હાર્ટને મજબૂત કરવા અને શ્વસનની પ્રક્રિયા પ્રબળ બનાવવા જરૂરી છે કાર્ડિયો એક્સરસાઇઝ

06 November, 2025 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે ચાલીએ, દોડીએ, કૂદીએ, પગથિયાં ચડીએ વગેરે પ્રવૃત્તિઓ દરમ્યાન શરીરમાં શું થાય છે એ સમજવા જઈએ તો સમજાઈ જશે કે કાર્ડિયો એક્સરસાઇઝ કરવા પાછળનું મહત્ત્વ શું છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હાર્ટને હેલ્ધી રાખવા માટે જે અત્યંત જરૂરી છે એમાં એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. આપણું હૃદય પણ એક સ્નાયુ છે. એને પણ એક્સરસાઇઝ દ્વારા સ્ટ્રૉન્ગ કરવાની જરૂર રહે છે.

એક્સરસાઇઝમાં પોતાની કૅપેસિટી મુજબ હૃદયના ધબકારા ખૂબ ઉપર સુધી જાય એટલે કે નૉર્મલ કરતાં વધે એવી શારીરિક કસરત હૃદયને મદદરૂપ થઈ શકે છે. ઘણા લોકો એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ એ સાધારણ એક્સરસાઇઝ  હોય છે જેને કારણે ધબકારા ખાસ વધતા નથી. આ પ્રકારની કસરત હૃદયને ખાસ ઉપયોગી થતી નથી. હૃદયને હેલ્ધી બનાવવા તમે ચાલો કે દોડો ત્યારે દિવસમાં એક વખત ધબકારા એની હાઇટ પર પહોંચવા જરૂરી છે જે હાર્ટને સમગ્ર જીવન દરમ્યાન હેલ્ધી રાખવા માટે અત્યંત ઉપયોગી છે.

આપણે ચાલીએ, દોડીએ, કૂદીએ, પગથિયાં ચડીએ વગેરે પ્રવૃત્તિઓ દરમ્યાન શરીરમાં શું થાય છે એ સમજવા જઈએ તો સમજાઈ જશે કે કાર્ડિયો એક્સરસાઇઝ કરવા પાછળનું મહત્ત્વ શું છે.

આપણે જ્યારે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ ત્યારે આપણા ધબકારા વધે છે અને શ્વાસ ઝડપી બને છે. જ્યારે હૃદયનું ધબકવા પાછળનું એક મોટું કારણ એ છે કે એના ધબકવાથી શરીરમાં લોહી ફરતું રહે છે. જ્યારે ધબકારા વધી  જાય અને પછી ધીમે-ધીમે શાંત પડે ત્યારે સ્વાભાવિક રીતે લોહીનું પરિભ્રમણ શરીરમાં સુધરે છે. જે એક્સરસાઇઝથી ધબકારા વધી જાય, જેને લીધે લોહીનું પરિભ્રમણ સારું થાય અને શરીરમાં શ્વસનની પ્રક્રિયા પ્રબળ બને એ એક્સરસાઇઝને કાર્ડિયો એક્સરસાઇઝ કહે છે. એનો બેઝિક સિદ્ધાંત જ હાર્ટ અને ફેફસાં સાથે જોડાયેલો છે. આ એક્સરસાઇઝ હાર્ટ અને ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે જે એક હેલ્ધી જીવન માટે ખૂબ જ જરૂરી છે.

કોઈ પણ વ્યક્તિ ઇચ્છતી હોય કે તે સામાન્ય ફિટનેસ-લેવલ અચીવ કરે જ્યાં તે એક નૉર્મલ અને નીરોગી જીવન જીવી શકે અથવા તો જે રોગ છે એના પર કાબૂ મેળવીને જીવે તેમના માટે વૉકિંગ પર્ફેક્ટ છે. એનાથી એક લેવલ આગળ વધીએ એટલે કે સ્ટ્રેચિંગ, કૉન્ટ્રેક્શન, કૂદવું, દોડવું, તરવું, નાચવું કે રમવું વગેરે દ્વારા સર્વોત્તમ ફિટનેસ જાળવી શકાય છે. ઘણા લોકો યોગ, ઝુમ્બા, ફંક્શનલ ટ્રેઇનિંગ, વેઇટલિફ્ટિંગ, પીલાટેઝ જેવી જુદી-જુદી એક્સરસાઇઝ સાથે વૉકિંગ કૉમ્બિનેશનમાં વાપરે છે. એટલે કે ૩ દિવસ આ એક્સરસાઇઝ કરે અને ૩ દિવસ વૉકિંગ. આ પ્રકારનાં કૉમ્બિનેશન પણ ઘણાં ઉપયોગી છે. આ સિવાય જ્યારે વૉકિંગ સાથે પ્રાણાયામ અને ધ્યાન ભળે ત્યારે એ સંપૂર્ણ સ્વાસ્થ્ય ગણી શકાય છે. આમ જે લોકો વૉકિંગથી થોડું આગળ વધી શકે છે તેમણે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પ્રયાસ કરવો જોઈએ. બાકી બેઝિક ફિટનેસ તો વૉકિંગ આપી જ દેશે.

 

- મિકી મહેતા (મિકી મહેતા હોલિસ્ટિક હેલ્થ ગુરુ છે.)

healthy living health tips life and style lifestyle news columnists exclusive gujarati mid day