કૅન્સરના ઇલાજમાં ખોરાકનું શું મહત્ત્વ હોય છે એ જાણી લો

31 March, 2026 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅન્સર માટે તમે ઑન્કોલૉજિસ્ટ, હોમિયોપથી, આયુર્વેદ નિષ્ણાત એ બધા પાસે જાઓ છો એ જ રીતે લાઇફસ્ટાઇલના બદલાવ માટે પણ તમને એક્સપર્ટની જરૂર પડશે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સારા સ્વાસ્થ્ય માટે શ્વાસ પછી ખોરાકનું મહત્ત્વ આવે છે. જો કૅન્સરની વાત કરીએ તો કૅન્સરના કોષોને વધવા માટે કે જીવવા માટે જે ખોરાકની જરૂર છે એને બંધ કરીને આપણે કૅન્સરને માત આપી શકીએ છીએ. એ માટે ખાંડ, તેલ, પ્રોસેસ્ડ ફૂડ, પૅકેજ્ડ ફૂડ, બહારનો ખોરાક બધું બંધ કરવું જરૂરી છે. ખાસ કરીને ઍનિમલ પ્રોટીન પણ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. અમે જોયું છે કે કૅન્સરના જે દરદીઓ દૂધ કે દૂધની બનાવટો, નૉન-વેજ ખાદ્ય પદાર્થો છોડે છે તેમનામાં ઘણાં સારાં પરિણામો જોવા મળે છે. આ ઉપરાંત રીજનલ અને સીઝનલ ખોરાક જ તેમણે ખાવો જોઈએ. ફળ તેમને મદદરૂપ છે. ખોરાકની સાથે-સાથે બીજી બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. જેમ કે મન અને શરીરનું ઇક્વિલિબ્રિયમ જાળવવા માટે પ્રાણાયામ મહત્ત્વના છે. એની સાથે પ્રાર્થનાઓ, જપ-તપ, હસવું, ગાવું, નાચવું, ખુશ રહેવું, શ્રદ્ધા રાખવી, આશા ન છોડવી, કુદરત સાથે એકાત્મતા જાળવવી, ખુલ્લી હવાનો આનંદ લેવો આ બધું પણ એટલું જ જરૂરી છે.

કૅન્સરના કેટલાક દરદીઓ એવા હોય છે જેઓ ખોરાક પ્રત્યે બિલકુલ જ ધ્યાન આપતા નથી. તેમને એવું છે કે ઇલાજ જ બધું છે અને કેટલાક લોકો એટલા ભોળા હોય છે જે સમજે છે કે ખોરાક પર મદાર રાખીને કૅન્સરનો ઇલાજ શકય છે. આ બન્ને અવસ્થા યોગ્ય નથી. ખોરાક સારો હોય તો બીમારી ન આવે. આમ એ પ્રિવેન્શન માટે ઉપયોગી છે, પરંતુ જો બીમારી આવે તો બધો મદાર ખોરાક પર ન રાખી શકાય. ઇલાજ તો જરૂરી જ છે, પરંતુ કૅન્સરના ઇલાજમાં જો તમે સાથે ડાયટ પણ કરો તો એ ઇલાજનાં પરિણામો વધુ સારાં આવશે. આમ કોઈ એક ડાયટથી કૅન્સર સામે લડવામાં મદદ મળે, પણ એનો અર્થ એ નથી કે એ ડાયટને કારણે જ તમે ઠીક થયા છો. એમ ન કહી શકાય. આ પ્રકારની ડાયટ તમને ઇલાજની સાઇડ-ઇફેક્ટ્સ સામે ટકી રહેવાની શક્તિ આપશે. એ ઇલાજને સફળ બનાવવામાં મદદરૂપ થશે. આ માટે દરદીને સમજાવવો પડે છે. તેમના હિતની વાત તેઓ સમજે અને એ મુજબ ફૉલો કરે તો નક્કી રિઝલ્ટ પૉઝિટિવ આવે.

કૅન્સર માટે તમે ઑન્કોલૉજિસ્ટ, હોમિયોપથી, આયુર્વેદ નિષ્ણાત એ બધા પાસે જાઓ છો એ જ રીતે લાઇફસ્ટાઇલના બદલાવ માટે પણ તમને એક્સપર્ટની જરૂર પડશે. શું ખાવું, શું ન ખાવું ફક્ત કોઈ બીજી વ્યક્તિના અનુભવ કે કોઈ ફૉર્વર્ડ કરેલા વિડિયો પરથી સમજીને ચાલુ ન કરી દેવાય. આ રીતે નુકસાન વધુ થશે. ડાયટ કે લાઇફસ્ટાઇલમાં બદલાવ જેવી બાબતો દરેક વ્યક્તિ માટે સરખી નથી હોતી એ સમજવું જરૂરી છે. આમ પ્રોફેશનલ હેલ્પ વગર કશું શરૂ ન કરી દેવું.

cancer healthy living health tips life and style lifestyle news columnists