પેટનો અસહ્ય દુખાવો સામાન્ય ગૅસ છે કે પૅન્ક્રિએટિક અટૅક?

29 July, 2026 08:35 PM IST  |  Mumbai | Kajal Rampariya

અત્યાર સુધી એવું મનાતું હતું કે દારૂ પીનારાઓને અને ગૉલબ્લૅડરમાં પથરી હોય તો જ સ્વાદુપિંડમાં સોજાને કારણે થતી સમસ્યા દેખાય, પરંતુ હવે લક્ષણો બદલાઈ ગયાં છે. એનાં લક્ષણોને સમજીને લાંબા ગાળાની સારવાર કેમ જરૂરી છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ

પેટનો અસહ્ય દુખાવો સામાન્ય ગૅસ છે કે પૅન્ક્રિએટિક અટૅક?

હેક્ટિક લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની બદલાતી પૅટર્નને લીધે પેટમાં દુખાવો થવો બહુ સામાન્ય બાબત બની ગઈ છે. ખાવાનું બરાબર ન પચે કે પેટ સાફ ન થયું હોય તોય પેટમાં અનઈઝીનેસ લાગતી હોય છે. મોટા ભાગે આવું થાય ત્યારે આપણે ગૅસ થયો છે અથવા ઍસિડિટી છે એમ માનીને સોડા પી લઈએ છીએ અને ઘરગથ્થુ ઉપચાર અને મેડિકલમાંથી મળતી દવાઓ લઈને ચલાવી લઈએ છીએ. જોકે શું તમને ખબર છે કે પેટના ઉપરના ભાગમાં થતો અસહ્ય દુખાવો માત્ર સામાન્ય ગૅસ નહીં પણ પૅન્ક્રિએટિક અટૅક પણ હોઈ શકે છે. આને સ્વાદુપિંડનો સોજો પણ કહેવાય છે. જો એનું સમયસર નિદાન અને સારવાર ન થાય તો આગળ જતાં ગંભીર થતાં જીવલણ પણ સાબિત થઈ શકે છે. પેટનો દુખાવો ક્યારેક જઠર, આંતરડાંની ગરબડને કારણે નહીં, પણ પૅન્ક્રિઆસને કારણે પણ હોઈ શકે છે એ વિશે આપણે બહુ સાંભળ્યું નથી, પરંતુ દર વર્ષે ૧ લાખ લોકોમાંથી ૩૦થી ૩૫ વ્યક્તિને આ સમસ્યા થતી હોવાનું વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નોંધ્યું છે. આ કેસમાંથી ૧ ટકા જેટલા દરદીઓ માટે આ જીવલેણ પણ નીવડે છે. જોકે પેટના દુખાવામાં પૅન્ક્રિઆસની ગરબડ વિશે આપણે ત્યાં બહુ ઓછી અવેરનેસ છે. પેટનો દરેક દુખાવો જુદો હોય છે એટલે પૅન્ક્રિએટિક અટૅકનાં લક્ષણો અને બચવાના ઉપાયો વિશે ગૅસ્ટ્રોસર્જ્યન ડૉ. રૉય પાટણકર પાસેથી જાણીએ.

પૅન્ક્રિએટિક અટૅક એટલે?

પૅન્ક્રિઆસ એટલે કે સ્વાદુપિંડ. એ આપણા પેટના પોલાણમાં ઉપરના ભાગમાં આવેલું મહત્ત્વનું અંગ છે જે ખોરાકને પચાવવા માટેના જરૂરી રસો રિલીઝ કરે છે. આપણે એને મોટા ભાગે ડાયાબિટીઝ સાથે સાંકળીને જોતા આવ્યા છીએ કેમ કે એ શરીરમાં બ્લડ-શુગરને નિયંત્રિત કરતું ઇન્સ્યુલિન નામનું હૉર્મોન બનાવે છે. સાધારણ સંજોગોમાં આ પાચક રસો આંતરડાંમાં પહોંચ્યા પછી સક્રિય થાય છે, પણ જ્યારે કોઈ કારણસર આ રસો આંતરડાંમાં પહોંચવાને બદલે સ્વાદુપિંડની અંદર જ સમય પહેલાં સક્રિય થઈ જાય છે ત્યારે એ સ્વાદુપિંડના પોતાના જ કોષોને પચાવવા કે નુકસાન પહોંચાડવા લાગે છે. આ પ્રક્રિયાને કારણે સ્વાદુપિંડમાં સોજો આવે છે. એને મેડિકલની ભાષામાં ઍક્યુટ પૅન્ક્રિયાટાઇટિસ કે પૅન્ક્રિએટિક અટૅક કહેવામાં આવે છે.

લક્ષણો ખૂબ જ જુદાં

પૅન્ક્રિએટિક અટૅકનો દુખાવો સામાન્ય ગૅસ કે ઍસિડિટીથી સાવ જ અલગ હોય છે. એમાં પેટના ઉપરના ભાગમાં અચાનક અસહ્ય તીવ્ર દુખાવો ઊપડે છે જે ઝડપથી પાછળ પીઠના ભાગ તરફ ફેલાય છે. આ દુખાવો એવો છે જે કોઈ પણ પ્રકારના ઘરેલુ ઉપચારથી શાંત થતો નથી. આ દુખાવાની સાથે દરદીને સતત ઊબકા આવવા, વારંવાર ઊલટીઓ થવી, તાવ આવવો, પેટ ફૂલી જવું જેવાં લક્ષણો દેખાય છે. દરદી કંઈ પણ ખાવા-પી શકતો નથી. જો પેટના તીવ્ર દુખાવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડે કે ચક્કર આવવા લાગે તો એને તાત્કાલિક મેડિકલ ઇમર્જન્સી સમજીને હૉસ્પિટલમાં પહોંચવું જોઈએ, કારણ કે શરૂઆતના તબક્કામાં મળેલી સારવાર દરદીનો જીવ બચાવી શકે છે.

આ જોખમોને ઇગ્નૉર ન કરતા

સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે પૅન્ક્રિએટિક અટૅક માત્ર દારૂનું સેવન કરવાથી કે પિત્તાશયમાં પથરી હોવાને કારણે જ આવે છે, 
પણ હવે ચિત્ર બદલાયું છે. બદલાતી લાઇફસ્ટાઇલને લીધે જેમને ઓબેસિટી કે બૅડ કૉલસ્ટરોલ હોય, ડાયાબિટીઝ હોય, પ્રોસેસ્ડ અને જન્ક-ફૂડ ખાવાની ખાવાની આદત હોય એ લોકોને પણ આ બીમારી થઈ રહી છે. આ ઉપરાંત બ્લડ-પ્રેશર અને હૉર્મોન્સની કેટલીક દવાઓ પણ ક્યારેક સ્વાદુપિંડમાં સોજો લાવવાનું કારણ બની શકે છે. 

આટલી કાળજી રાખો

ઘણા દરદીઓ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી એવું માની લેતા હોય છે કે દુખાવો મટી ગયો એટલે બીમારી પૂરી થઈ ગઈ, પણ હકીકત એ છે કે સ્વાદુપિંડને સંપૂર્ણપણે સાજા થવામાં લાંબો સમય લાગે છે. રિકવરી દરમ્યાન અને એ પછી પણ દરદીએ લાંબા સમય સુધી ઓછો હળવો ખોરાક લેવો જોઈએ અને દારૂ તથા સિગારેટનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવતું અંગ હોવાથી સોજા પછી ભવિષ્યમાં ડાયાબિટીઝ થવાનું જોખમ વધી જાય છે એટલે બ્લડ-શુગરનું નિયમિત ચેકિંગ જરૂરી છે. આ અટૅક પિત્તાશયની પથરી કે વધેલા કૉલેસ્ટરોલને કારણે આવ્યો હોઈ શકે એટલે એની યોગ્ય સારવાર કરાવી લેવી, જેથી ભવિષ્યમાં ફરી આવો અટૅક ન આવે.

lifestyle news life and style healthy living health tips gujarati mid day