ફ્યુઅલ વગર ગાડી ન ચાલે તો વર્કઆઉટ વગર બૉડી કેમ ચાલે?

16 November, 2021 01:19 PM IST  |  Mumbai | Rashmin Shah

આ સવાલ કરે છે ટીવી અને ફિલ્મોની ખ્યાતનામ ઍક્ટ્રેસ મૌલી ગાંગુલી. ‘કહીં કિસી રોઝ’થી લાઇમલાઇટમાં આવેલી મૌલી ગાંગુલીએ ઢગલાબંધ સિરિયલો, હિન્દી અને બંગાળી ફિલ્મો કરી અને હવે ફરી સ્મૉલ સ્ક્રીન પર રી-એન્ટ્રી કરી છે

પ્રતીકાત્મક તસવીર

મૌલી માટે યોગ અવિભાજ્ય અંગ છે

હું મુંબઈમાં નવી-નવી આવી અને ઍક્ટિંગ શરૂ કરી ત્યાં સુધી ફિટનેસની બાબતમાં આજ જેટલી ગંભીર નહોતી એ સંકોચ વિના સ્વીકારીશ. જ્યારે પહેલી વાર એક કૅરૅક્ટર માટે મને વજન ઉતારવું પડશે એવું કહેવામાં આવ્યું ત્યારે મેં જે રીતે એ ઍક્ટિવિટી પર કામ શરૂ કર્યું એ તમને કહીશ તો તમને ચોક્કસ હસવું આવશે.

વજન ઉતારવું એટલે સૂપ પીવાનું એ મારી સાદી અને સરળ સમજ. મેં તો સૂપ પીવાનું શરૂ કરી દીધું. હું કયું સૂપ પીતી એ ખબર છે તમને? મન્ચાઉ સૂપ. જ્યારે બધાને ખબર પડી ત્યારે બધા બહુ હસ્યા હતા અને હું એટલું જ શરમાઈ હતી પણ હા, આ ત્યારની વાત છે.

બેન્ગોલી હોવાને કારણે મીઠાઈ પ્રત્યેનું મારું આકર્ષણ જન્મજાત છે. ક્યારેય મને વજન ઉતારવાની બાબતમાં કે ફિટનેસની બાબતમાં કોઈ ગ્લૅમર રહ્યું નહોતું પણ પછી ધીમે-ધીમે હેલ્થનું મહત્ત્વ સમજાયું. નૅચરલી છેલ્લાં પંદરેક વર્ષમાં પંદરથી વધારે વર્કઆઉટના જુદા-જુદા ફૉર્મ ટ્રાય કરી ચૂકી છું. જિમમાં જઈને વેઇટલિફ્ટિંગ કર્યું છે તો ક્યારેક પિલાટેઝ પણ કર્યા છે તો વચ્ચે ક્યારેક ચાન્સ મળે તો બીજું પણ કંઈક નવું કરતી રહું છું પણ આ બધામાં હંમેશાંથી મને મારા અસ્તિત્વના ભાગ જેવું કંઈ લાગ્યું હોય તો એ યોગ છે. હા, પંદર વર્ષથી એ મારા જીવનનો હિસ્સો બની ગયો છે. હું બીજું કંઈ કરું કે ન કરું, પણ યોગ તો કરું જ કરું. યોગ તમારા અસ્તિત્વના દરેક પાસા પર કામ કરે છે. માઇન્ડ, બૉડી ઍન્ડ સોલ. 

ચેન્જ છે જરૂરી | મારી સવાર હેલ્થ-સેન્ટ્રિક હોય. રોજ કમ સે કમ એક કલાક હું મારી જાતને આપું છું. સવારનો એક કલાક હું કોઈ પણ જાતની ફિટનેસને લગતી ઍક્ટિવિટી કરુ. પછી એ વર્કઆઉટ હોય, યોગ હોય કે પિલાટેઝ હોય. હવે તો ઘરે પણ મેં જિમનાં મોટા ભાગનાં ઇક્વિપમેન્ટ્સ વસાવી લીધાં છે. લૉકડાઉન પહેલાં પણ મારું મોટા ભાગનું વર્કઆઉટ ઘરે જ થતું. થોડાક પ્રમાણમાં હું વેઇટલિફ્ટિંગ કરું છું. યોગનાં બધાં જ ફૉર્મ ટ્રાય કરી ચૂકી છું. અત્યારે વિનયાસા યોગ પર મારું ફોકસ વિશેષ છે. યોગની જેમ બીજું મારું ફેવરિટ છે કિક-બૉક્સિંગ. એ વર્કઆઉટ તરીકે પણ બેસ્ટ છે.

વર્કઆઉટમાં મૉનોટોની ન આવે એ માટે હું નિયમિત રીતે મારા વર્કઆઉટમાં ચેન્જ કરતી રહું છું. રોજ પંદર મિનિટ મેડિટેશન એ પણ મારા રૂટીનનો બહુ જ મહત્ત્વનો હિસ્સો છે.

હું છું સ્વીટ્સ-ક્વીન | આ દુનિયામાં જેટલી પણ સ્વીટ્સ એટલે કે જેનો સ્વાદ ગળ્યો છે એ બધું મને ભાવે. ઇન્ડિયન મીઠાઈઓ એમાં વધુ ખાસ કહી શકું. અત્યારે પણ સેટ પર મારા માટે મારા આર્ટિસ્ટ ફ્રેન્ડ્સ ખાસ મીઠાઈ લાવતા હોય છે પણ એ બધું હું મૉડરેશન સાથે ખાઉં. વર્ષો પહેલાં ડાયટને જુદી-જુદી રીતે ફૉલો કરી ચૂકી છું અને એના પરથી જ સમજાયું કે ફાઇનલી તો હેલ્ધી ફૂડ હૅબિટ્સ અને મૉડરેશન એ જ બેસ્ટ ડાયટ છે. અત્યારે હું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરું છું અને મને એનો બહુ સરસ બેનિફિટ પણ દેખાય છે. ગુજરાતીઓ એવું કહેતા હોય છે કે ડાયટિંગ તેમને પસંદ નથી પણ હું કહીશ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે તેમણે વિચારવું જોઈએ. ગુજરાતીઓ પરથી યાદ આવ્યું, ગુજરાતીઓની કઢી અને તેમનાં ફરસાણ મારાં ફેવરિટ છે.

મહિલાઓને ખાસ કહેવાનું કે...

તમે ફિઝિકલી હેલ્ધી રહો એની સાથે જરૂરી છે કે તમે મેન્ટલી પણ હેલ્ધી હો, ઇમોશનલી પણ સ્ટેબલ હો. મહિલાઓના જીવનમાં હૉર્મોન્સની ઊથલપાથલ ચાલતી રહે છે અને એ સમયના ઇમ્બૅલૅન્સ વખતે જો તમારે ટકી રહેવું હશે તો જીવનમાં ફિટનેસને ઉમેરવી પડશે. હું દરેક સ્ત્રીને કહીશ કે તમારે સુંદર દેખાવા માટે નહીં પણ સરસ રીતે જીવવા માટે ફિટનેસને અનુકૂળ ઍક્ટિવિટી કરવાની છે. આ તમારી લાઇફ છે અને તમારે એને એન્જૉય કરવા માટે હેલ્ધી રહેવું પડશે, તમારે જાતને ખુશ રાખવી પડશે. તમે બધાને હેલ્ધી અને હૅપી ત્યારે જ રાખી શકશો જ્યારે તમે પોતે ખુશ હશો. તમારી જાતને પ્રાયોરિટીમાં સૌથી પહેલાં રાખો અને એ માટે ગિલ્ટી ફીલ કરવાની જરૂર છે. આમાં કોઈ સેલ્ફિશનેસ નથી. તમે ખુશ હશો તો જ તમારો પરિવાર, તમારી રિલેશનશિપ ખુશ રહેશે.

 

ગોલ્ડન વર્ડ્સ

ફિટનેસ તમારી જરૂરિયાત છે, તમે એ લોકો માટે નથી કરતા એ સમજાશે એટલે આપોઆપ હેલ્ધી રહેવાના રસ્તાઓ સૂઝવા માંડશે.

columnists Rashmin Shah