07 January, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વભરમાં કરોડો લોકો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી અમુક પીડાનાશક દવાઓને ગંભીર હૃદયરોગ અને હાર્ટ-અટૅકના વધેલા જોખમ સાથે જોડવામાં આવી રહી છે. તાજેતરમાં થયેલો સર્વે કહે છે કે નૉન-સ્ટેરૉઇડલ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડ્રગ્સ (NSAIDs) દવાઓનો અતિરેક અને લાંબા ગાળાનું સેવન હૃદયને નુકસાન પહોંચાડી શકે છે.
ખાસ કરીને તાવ, સોજો ઉતારવા અને દુખાવો દૂર કરવા માટે લેવામાં આવતી દવાઓ લોકો ઘણી વાર ડૉક્ટરની જાણ બહાર જાતે જ લઈ લેતા હોય છે. જોકે દુનિયાની ઢગલાબંધ અગ્રણી યુનિવર્સિટીના રિસર્ચરોએ કરેલાં સર્વેક્ષણોનું તારણ કહે છે કે જો બહુ મોટા પ્રમાણમાં દુખાવો, સોજો અને તાવ ઘટાડવાની દવાનો અતિરેક થાય અને ડૉક્ટરની સલાહ વિના એને લાંબા સમય સુધી લેવાય તો એ હાર્ટ માટે જોખમી નીવડી શકે છે. હાર્ટ-અટૅક ઉપરાંત સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર, શરીરમાં પાણી ભરાવું, બૉડીમાં સૉલ્ટનો ભરાવો થવો જેવાં લક્ષણો થઈ શકે છે. આ પ્રકારની દવાઓનું સેવન હાર્ટ ફેલ્યરની સંભાવનાને ડબલ કરી નાખે છે.
ટેમ્પરરી સમય માટે અથવા કોઈક વાર ઇમર્જન્સીમાં આ દવા લો તો વાંધો નથી.
લાંબા ગાળા માટે આ દવાનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરને જરૂર જણાવવું અને સાથે જ એનાથી થઈ શકનારી આડઅસરનાં કોઈ લક્ષણ દેખાય તો સજાગ રહેવું.
લૉન્ગ ટર્મ માટે સોજાને દૂર કરતી દવાને બદલે તમારા ડૉક્ટર પાસેથી અન્ય પર્યાયની તપાસ કરવી.
જેમને પહેલેથી જ હૃદયરોગ હોય અથવા હાઈ બ્લડપ્રેશરની દવા લેતા હોય તેમણે એક વાર પણ દવા લેતાં પહેલાં કાર્ડિયોલૉજિસ્ટની સલાહ અચૂક લેવી.