18 December, 2025 01:30 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ તેની દિવસભરની તાજગી અને ખુશ્બૂનું શ્રેય એક ખાસ ઘરેલુ ફ્રૅગ્રન્સ મિલ્કને આપે છે. આપણે શું ખાઈએ છીએ એ ઘણી હદ સુધી આપણી બૉડીમાંથી આવતી સ્મેલને ઇન્ફ્લુઅન્સ કરવાનું કામ કરતું હોય છે. એવામાં આની પાછળનું લૉજિક અને કયું ફૂડ ખાવા પર ભાર મૂકીએ તો આ સમસ્યા ઓછી થાય એના વિશે જાણી લઈએ
ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસે ફ્રૅગ્રન્સ મિલ્કની રેસિપી શૅર કરી છે. આ મિલ્કમાં અભિનેત્રી એલચી, તજ, લવિંગ, ગુલાબની પાંખડીઓ, ચક્રીફૂલ જેવો મસાલો નાખીને ઉકાળે છે. તેનું કહેવું છે કે દરરોજ આ ડ્રિન્ક પીવાથી બૉડીની સ્મેલ કુદરતી રીતે જ ઓછી થઈ જાય છે. આપણે ડાયટિશ્યન ભાવિ મોદી પાસેથી તેના જ શબ્દોમાં જાણીએ કે બૉડીની સ્મેલ ઓછી કરવામાં આપણા ખોરાકની શું ભૂમિકા છે?
આમ જોઈએ તો પરસેવાની કોઈ સ્મેલ હોતી નથી. તો પછી પરસેવો આવે ત્યારે શરીરમાંથી કેમ બહુ દુર્ગંધ આવે છે? એનો જવાબ એ છે કે શરીરમાંથી દુર્ગંધ ત્યારે આવે છે જ્યારે પરસેવો આપણી સ્કિન પર હાજર બૅક્ટેરિયાના કૉન્ટૅક્ટમાં આવે છે. આ બૅક્ટેરિયા પરસેવાનાં પ્રોટીન્સ અને ફૅટ્સને તોડે છે અને આ પ્રોસેસ દરમ્યાન કેટલાંક એવાં કમ્પાઉન્ડ્સ બને છે જે દુર્ગંધ પેદા કરે છે. બૉડીના કેટલાક એરિયા જેમ કે બગલ, જાંઘ, પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ એક સ્પેશ્યલ ટાઇપની પ્રસ્વેદ ગ્રંથિ હોય છે જેને ઍપ્રોક્રાઇન ગ્લૅન્ડ કહેવાય છે. આ ગ્લૅન્ડથી નીકળતો પરસેવો પ્રોટીન અને ફૅટથી ભરપૂર હોય છે જે બૅક્ટેરિયા માટે પર્ફેક્ટ એન્વાયર્નમેન્ટ બનાવી દે છે એટલે આ જગ્યા પર સ્મેલ વધારે આવે છે.
કેટલાક ખાદ્ય પદાર્થ એવા હોય છે જે શરીરની દુર્ગંધને વધારી શકે છે. કેટલીક ખાવાની વસ્તુઓ શરીરની અંદર એવાં કેમિકલ બનાવે છે જે પરસેવાના માધ્યમથી બહાર નીકળે છે અને દુર્ગંધને વધારે તીવ્ર બનાવી દે છે. જેમ કે લસણ, કાંદા, બ્રૉકલી, ફ્લાવર વગેરેમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ્સ પાચન બાદ લોહીમાં જાય છે અને પછી પરસેવાના માધ્યમથી બહાર નીકળે છે જેનાથી શરીરમાંથી લાંબા સમય સુધી દુર્ગંધ આવી શકે છે. એવી જ રીતે રેડ મીટને પચાવવામાં શરીરે વધારે મહેનત કરવી પડે છે. એના પ્રોટીન તૂટવા પર એવી બાય-પ્રોડક્ટ્સ બને છે જે સ્કિનના બૅક્ટેરિયા સાથે મળીને તીવ્ર અને અપ્રિય દુર્ગંધ પેદા કરી શકે છે. એવી જ રીતે ગરમ મસાલાઓ શરીરમાં હીટનું પ્રોડક્શન વધારે છે. એનાથી પરસેવો વધારે નીકળે છે અને દુર્ગંધ વધુ આવે છે. દારૂ અને કૅફીન શરીરને ડીહાઇડ્રેટ કરે છે અને પરસેવાને વધુ કૉન્સન્ટ્રેટેડ બનાવે છે. એ સિવાય આ બન્ને વસ્તુઓ પરસેવાની ગ્રંથિને વધારે ઍક્ટિવ કરે છે જેનાથી દુર્ગંધ વધવાની સંભાવના રહે છે.
એવી જ રીતે ક્લોરોફિલથી ભરપૂર લીલાં પાંદડાંવાળી ભાજી જેમ કે પાલક, મેથી, સરસોં શરીર માટે એક રીતે નૅચરલ ઇન્ટર્નલ ડીઓડરન્ટ હોય છે. ક્લોરોફિલ શરીરમાં હાજર દુર્ગંધ પેદા કરનારાં કમ્પાઉન્ડ્સને ન્યુટ્રલ કરવામાં મદદ કરે છે, જેનાથી પરસેવાની સાથે નીકળતી દુર્ગંધ હળવી થઈ જાય છે. એની સાથે જ પાણીથી ભરપૂર ફળ જેમ કે સંતરાં, તરબૂચ, કાકડી શરીરને હાઇડ્રેટેડ રાખે છે, પરસેવાને ડાયલ્યુટ કરે છે અને ટૉક્સિન્સને પેશાબના માધ્યમથી બહાર નીકળવામાં મદદ કરે છે. એવી જ રીતે પ્રો-બાયોટિક ફૂડ્સ જેમ કે દહીં, યોગર્ટ, કીમચી (કીમચી કોરિયાની ડિશ છે જે મીઠાવાળાં અને આથેલાં શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ઘણાં બધાં અલગ-અલગ પ્રકારનાં શાકભાજીમાંથી પણ કીમચી બનાવવામાં આવે છે ), અથાણાં, ચીઝ ગટ-હેલ્થ સુધારવામાં મદદ કરે છે. એ શરીરમાં ગુડ બૅક્ટેરિયા વધારે છે, જે સલ્ફર કમ્પાઉન્ડ્સ અને અન્ય દુર્ગંધ પેદા કરનારાં તત્ત્વોને તોડવામાં મદદ કરે છે. પાચન જ્યારે સરખું રહે છે અને ગટ બૅલૅન્સમાં રહે છે તો ઓછાં ટૉક્સિન્સ લોહીમાં જાય છે અને શરીરની દુર્ગંધ આપોઆપ હળવી થવા લાગે છે. એવી જ રીતે ગ્રીન ટી અને લીંબુપાણી પણ ખૂબ ઉપયોગી છે. ગ્રીન ટીમાં રહેલાં ઑન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરમાં દુર્ગંધ પેદા કરનારાં કમ્પાઉન્ડ્સને ઓછાં કરે છે, જ્યારે લીંબુપાણી ડાયજેશન અને ડીટૉક્સ પ્રોસેસને સપોર્ટ કરે છે. સાથે જ ફાઇબરથી ભરપૂર વસ્તુઓ પાચનને સુધારે છે અને ટૉક્સિન્સના ભરાવાને રોકે છે, જેનાથી શરીરનું તાપમાન અને પરસેવો બન્ને સંતુલિત રહે છે.
આ ડ્રિન્કનો હેતુ શરીરને અંદરથી શુદ્ધ રાખવાનો અને શરીરની દુર્ગંધ માટે જવાબદાર કારણોને કન્ટ્રોલ કરવાનો છે. એલચી, તજ, લવિંગમાં નૅચરલ ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ ગુણ હોય છે. આ મસાલા શરીરની અંદર ખરાબ બૅક્ટેરિયાની વૃદ્ધિને ઘટાડે છે - ખાસ કરીને ગટમાં. એને કારણે પરસેવામાંથી આવતી દુર્ગંધ ઓછી થાય છે. આ મસાલા શરીરની પાચનશક્તિ સુધારે છે અને જ્યારે પાચન સારું હોય છે ત્યારે ટૉક્સિન્સ ઓછાં બને છે એટલે શરીરમાંથી નીકળતી સ્મેલ પણ ઓછી રહે છે. ગુલાબની પાંખડીઓ શરીરને ઠંડક આપે છે અને બૉડી-હીટને સંતુલિત કરે છે. વધારે હીટ હોય ત્યારે પરસેવો વધુ આવે છે અને દુર્ગંધ વધે છે. ચક્રીફૂલ શરીરની અંદરની ગંધને ન્યુટ્રલ કરવામાં મદદરૂપ થાય છે અને શ્વાસ તથા શરીરને હળવી સુગંધ આપે છે. દૂધ પોતે પણ એક નૅચરલ કૅરિયર છે એટલે કે આ મસાલાઓના ગુણોને સારી રીતે શરીરમાં શોષવામાં મદદ કરે છે.
ડેઇલી હાઇજીન પર ફોકસ કરો : દરરોજ નહાવાનું રાખો. બગલ અને પ્રાઇવેટ પાર્ટની આસપાસની જગ્યાને સરખી રીતે સાફ કરો. નહાયા બાદ શરીરને સરખી રીતે કોરું કરો. ભીની ત્વચા બૅક્ટેરિયા માટે અનુકૂળ હોય છે.
કપડાંની યોગ્ય પસંદગી કરો : કૉટન અથવા બ્રીધેબલ ફૅબ્રિક પહેરો. ટાઇટ અને સિન્થેટિક કપડાં પરસેવો રોકી લે છે. એનાથી સ્મેલ વધે છે. પરસેવાવાળાં કપડાં ફરીથી પહેરવાનું પણ અવૉઇડ કરવું જોઇએ.
પાણી વધારે પીઓ : હાઇડ્રેશન બૉડીને ડીટૉક્સ કરે છે. જ્યારે બૉડી હાઇડ્રેટેડ હોય છે ત્યારે ટૉક્સિન્સ સરળતાથી બહાર નીકળે છે અને પરસેવાની સ્મેલ માઇલ્ડ રહે છે.
બગલ સાફ રાખો : આ જગ્યાના વાળ ટ્રિમ અથવા ક્લીન રાખો. વાળ પર બૅક્ટેરિયા વધુ ચોંટે છે એટલે સ્મેલ વધે છે.
સ્ટ્રેસ ઓછું કરો : સ્ટ્રેસ દરમ્યાન ઍપોક્રાઇન ગ્લૅન્ડ વધુ પરસેવો છોડે છે. એટલે ડીપ બ્રીધિંગ, વૉકિંગ, યોગ અને પૂરતી ઊંઘ લઈને સ્ટ્રેસ ઓછું કરવાનો પ્રયત્ન કરો.
શુગર અને જન્ક ફૂડ ટાળો : રિફાઇન્ડ શુગર અને પ્રોસેસ્ડ કાર્બ્સ બૉડીમાં બૅડ બૅક્ટેરિયા વધારવાનું કામ કરે છે. આ બૅક્ટેરિયા પરસેવાના પ્રોટીન અને ફૅટ્સ સાથે રીઍક્ટ કરીને વધારે સ્મેલી કમ્પાઉન્ડ્સ બનાવે છે જેનાથી શરીરની દુર્ગંધ વધે છે.