કહે છે, ‘કેળાં સિવાય પોટૅશિયમ સારા પ્રમાણમાં હોય એવા ફૂડની વાત કરીએ તો એમાં નારિયેળપાણી, પપૈયું, પાલક, અવાકાડો, કિસમિસ, ખજૂર, શક્કરિયાં, બટાટા, વિવિધ પ્રકારની દાળ, સોયાબીન વગેરેનો સમાવેશ થાય છે. એવી જ રીતે બદામ, કાજુ, બ્રાઝિલ નટ, દાળ, કોળાનાં બી, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, ડાર્ક ચૉકલેટ, ઓટ્સ, પાલક, મેથી, અવાકાડો વગેરેમાં મૅગ્નેશિયમનું સારુંએવું પ્રમાણ હોય છે. કૅલ્શિયમની વાત કરીએ તો દૂધ, દહીં, ચીઝ, પનીર, પાલક, મેથી, સરસવ, બ્રૉકલી, તલ, બદામ, તોફુ, રાગી વગેરેમાં સારી માત્રામાં હોય છે. ઓમેગ્રા-થ્રી ફૅટી ઍસિડ ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, અખરોટ, સોયાબીન, તોફુ વગેરેમાંથી મળે છે. વિટામિન Bમાં ડેરી-પ્રોડક્ટ્સ, પાલક, બ્રૉકલી, ઓટ્સ, બ્રાઉન રાઇસ, બદામ, સનફ્લાવર સીડ્સ, મસૂર, ચણા, બટાટા, શક્કરિયાં વગેરેનો સમાવેશ થાય છે.’
ધ્યાનમાં રાખવા જેવું
પિરિયડ્સ દરમ્યાન બીજી કઈ-કઈ વસ્તુઓ છે જેનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે માહિતી આપતાં રીમા ધોરાજીવાલા કહે છે, ‘પૂરતા પ્રમાણમાં પાણી પીવા પર ધ્યાન આપવું જોઈએ. પાણીથી શરીર હાઇડ્રેટેડ રહે છે. એનાથી ક્રૅમ્પ્સ, બ્લોટિંગ, માથામાં દુખાવો અને થાક ઓછાં થાય છે. એવી જ રીતે વધારે પડતા મીઠાવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. મીઠાથી શરીરમાં વૉટર-રિટેન્શન થાય છે જેનાથી બ્લોટિંગ અને હેવીનેસ વધે છે. માપમાં મીઠું ખાવાથી શરીર હળવું અને કમ્ફર્ટેબલ રહે છે. સાથે જ વધુ પડતી સાકર ખાવાનું પણ ટાળવું જોઈએ. સાકર બ્લડ-શુગરના લેવલને ફ્લક્ચ્યુએટ કરે છે. એના પરિણામે મૂડ-સ્વિંગ્સ, ચીડિયાપણું અને થાક વધે છે. સાકર શરીરમાં સોજો વધારી દે છે, જેનાથી ક્રૅમ્પ્સ અને બ્લોટિંગની સમસ્યા વધી જાય છે. પિરિયડ્સ દરમ્યાન વધારે પડતું તીખું ખાવાનું પણ ટાળવું જોઈએ; કારણ કે એનાથી ઍસિડિટી, ગૅસ, અપચાની સમસ્યા થાય છે જેનાથી પેટમાં દુખાવો, બ્લોટિંગ વધારે અનુભવાય છે. સ્પાઇસી ફૂડ શરીરમાં ગરમી વધારી દે છે, જેનાથી ક્રૅમ્પ્સ અને ડિસકમ્ફર્ટ વધારી શકે છે. એની સાથે જ બદ્ધ કોણાસન (બટરફ્લાય પોઝ), માર્જરી આસન (કૅટ કાઉ પોઝ), બાલાસન (ચાઇલ્ડ પોઝ) જેવાં યોગાસન કરવાં જોઈએ. તમે વૉકિંગ, સ્ટ્રેચિંગ, ડીપ બ્રીધિંગ પણ કરી શકો. પિરિયડ્સ દરમ્યાન યોગાસન અને હળવી એક્સરસાઇઝ કરવાથી બ્લડ-સર્ક્યુલેશન સારું થાય છે, માંસપેશીઓ રિલૅક્સ થાય છે, મૂડ-સ્વિંગ્સ ઓછા થાય છે, હૉર્મોનલ બૅલૅન્સમાં મદદ મળે છે તેમ જ બ્લોટિંગ, ફટિગ અને હેવીનેસ ઓછાં થાય છે.’