ત્રણ મહિનાની શુગરનો રિપોર્ટ ખોટો આવી શકે છે

21 August, 2026 03:50 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીઓને અમે નિયમિત રીતે શુગર માપતા રહેવાનું સૂચન કરતા હોઈએ છીએ જેથી તેમને તેમની શુગર મૉનિટરિંગ પ્રત્યે જાગરૂકતા આવે. ઉપરાંત દવાઓ તેમના પર બરાબર કામ કરી રહી છે કે નહીં, તેમની લાઇફસ્ટાઇલ ઠીક છે કે નહીં એ પણ સમજાય.

ડૉ. મીતા શાહ

સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીઓને અમે નિયમિત રીતે શુગર માપતા રહેવાનું સૂચન કરતા હોઈએ છીએ જેથી તેમને તેમની શુગર મૉનિટરિંગ પ્રત્યે જાગરૂકતા આવે. ઉપરાંત દવાઓ તેમના પર બરાબર કામ કરી રહી છે કે નહીં, તેમની લાઇફસ્ટાઇલ ઠીક છે કે નહીં એ પણ સમજાય. એ માટે મોટા ભાગે સવારની ફાસ્ટિંગ શુગર અને પોસ્ટ-લંચ શુગરની સાથે-સાથે ૩ મહિનાની શુગર પણ તપાસવી જરૂરી છે. આ ટેસ્ટ ઘણી જરૂરી અને ઉપયોગી છે, પરંતુ શું એવું બની શકે કે આ ટેસ્ટનાં રિઝલ્ટ્સ ખોટાં હોય? હા, એ ખોટાં હોઈ શકે છે. 
આ વાત અત્યંત મહત્ત્વપૂર્ણ છે. HbA1c ટેસ્ટ અને એના પર હીમોગ્લોબિનની અસર વિશે આજે સમજીએ. પહેલાં તો એ સમજીએ કે HbA1c ટેસ્ટ છે શું? તો HbA1c ટેસ્ટ માપે છે કે તમારા લોહીના લાલ રક્તકણોમાં રહેલા હીમોગ્લોબિન સાથે કેટલું ગ્લુકોઝ જોડાયેલું છે. રક્તકણોનું સરેરાશ આયુષ્ય ૧૨૦ દિવસ હોય છે એટલે આ ટેસ્ટ છેલ્લા ૩ મહિનાની ઍવરેજ શુગરનું પ્રમાણ બતાવે છે.
પરંતુ ખોટો રિપોર્ટ ક્યારે આવે? જો કોઈ વ્યક્તિમાં હીમોગ્લોબિનનું પ્રમાણ અથવા રક્તકણોનું આયુષ્ય સામાન્ય ન હોય (ઉપર-નીચે થતું હોય) તો HbA1cનો રિપોર્ટ અચૂક પ્રભાવિત થાય છે. આવું કયા સંજોગોમાં થાય? જો વ્યક્તિને એનીમિયા એટલે કે લોહીની ઊણપ હોય કે રક્તસ્રાવ થયો હોય. જો શરીરમાં નવા રક્તકણો ઝડપથી બનતા હોય અથવા જૂના રક્તકણો વહેલા નષ્ટ થઈ જતા હોય તો HbA1cનો રિપોર્ટ વાસ્તવિકતા કરતાં ઓછો આવી શકે છે જે ખોટું છે. આ સિવાય જો વિટામિન B12 એટલે કે ફોલેટની ઊણપ અથવા આયર્નની ઊણપ હોય તો અમુક કિસ્સામાં રક્તકણોનું આયુષ્ય વધી જવાથી HbA1cનો રિપોર્ટ વાસ્તવિકતા કરતાં વધુ આવી શકે છે જે પણ એટલું જ ખોટું છે. 
આથી કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મૉનિટરિંગ (CGM) અથવા સેન્સર મૉનિટરિંગ ઉપયોગી છે. સેન્સર મૉનિટરિંગમાં ત્વચા પર એક નાનું સેન્સર લગાડવામાં આવે છે જે સતત (૨૪ કલાક) ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાંથી શુગરનું સ્તર માપે છે. આ રિપોર્ટ લોહીના હીમોગ્લોબિન કે રક્તકણો પર આધારિત નથી હોતો એટલે જે લોકોને એનીમિયા કે હીમોગ્લોબિન સંબંધી તકલીફ હોય તેમના માટે સેન્સર આધારિત A1C રિપોર્ટ ઘણો વધુ સચોટ અને ઉપયોગી સાબિત થાય છે.
આમ સામાન્ય સંજોગોમાં જે વ્યક્તિનું હીમોગ્લોબિન સંપૂર્ણ સ્વસ્થ અને સ્થિર છે તેના માટે લૅબમાં થતો સામાન્ય HbA1c રિપોર્ટ એકદમ ગોલ્ડ-સ્ટાન્ડર્ડ અને સચોટ છે. બાકી વિશેષ સંજોગોમાં જો હીમોગ્લોબિન વારંવાર બદલાતું હોય, લોહીની તીવ્ર ઊણપ હોય કે કિડની/લિવરની સમસ્યા હોય તો HbA1cમાં ગફલત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે સેન્સર મૉનિટરિંગ અથવા ફ્રુક્ટોસેમાઇન ટેસ્ટ  કરાવવાની સલાહ આપીએ છીએ.

diabetes health tips columnists life and style lifestyle news